Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: વેસ્ટર્ન રેલવેમાં ૧૭ લોકલ ટ્રેનો હવે ૧૫ ડબ્બાની થશે

ન્યૂઝ શોર્ટમાં: વેસ્ટર્ન રેલવેમાં ૧૭ લોકલ ટ્રેનો હવે ૧૫ ડબ્બાની થશે

Published : 07 April, 2026 07:27 AM | Modified : 07 April, 2026 08:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિનાના અંત સુધીમાં વિરાર-દહાણુ રૂટ પર પહેલી વાર દોડશે ૧૫ ડબ્બાની ટ્રેન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિરાર-દહાણુ કૉરિડોર પર ક્વાડ્રપ્લિંગનું કામ પૂરું થતાં પહેલી વાર ૧૫ ડબ્બાની લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. વેસ્ટર્ન રેલવેની ક્ષમતા વધારવાના પ્રયાસરૂપે વિરાર કારશેડમાં ૧૫ ડબ્બાની બે નવી રેક સામેલ કરવામાં આવી છે. કુલ ૧૭ ટ્રેનો બારમાંથી ૧૫ ડબ્બાની કરવામાં આવશે જેમાં સૌથી મોટો ફાયદો વિરાર-દહાણુ સેક્શનને મળશે. આ રૂટ પર કુલ ૮ ટ્રેનો ૧૫ ડબ્બાની કરવામાં આવશે. અતિવ્યસ્ત એવા ચર્ચગેટ-વિરાર રૂટ પર પણ ૯ ટ્રેનોને ૧૫ ડબ્બાના ફૉર્મેશનમાં અપગ્રેડ કરવામાં આવશે. આ નવી વ્યવસ્થા ચાલુ મહિનાના અંત સુધીમાં અમલી બને એવી શક્યતા છે. ટ્રેનોની લંબાઈ વધવાથી પીક-અવર્સ દરમ્યાન ટ્રેનની ક્ષમતામાં મોટો વધારો થશે જેને પરિણામે પાલઘર જિલ્લાને મુંબઈ સાથે જોડતા રૂટ પર પ્રવાસીઓને ભીડમાંથી આંશિક રાહત મળશે.

મુંબઈમાં આ સપ્તાહમાં તાપમાન વધશે નહીં: સામાન્ય કરતાં નીચું તાપમાન રહેવાને પગલે રાહત મળશે



મુંબઈમાં આ અઠવાડિયે ગરમીની અસર સામાન્ય રહેવાની ધારણા છે અને તાપમાનમાં કોઈ મોટો વધારો થવાની શક્યતા નથી. હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૧થી ૩૩ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ રહેશે, જેને કારણે મુંબઈગરાઓને આકરી ગરમીથી મોટી રાહત મળશે. હાલમાં મુંબઈમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા સોમવારે મુંબઈનું મહત્તમ તાપમાન ૩૧.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૧.૮ ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. લઘુતમ તાપમાન ૨૫  ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ આખા અઠવાડિયા દરમ્યાન વેસ્ટર્લી વિન્ડ્સ સક્રિય રહેશે. આ પવનોને કારણે વાતાવરણમાં ઠંડા અને તેજ પવનોનો પ્રવાહ જળવાઈ રહેશે જેને કારણે તાપમાનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થશે.


જોગેશ્વરીમાં ગેરકાયદે રીતે ઘેટાંની લડાઈનું આયોજન : એક ઘેટાનું મોત

જોગેશ્વરી-વેસ્ટમાં ગેરકાયદે રીતે યોજાયેલી ઘેટાની લડાઈ દરમ્યાન એક ઘેટાનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે ૩ લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ જોગેશ્વરીમાં પાટીલવાડી નજીક એક મેદાનમાં મનોરંજન અને એક લાખ રૂપિયાના રોકડ ઇનામની લાલચમાં ‘રૉકી’ અને ‘ચમકીલા’ નામનાં બે ઘેટાં વચ્ચે હિંસક લડાઈ કરાવવામાં આવી હતી. આ લડાઈ દરમ્યાન ‘રૉકી’ નામનું ઘેટું અચાનક મેદાનમાં ઢળી પડ્યું હતું અને એનું મોત થયું હતું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આંબોલી પોલીસે આ મામલે ૩ આરોપીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો છે અને લડાઈમાં જીવિત બચેલા બીજા ઘેટાને કબજે કરવાના પ્રયાસો ચાલુ છે.


જુહુ કોલીવાડામાં વિકરાળ આગ, સાંકડી ગલીમાં ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ-ઑપરેશન

જુહુ કોલીવાડા વિસ્તારમાં બજરંગી ચોક નજીક ગઈ કાલે ભીષણ આગ લાગી હતી જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલાં આ વિકરાળ આગનાં દૃશ્યોમાં આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઊડતા જોવા મળ્યા હતા. સાંકડી ગલીમાં લાગેલી આ આગને બુઝાવવા માટે ફાયર-બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હતી. જુહુ કોલીવાડાની એક ચાલ નજીક લાગેલી આ આગને કાબૂમાં લેવા માટે ફાયર-એન્જિનો રસ્તા પર ગોઠવવામાં આવ્યાં હતાં. ગલીઓ અત્યંત સાંકડી હોવા છતાં ફાયર-ફાઇટરોએ અંદર પ્રવેશીને આગ બુઝાવી હતી. 

થાણે ફ્લાયઓવર પર રિક્ષા અને કાર વચ્ચે થયેલા ઍક્સિડન્ટમાં બે ઘાયલ: ઢોળાયેલા ઑઇલે ટ્રાફિક જૅમ કર્યો

થાણેમાં સોમવારે વહેલી સવારે ફ્લાયઓવર પરથી જઈ રહેલી રિક્ષા અને કારની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ રોડ પર ઑઇલ ઢોળાવાને કારણે ઘણા સમય સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો.થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું આ ઘટના કલવામાં ફ્લાયઓવર પર વહેલી સવારે બની હતી. વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કાર સાથે રિક્ષા અથડાતાં અકસ્માત થયો હતો. આ ટક્કરમાં રિક્ષા-ડ્રાઇવર અને રિક્ષામાંના પ્રવાસીને ઈજા થઈ હતી. કાર અને રિક્ષા વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ફ્લાયઓવર પર એન્જિનનું ઑઇલ પ્રસરી ગયું હતું. ઑઇલ-સ્પિલને કારણે ટ્રાફિક થોડા સમય માટે ખોરવાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK