સમાજમાં પરિવર્તન લાવવા યોગદાન આપતો રહીશ
આયુષ્માન ખુરાના
ટાઇમ મૅગેઝિનના આ વર્ષે વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓના લિસ્ટમાં આયુષ્માન ખુરાનાને પણ સ્થાન મળ્યું છે. આયુષ્માનનું નામ કલાકારની કૅટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યુ છે. આ લિસ્ટમાં ઑસ્કર વિજેતા કોરિયન ફિલ્મમેકર બોન્ગ જુન-હો, ફોએબ વૉલર બ્રિજ અને હૉલીવુડ સ્ટાર માઇકલ જૉર્ડન સિવાય પૉપ મ્યુઝિક સુપરસ્ટાર્સ સેલેના ગોમેઝ, જે. બાલ્વીન અને જેનિફર હડસનને પણ સ્થાન મળ્યું છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘ટાઇમે જે મને સ્થાન આપ્યું છે એનાથી હું ખૂબ ખુશ છું. એક કલાકાર તરીકે ફિલ્મો દ્વારા હું સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે યોગદાન આપતો રહીશ. આ સિદ્ધિ મારા વિશ્વાસ અને જર્નીનું પ્રમાણ છે. હું હંમેશાંથી જ માનતો આવ્યો છું કે સિનેમામાં એટલી તાકાત હોય છે કે એ લોકોમાં અને સમાજમાં કોઈ ચોક્કસ વિષયને લઈને યોગ્ય ચર્ચા શરૂ કરવામાં મદદ કરે છે. કન્ટેન્ટની પસંદગીને કારણે હું મારા દેશ અને દેશવાસીઓ પ્રતિ યોગદાન આપવામાં સફળ થાઉં એવી આશા છે.’