ગૌચરની જમીન ઍરસ્ટ્રિપ માટે ફાળવવામાં આવી એટલે એને અન્ય જગ્યાએ ખસેડવા કરી રજૂઆત : ગૌચરની જમીન બચાવવા ગ્રામજનોએ આદર્યું અભિયાન
કાઠડા ગામની મહિલાઓ અને દીકરીઓએ નરેન્દ્ર મોદીને ટપાલ લખી હતી
કચ્છના માંડવી તાલુકામાં આવેલા કાઠડા ગામની મહિલાઓ અને યુવતીઓએ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટપાલો લખીને ગામના ગૌચરની જમીન બચાવવા માટે રજૂઆત કરી છે. ઍરસ્ટ્રિપ માટે ગામના ગૌચરની જમીન જતી રહેતાં પશુધન ક્યાં ચરશે એ મુદ્દે કાઠડા ગામના ગ્રામજનોએ ગૌચર બચાવ અભિયાન આદર્યું છે.
કાઠડા ગામના ભૂતપૂર્વ સરપંચ ભારમલ ગઢવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માંડવી રૂરલની ૩૭૫ એકર જમીન અને કાઠડા ગામની ૨૧૨ એકર ગૌચર જમીન પર ઍરસ્ટ્રિપ બનાવવા માટે ઑર્ડર થયો છે. અમારા ગામની વસ્તી ૩૫૦૦ જેટલી છે અને ગામમાં ગાયો, ભેંસો, ઘેટાં- બકરાં તેમ જ ઊંટ સહિતનું ૨૯૧૦ પશુધન છે. અમારું પશુધન ગામના ગૌચરમાં ચરે છે. જોકે પશુધન પ્રમાણે જોઈએ એટલું ગૌચર નથી. ગામને જે જમીન આપવામાં આવે છે એ ગામથી આશરે ૧૪ કિલોમીટર દૂર છે. આટલે દૂર સુધી ગાયો ચરવા ક્યાં જશે? એને બદલે ઍરસ્ટ્રિપ અન્ય સ્થળે બનાવવામાં આવે એવી અમારી માગણી છે. ગામની મહિલાઓ અને યુવતીઓએ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટપાલ લખીને ગામના ગૌચરને બચાવવા માટે રજૂઆત કરી છે. ગામની ગૌચર જમીન પર ગામનું પશુધન ચરે છે અને એ અમારી આજીવિકા છે. ગામમાં મહિલાઓ ડેરીનું સંચાલન કરે છે. ગામનું ગૌચર બચાવીને ઍરસ્ટ્રિપ બીજી જગ્યાએ બનાવવામાં આવે એવી ગામના લોકોની રજૂઆત છે.’
ADVERTISEMENT
મહિલાઓ અને દીકરીઓએ શું લખ્યું છે નરેન્દ્ર મોદીને પત્રમાં?

નરેન્દ્ર મોદીને ગામની મહિલાઓ અને દીકરીઓએ લખેલી ટપાલ
કાઠડા ગામની મહિલાઓ અને દીકરીઓએ ટપાલમાં નરેન્દ્ર મોદીને રજૂઆત કરતાં લખ્યું છે, ‘હાલમાં માંડવી તાલુકાના કાઠડા ગામમાં ઍરસ્ટ્રિપ માટે કચ્છના કલેક્ટર દ્વારા ૫૮૭ એકર ફળદ્રુપ ગૌચર જમીનની ફાળવણી કરવામાં આવી છે. અમારો ચારણ સમાજ માલધારી સમાજ છે. આ ઍરસ્ટ્રિપમાં જે જમીન જશે એમાં અમારી આજીવિકા છીનવાઈ રહી છે. કાઠડા ગામની મહિલાઓ આત્મનિર્ભર નારીશક્તિ બનવા ગામની દૂધની ડેરીઓ ચલાવે છે. અમારી રોજીરોટી ન છીનવાય એટલે આ પ્રોજેક્ટને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે અથવા તો ફેરવિચારણા કરવામાં આવે એવી એક બહેન અને દીકરી તરીકે આપશ્રીને અપીલ સાથે નમ્ર અરજ છે.’


