હુમલાનો ભોગ બનનાર રાજેન્દ્રકુમાર ટ્રેનના વ્હીલ નીચે આવી ગયો હોવાથી તેનો હાથ કપાઈ જવા સાથે તેને ગંભીર ઈજા થઈ હતી
હુમલાનો ભોગ બનનાર રાજેન્દ્રકુમાર
સીબીડી અને બેલાપુર વચ્ચે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા ૩૨ વર્ષના એક પ્રવાસી પર ચાર યુવાનોએ હુમલો કર્યો હતો. આ યુવાનોએ તેને છરી હુલાવ્યા બાદ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો. હુમલાનો ભોગ બનનાર રાજેન્દ્રકુમાર ટ્રેનના વ્હીલ નીચે આવી ગયો હોવાથી તેનો હાથ કપાઈ જવા સાથે તેને ગંભીર ઈજા થઈ હતી. હાલમાં સાયન હૉસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યો છે. આ બનાવ બાદ પનવેલ રેલવે પોલીસે અજાણ્યા ઇસમો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
રાજેન્દ્રકુમાર ઐરોલીમાં પોતાના ભાઈને ત્યાં લૉન્ડ્રીનું કામ કરવા એક સપ્તાહ પૂર્વે ગામથી અહીં આવ્યો હતો. તેને ઉલવે સેક્ટર–૧૦માં કેદારનાથ લૉન્ડ્રીમાં કામ મળ્યું હતું. ૨૬ એપ્રિલે લૉન્ડ્રી બંધ હોવાથી એક સંબંધીને મળવા તે પનવેલ ગયો હતો. સંબંધી નહીં મળતાં તે પનવેલ સ્ટેશને પાછો ફર્યો હતો અને ઉલવે જવા ટ્રેન પકડવાનો હતો. ઉરણની ટ્રેન નહીં મળતાં તેણે નેરુળ સ્ટેશનથી ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો. પનવેલથી તેણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ની લોકલ ટ્રેન પકડવા પ્રયાસ કર્યો હતો. ડબ્બામાં ચડતા ચાર યુવાનોએ તેને અટકાવ્યો હતો. તેમના પ્રતિકાર છતાં રાજેન્દ્રકુમાર ટ્રેનમાં ચડવામાં સફળ રહ્યો હતો. આથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. એક જણે તેની પીઠ પાછળ અને છાતીમાં છરી હુલાવી હતી. આથી તેને ગંભીર ઈજા થઈ હતી એમ તેના ભાઈ સંતોષે જણાવ્યું હતું.

