વેસ્ટ એશિયાના યુદ્ધમાં ઓમાનના દરિયાકાંઠે જીવ ગુમાવનારા કાંદિવલીના યુવાન ગુજરાતી નાવિક દક્ષિત સોલંકીનો પાર્થિવ દેહ પરિવારને આખરે મળી ગયો, પણ મૃતદેહના નામે બળી ગયેલાં ચાર-પાંચ હાડકાં જ છે એટલે દીકરાની ઓળખ વિશેનો સચોટ પુરાવો જોઈએ છે એને
દીક્ષિત સોલંકી અને કાંદિવલીના મહાવીરનગરમાં તેનો પરિવાર જ્યાં રહે છે એ ઘર.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન ગયા મહિને ઓમાનના દરિયાકાંઠે ડ્રોન બોટ હુમલામાં જીવ ગુમાવનાર યુવાન ગુજરાતી નાવિક દીક્ષિત સોલંકીના પાર્થિવ દેહને અંતે વતન પાછો લાવવામાં આવ્યો છે. નૅશનલ યુનિયન ઑફ સીફેરર્સ ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે રવિવારે મુંબઈ ઍરપોર્ટના કાર્ગો ટર્મિનલ પર દીક્ષિતના પપ્પા અમૃતલાલ સોલંકી અને બહેન મિતાલી સોલંકીએ ભારે હૈયે મૃતદેહનો કબજો લીધો હતો.
સોલંકી પરિવારે દીકરાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો અત્યારે ઇનકાર કર્યો છે અને આગ્રહ રાખ્યો છે કે જ્યાં સુધી અમને દીકરાની ઓળખ વિશેના સચોટ પુરાવા નહીં મળે ત્યાં સુધી અમે અંતિમવિધિ આગળ વધારીશું નહીં. મૃતદેહને લઈને પરિવાર જે.જે. હૉસ્પિટલ પહોંચ્યો હતો. તેમણે કંપની દ્વારા કરવામાં આવેલા પોસ્ટમૉર્ટમનો લેખિત પુરાવો અને DNA ટેસ્ટ પૉઝિટિવ આવી છે કે નહીં એની વિગતો માગી હતી.
ADVERTISEMENT
સોલંકી પરિવારે દીકરાના અંતિમ સંસ્કાર માટે મૃતદેહ પાછો મેળવવા લાંબી કાનૂની લડત લડવી પડી હતી. સત્તાવાળાઓ તરફથી કોઈ સ્પષ્ટતા ન થતાં અમૃતલાલ અને મિતાલીએ ત્રણ દિવસ અગાઉ જ બૉમ્બે હાઈ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં.
દીક્ષિત સોલંકીના નશ્વર અવશેષના DNA પરીક્ષણની માગણી બાદ બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે શિપિંગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલનો જવાબ માગ્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે ‘મૃતદેહ ન હોવાથી ઓળખ શક્ય નથી. ફક્ત ચાર કે પાંચ બળેલાં હાડકાં છે. પરિવાર અંતિમ સંસ્કાર કરી શકે એ માટે DNA-પરીક્ષણ જરૂરી છે.’
