Kangana Ranaut Reacts to Raja Raghuvanshi Murder Case: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં રાજા રધુવંશી હત્યા કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી છે; ગુસ્સો વ્યક્ત કરતા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી સ્ટોરી
કંગના રનૌતની ફાઇલ તસવીર
મેઘાલય (Meghalaya)માં હનીમૂન ટ્રીપ દરમિયાન ઇન્દોર (Indore)ના રહેવાસી રાજા રઘુવંશી (Raja Raghuvanshi Murder Case)ની હત્યાથી દેશને આઘાત લાગ્યો છે. આરોપ છે કે, તેની પત્ની સોનમ રઘુવંશી (Sonam Raghuvanshi)એ તેના પતિની હત્યા કરવા માટે કોન્ટ્રાક્ટ કિલર રાખ્યો હતો. આ મામલે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ની પ્રતિક્રિયા સામે આવી છે.
બોલિવૂડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટી – ભાજપ (Bharatiya Janata Party – BJP) સાંસદ કંગના રનૌત પોતાની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. તે કોઈપણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેય ખચકાટ અનુભવતી નથી. તાજેતરમાં, તેણે મેઘાલય હનીમૂન હત્યા (Meghalaya Honeymoon Murder) કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને સોનમ રઘુવંશી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.
ADVERTISEMENT
રાજા રઘુવંશી હત્યા કેસ પર ગુસ્સો ઠાલવતા કંગના રનૌતે (Kangana Ranaut Reacts to Raja Raghuvanshi Murder Case)એ ઇન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે, ‘હું રાજા રઘુવંશી હત્યા કેસ સમજી શકતી નથી. આણે મને હચમચાવી દીધી છે. આ ખૂબ જ વાહિયાત છે. સ્ત્રી લગ્નનો ઇનકાર કરી શકતી નથી કારણ કે તે તેના પોતાના માતાપિતાથી ડરે છે પરંતુ તે કોન્ટ્રાક્ટ કિલર સાથે ક્રૂર હત્યાની યોજના બનાવી શકે છે. આ વાત સવારથી મારા મગજમાં છે પણ હું તેને સમજી શકતી નથી. ઉફ્ફ, હવે મને માથાનો દુખાવો છે. તે છૂટાછેડા પણ લઈ શકતી નથી કે તેના પ્રેમી સાથે ભાગી પણ શકતી નથી.’
અભિનેત્રીએ આગળ ઉમેર્યું, ‘કેટલા ક્રૂર, ઘૃણાસ્પદ અને સૌથી વધુ વાહિયાત અને મૂર્ખ. મૂર્ખ લોકોને ક્યારેય હળવાશથી ન લેવા જોઈએ. તેઓ કોઈપણ સમાજ માટે સૌથી મોટો ખતરો છે. આપણે ઘણીવાર તેમના પર હસીએ છીએ અને માનીએ છીએ કે તેઓ હાનિકારક છે પણ તે સાચું નથી. બુદ્ધિશાળી લોકો પોતાના ફાયદા માટે બીજાને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ યાદ રાખો કે મૂર્ખને ખબર નથી હોતી કે તે શું કરી રહ્યો છે. તમારી આસપાસના મૂર્ખોથી ખૂબ સચેત રહો.’
શું છે રાજા રઘુવંશી હત્યા કેસ?
મે મહિનામાં, ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી લગ્ન પછી હનીમૂન માટે મેઘાલય ગયા હતા અને ત્યાંથી ગુમ થઈ ગયા હતા. બાદમાં, રાજાનો મૃતદેહ શિલોંગ (Shillong)માં મળી આવ્યો હતો અને સોનમ ગુમ થયાની જાણ થઈ હતી. થોડા દિવસો પછી, સોનમ રઘુવંશી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગાઝીપુર (Ghazipur)માં મળી આવી હતી. મેઘાલય પોલીસના જણાવ્યા અનુસાર, સોનમ રઘુવંશી તેના પતિ રાજાની હત્યામાં મુખ્ય કાવતરાખોર છે. પોલીસનો દાવો છે કે સોનમનું રાજ કુશવાહ નામના વ્યક્તિ સાથે અફેર હતું. તેણીએ તેના પ્રેમી અને કેટલાક અન્ય મિત્રો સાથે મળીને રાજાને મારી નાખવાની યોજના ઘડી હતી. સોનમે થોડા દિવસો પછી ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું, જ્યારે બાકીના આરોપીઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. શિલોંગ પોલીસે ત્રણ આરોપીઓ સામે સાત દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા છે. ચોથા આરોપી આનંદની મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના સાગર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેને ઇન્દોર લાવવામાં આવ્યો છે. હવે બધા આરોપીઓને શિલોંગ લઈ જવામાં આવશે, જ્યાં વધુ તપાસ કરવામાં આવશે.

