તેણે જણાવ્યું કે આ દર્શનથી તેને શાંતિ અને આધ્યાત્મિક જોડાણનો અનુભવ થયો
કંગના રનૌત
કંગના રનૌતે તાજેતરમાં બૅન્ગલોરના પ્રાચીન શિવોહમ શિવ મંદિરમાં દર્શન કર્યાં અને તેણે જણાવ્યું કે આ દર્શનથી તેને શાંતિ અને આધ્યાત્મિક જોડાણનો અનુભવ થયો. ૬૫ ફુટ ઊંચી શિવપ્રતિમા અને શાંત ધ્યાન-સ્થળો માટે પ્રખ્યાત શિવોહમ શિવ મંદિર છેલ્લાં ત્રીસ વર્ષથી શ્રદ્ધાનું કેન્દ્ર છે. કંગનાએ અહીં ભક્તિ અને શાંતિના માહોલમાં સમય વિતાવ્યો અને આશીર્વાદ માગ્યા. તેણે પરિસરમાં સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરનાં પણ દર્શન કર્યાં.
આ દરમ્યાન કંગના રનૌતની મંદિરના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ રવિ સાથે પણ મુલાકાત થઈ. આધ્યાત્મિક ગુરુએ કંગનાની આ મુલાકાતને ખાસ ગણાવી. મંદિરમાં દર્શન-પૂજન કરીને કંગનાએ પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું કે ‘આ મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર છે. અહીંની શાંતિ અને દિવ્યતાએ મને અભિભૂત કરી દીધી. આ સ્થળ તમને ચિંતન કરવા અને પોતાની જાત સાથે જોડાવા માટે પ્રેરણા આપે છે. હું જ્યારે પણ બૅન્ગલોર આવીશ, અહીં ધ્યાન કરવા જરૂર આવીશ.’

