રવિવારે રાત્રે મરિયમ્માદેવીની શોભાયાત્રામાં હિન્દુઓ પર મુસ્લિમો દ્વારા હુમલોઃ પોલીસે ૧૦ જણની ધરપકડ કરી, એમાંથી એક આરોપીનું ઇલીગલ ઘર જમીનદોસ્ત
BMCએ ગઈ કાલે સંતોષનગરમાં કાર્યવાહી કરી હતી.
ગોરેગામ-ઈસ્ટના દિંડોશીસ્થિત સંતોષનગરમાં રવિવારે સાંજે મરિયમ્માદેવીની શોભાયાત્રા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને સ્થાનિક મુસ્લિમ યુવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ રમખાણમાં સંડોવાયેલા મુસ્લિમ યુવાનોનાં ગેરકાયદે મકાનો સામે JCB વડે તોડકામની કાર્યવાહી કરી હતી. સ્થાનિક સ્તરે મળેલી ફરિયાદોના આધારે આ મકાનો ગેરકાયદે હોવાનું જણાતાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું BMCના અધિકારીઓએ જણાવ્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત વચ્ચે થયેલી કાર્યવાહી દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવતાં આ વિસ્તારમાં ફરી તનાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. કાર્યકરોએ દાવો કર્યો હતો કે મુંબઈમાં હવે ઉત્તર પ્રદેશની પૅટર્ન મુજબ કામ કરવામાં આવશે અને હિન્દુઓ પર અન્યાય કરનારા સામે આ જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદના કોકણ પ્રાંતના સહસંયોજક ગૌતમ રાવરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સાંજે શોભાયાત્રા દરમ્યાન રામ ભગવાનનાં ભજન વાગી રહ્યાં હતાં. શોભાયાત્રા જ્યોતિ બાર ઍન્ડ રેસ્ટોરાં નજીક પહોંચતાં એક મુસ્લિમ યુવાને ભગવાનનાં ગીતો બંધ કરવાની હાકલ કરી હતી. એ સમયે અમારા કાર્યકરોએ શોભાયાત્રા દરમ્યાન ગીતો બંધ નહીં કરવામાં આવે એવું કહેતાં તે મુસ્લિમ યુવાન ઘરેથી તલવાર અને લોખંડના રૉડ સહિતનાં હથિયારો લઈને આવ્યો હતો અને તેની સાથે આવેલા નવથી ૧૦ લોકોએ અમારા કાર્યકરો, મહિલાઓ અને બાળકોની મારઝૂડ કરી હતી. એમાં અમારા ૩ કાર્યકરો ગંભીર રીતે જખમી થયા હતા. હાલમાં પણ તેઓ ખૂબ જ સિરિયસ છે અને તેમની જોગેશ્વરીની ટ્રૉમા કૅર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રવિવારે રાતે અમારા કાર્યકરોની મારઝૂડ થઈ હોવા છતાં સ્થાનિક પોલીસે અમારા કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો. જોકે મોડી રાતે તેમણે અમારી ફરિયાદ નોંધીને ૧૦ લોકોની ધરપકડ કરી હતી. ગઈ કાલે માત્ર એક મુખ્ય આરોપીના ઘર પર JCB ફેરવવામાં આવ્યું છે જેના ઘરમાંથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. અમારી માગણી છે કે બીજા આરોપીઓનાં ગેરકાયદે ઘરો પર પણ JCB ફેરવવામાં આવે. જો બે દિવસમાં એવું નહીં કરવામાં આવે તો અમારા કાર્યકરો તેમનાં ઘરો તોડી પાડશે.’
ADVERTISEMENT
મુંબઈ પોલીસના ઝોન ૧૨ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) મહેશ ચિમટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે સાંજે થયેલી અથડામણ બાદ દિંડોશી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમ જ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધ ચાલુ છે. આરોપીના ઘરમાં મળી આવેલા નશીલા પદાર્થ વિશે પણ યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.’
