ઉદયપુરના લીલા પૅલેસમાં એક દિવસનું ભાડું ૧૦ લાખ રૂપિયા
રૉયલ વેડિંગ માટે રાગનીતિનું આગમન
પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાત ફેરા ફરવા માટે ગઈ કાલે ઉદયપુર પહોંચી ગયાં છે. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનાં મેઇન ફંક્શન આજથી શરૂ થશે. એ અગાઉ બન્નેએ ગુરુદ્વારામાં જઈને પ્રાર્થના કરી હતી. શનિવારે સવારે ૧૦ વાગ્યે પરિણીતીની ‘ચૂડા’ સેરેમની થવાની છે. ૨૪ સપ્ટેમ્બરે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ જશે. લીલા પૅલેસ કોર્ટ યાર્ડમાં તેમનું રિસેપ્શન યોજાશે અને એની થીમ ‘અ નાઇટ ઑફ અમોર’ રાખવામાં આવી છે. અમોર એક ઇટાલિયન શબ્દ છે અને એનો અર્થ પ્રેમ થાય છે. તેમની ખુશીમાં સામેલ થવા બૉલીવુડની અનેક હસ્તીઓ હાજર હશે અને સાથે જ રાજકીય જગતમાંથી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે તથા પંજાબના ચીફ મિનિસ્ટર ભગવંત માન પણ હાજર રહેશે. રાજસ્થાનમાં લગ્ન હોવાથી કદાચ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને છત્તીસગઢના ચીફ મિનિસ્ટર ભૂપેશ બઘેલ પણ હાજરી આપશે. આ રૉયલ વેડિંગ પર સૌની નજર મંડાયેલી છે. પરિણીતી અને રાઘવે આ વર્ષે દિલ્હીમાં મે મહિનામાં સગાઈ કરી હતી અને ત્યારથી જ તેમને સતત લગ્ન વિશે પૂછવામાં આવતું રહ્યું હતું. આખરે હવે તેમની લાઇફનો આ અગત્યનો દિવસ આવી ગયો છે. ઉદયપુરના લીલા પૅલેસનો મહારાજ સ્વીટ બુક કરવામાં આવ્યો છે, જે ૩૫૦૦ સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે. એનું એક રાતનું ભાડું ૧૦ લાખ રૂપિયા છે. રાઘવ દુલ્હનિયાને લેવા માટે બોટમાં જવાનો છે, જેને મેવાડી સ્ટાઇલમાં સજાવવામાં આવી છે. ફૂડની વાત કરીએ તો સ્વાદિષ્ટ પંજાબી ભોજન મહેમાનોને પીરસવામાં આવશે. એને માટે ફેમસ શેફને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજસ્થાનમાં લગ્ન હોય અને રાજસ્થાની પારંપરિક નૃત્ય ન હોય એ તો શક્ય જ નથી. આ જ કારણ છે કે મેવાડી પ્રથા પ્રમાણે મહેમાનોનું સ્વાગત કરતા ઘુમર ડાન્સનો પર્ફોર્મન્સ જોવા મળશે. તદુપરાંત લગ્નમાં સલામતી-વ્યવસ્થા પણ સખત ગોઠવવામાં આવી છે. અંદાજે ૧૦૦ પ્રાઇવેટ સિક્યૉરિટી ગાર્ડ્સને તહેનાત કરવામાં આવ્યા છે. હોટેલ લીલા પૅલેસ પિચોલા તળાવ પાસે છે એથી સિક્યૉરિટી ગાર્ડ્સને તળાવની અંદર ચારથી પાંચ બોટ પર પણ સજ્જ કરવામાં આવશે. એ સિવાય લગ્નના ફોટો કે વિડિયો લીક ન થાય એ માટે મહેમાનોના મોબાઇલ પર બ્લુ ટેપ ચોંટાડવામાં આવશે. આ ટેપની ખાસિયત એ છે કે જો કોઈ વ્યક્તિએ બ્લુ ટેપ કાઢવાનો પ્રયાસ કરશે તો એના પર ઍરોનું નિશાન આવી જશે અને જ્યારે સિક્યૉરિટી એને ચેક કરશે તો તેમને તરત જાણ થઈ જશે કે ટેપ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ બ્લુ ટેપ હોટેલના સ્ટાફ, ડેકોરેટર્સ, સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરનારાઓ અને શેફ્સના મોબાઇલ પર ચોંટાડવામાં આવશે.