હાલમાં એક ઇન્ટરવ્યુમાં આમિરે પોતાની કારકિર્દી, ફિલ્મો અને અંગત જીવન વિશે વાત કરી અને કહ્યું કે હું લગ્નોમાં નિષ્ફળ નીવડ્યો છું, પણ ડિવૉર્સ લેવામાં સફળ સાબિત થયો છું
આમિર ખાન
મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાતો આમિર ખાન ૨૦ જૂને રિલીઝ થનારી પોતાની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં આમિરે પોતાની કારકિર્દી, ફિલ્મો અને અંગત જીવન વિશે વાત કરી અને કહ્યું કે હું લગ્નોમાં નિષ્ફળ નીવડ્યો છું, પણ ડિવૉર્સ લેવામાં સફળ સાબિત થયો છું.
આ ઇન્ટરવ્યુમાં આમિરે કહ્યું કે ‘અમારા પરિવાર માટે પણ આ એક એવી બાબત છે જેનાથી અમે ખુશ નથી. અમે આનંદથી આ પરિસ્થિતિમાં ઍડ્જસ્ટ નથી કરી રહ્યા, પણ અમુક એવી સ્થિતિ સર્જાઈ જેમાં અમને લાગ્યું કે કદાચ અમારો સંબંધ બદલાઈ ગયો છે. હું એવું માનું છું કે કાં તો હું દુનિયાને ખોટું કહીને સુખી લગ્નજીવનનો ડોળ કરી શકું અથવા તો હકીકતમાં ખુશ રહી શકું. મને લાગે છે કે લગ્નોમાં હું સફળ થયો નથી, પરંતુ છૂટાછેડા લેવામાં સફળ થયો છું. મને એ વાતનો પસ્તાવો છે કે મેં મારા પરિવાર પર ધ્યાન નથી આપ્યું. મેં ત્રીસ વર્ષ સુધી એકદમ નશામાં કામ કર્યું છે. આજે લાગે છે કે મારે કામને વધારે પડતું મહત્ત્વ નહોતું આપવું જોઈતું.’
ADVERTISEMENT
આ વર્ષે માર્ચમાં પોતાના ૬૦મા જન્મદિવસ પર આમિર ખાને પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટને મીડિયા સામે રજૂ કરી હતી. ત્યારથી તે ગૌરી સાથે ઘણા કાર્યક્રમોમાં જઈ ચૂક્યો છે. આમિરે અગાઉ રીના દત્તા અને કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં, જેમનાથી તેને ત્રણ બાળકો છે; આઇરા ખાન, જુનૈદ ખાન અને આઝાદ રાવ ખાન.


