વાત રહી શાસ્ત્રોની, તો એ સમજવું રહ્યું કે એક પણ શાસ્ત્રમાં એવું કહેવાયું નથી કે વર્જિન કન્યા જ પુરુષોને પૂરો આનંદ આપી શકે એટલે આવો ભ્રમ રાખવો નહીં.
પ્રતીકાત્મક તસવીર
હવેની જનરેશન બધી વાતમાં બહુ સમજદાર અને ફૉર્વર્ડ છે, પણ અંગત સંબંધોની બાબતમાં ઓવર-એક્સાઇટેડ હોવાથી કેટલીક ખોટી માન્યતાઓને હજીયે ગાંઠે બાંધીને ફરે ખરી. આએદિન મારી પાસે આવનારા યુવાનોને વર્જિનિટીને લઈને બહુ સવાલ હોય છે. ખાસ કરીને લગ્ન થવાનાં હોય એ પહેલાં. સમસ્યા એ છે કે આ યુવાનો લગ્ન પહેલાં પોતે ગર્લફ્રેન્ડ સાથે સંબંધમાં આગળ વધી ગયા હોય, પણ જેની સાથે લગ્ન થવાનાં હોય એ કન્યાની વર્જિનિટીની ચિંતા કરે. હમણાં લગભગ ૨૮ વર્ષનો એક યુવક મારી પાસે આવ્યો. આજના જમાનામાં આ ઉંમરે કોઈ જાતીય જીવનની બાબતમાં સાવ જ બિનઅનુભવી હોય એવું બને જ નહીં. તેણે નિખાલસતાથી કહેલું કે એક્સ-ગર્લફ્રેન્ડ સાથે પહેલી બે-ત્રણ વાર સંબંધ બાંધતી વખતે જે સંતોષ અને એક્સાઇટમેન્ટ ફીલ થયેલાં એવું એ પછીથી નહોતું થયું. તેના મનમાં કોઈકે ભરાવેલું કે છોકરીની વર્જિનિટી તૂટે ત્યારે પુરુષને વધુ આનંદ આવે. તો શું હવે ફિયાન્સે સાથેના સંબંધમાં કેવો આનંદ મળશે એની તેને ચિંતા હતી.
આ કદાચ દરેક નવા પરણનારા યુવકના મનની દ્વિધા હશે.
પેલા યુવકને મારે સમજાવવું પડ્યું કે તને પહેલી વાર ગર્લફ્રેન્ડ સાથેના સંબંધમાં વધુ આનંદ આવ્યો એને વર્જિનિટી સાથે કોઈ લેવાદેવા નથી. પહેલવહેલી વારનો અનુભવ જો પ્રિય પાત્ર સાથે થાય તો એ રોમાંચક જ રહેવાનો. પાર્ટનરનું કૌમાર્ય અકબંધ ન હોય તો પણ આ રોમાંચ એવો જ રહેવાનો. તમને વધુ આનંદ આવ્યો એનું કારણ ગર્લફ્રેન્ડની વર્જિનિટી નહીં, પણ તમારા માટેનો સૌથી પહેલો અને વર્જિન અનુભવ હતો એ છે.
ADVERTISEMENT
કકડીને ભૂખ લાગી હોય અને કોઈ ગરમાગરમ ભાણું મૂકે તો પહેલી રોટલી તમને વધુ મીઠી લાગે અને એનાથી સંતુષ્ટિ પણ વધુ થાય. એ પછીની રોટલીઓમાં પહેલી રોટલી જેટલી મીઠાશ અને તૃપ્તિ ન હોય એવું પણ બની શકે છે. સુખી અને સંતુષ્ટ સહજીવન માટે સામેના પાર્ટનરના ગુણો અથવા તો વર્જિનિટીને મહત્ત્વ આપવું વ્યર્થ છે. સેક્સ પહેલી વાર માણો ત્યારે જે ફીલિંગ આવે એવી જ દર વખતે આવે એવી અપેક્ષા ઠીક નથી. હા, સેક્સલાઇફ સદા તરોતાજા રહે એ માટે ઇનોવેટિવ અને ઇન્ટરેસ્ટિંગ પરિવર્તન કરતા રહેવું જરૂરી છે. બાકી વાત રહી શાસ્ત્રોની, તો એ સમજવું રહ્યું કે એક પણ શાસ્ત્રમાં એવું કહેવાયું નથી કે વર્જિન કન્યા જ પુરુષોને પૂરો આનંદ આપી શકે એટલે આવો ભ્રમ રાખવો નહીં.

