માધુરીએ નવકોઠી સંબલપુરી સિલ્ક સાડી પહેરીને કર્યો ઓડિશાની હાથવણાટ પરંપરાનો પ્રચાર
માધુરી દીક્ષિત નવકોઠી સંબલપુરી સિલ્ક સાડીમાં
ઓડિશા સરકારે માધુરી દીક્ષિતની પસંદગી રાજ્યના હાથવણાટ ઉદ્યોગના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે કરી છે. આ નિમણૂક ગયા વર્ષે ૭ ઑગસ્ટે રાષ્ટ્રીય હાથવણાટ દિવસના અવસરે કરવામાં આવી હતી જેના અંતર્ગત માધુરીએ એક વર્ષ માટે ઓડિશાની સંબલપુરી, સોનેપુરી, નવકોઠી જેવી સુંદર હાથવણાટ સાડીઓને દેશ-વિદેશમાં પ્રમોટ કરવાનું સ્વીકાર્યું છે.
આ હાથવણાટ પરંપરાનો પ્રચાર કરવા માટે હાલમાં માધુરીએ સોશ્યલ મીડિયામાં વાદળી અને લાલ-ગુલાબી રંગના કૉમ્બિનેશનવાળી નવકોઠી સંબલપુરી સિલ્ક સાડીમાં તેની તસવીરો પોસ્ટ કરી છે. આ સાડીમાં નવકોઠી (નવ કોઠા અથવા નવ ઘર જેવા) મોટિફ અને સંબલપુરી વણાટની ખાસિયત જેવી ઇક્ત વણાટની ડિઝાઇન છે. માધુરીએ આ તસવીર પોસ્ટ કરતી વખતે સંદેશ લખ્યો છે કે ‘ઓડિશાની સમૃદ્ધ વણાટ પરંપરા... અવિનાશી અને આત્માથી ભરપૂર. આ માત્ર કપડાં નથી, પરંતુ પ્રેમ અને ધીરજથી વણાયેલી વાર્તાઓ છે. આ સુંદર વારસાનું પ્રતિનિધિત્વ કરવાનો મને ગર્વ છે.’
