જયા બચ્ચનના સમર્થનમાં ઊતરતાં હેમા માલિનીએ કહ્યું...
હેમા માલિની
બૉલીવુડ ડ્રગ્સના દૂષણમાં ફસાયેલું છે એ વાતને લઈને ઇન્ડસ્ટ્રીનો પક્ષ માંડતાં હેમા માલિનીએ જણાવ્યું હતું કે બૉલીવુડ પર લાગેલો દાગ પણ નીકળી જશે. આ વિશે વધુ જણાવતાં હેમા માલિનીએ કહ્યું હતું કે ‘હું લોકોને જણાવવા માગું છું કે બૉલીવુડ એક સુંદર સ્થાન, એક રચનાત્મક વિશ્વ, એક કળા અને સંસ્કૃતિ દર્શાવતો ઉદ્યોગ છે. મને એ વાતનું દુઃખ છે કે લોકો આ ઇન્ડસ્ટ્રી વિશે ઘસાતું બોલે છે. ડ્રગ્સના આરોપો લગાવવામાં આવે છે. આવું તો ક્યાં નથી થતું? જોકે જો કોઈ દાગ લાગે તો એને ધોવાથી એ ચાલ્યો જાય છે. બૉલીવુડ પર લાગેલો દાગ પણ નીકળી જશે. ઇન્ડસ્ટ્રીમાં અનેક મહાન કલાકારો થયા છે. સિનેમાના સિતારાઓ મનુષ્યના શરીરમાં ભગવાનનો અવતાર છે. લોકોને આશ્ચર્ય થતું હતું કે તેઓ કલાકાર હતા કે ભગવાન. રાજ કપૂર, દેવ આનંદ, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન એનું ઉદાહરણ છે. જેમણે બૉલીવુડને ભારતની દરેક વસ્તુનું પર્યાય બનાવી દીધું હતું. બૉલીવુડ ભારત છે. અમારા ઉદ્યોગની કોઈ મશ્કરી કરશે તો હું એને સાંખી નહીં લઉં. જો કોઈનાં બાળકો ઇન્ડસ્ટ્રીમાં આવે છે તો એનો અર્થ એ નથી કે તેઓ સુપરસ્ટાર બની ગયાં છે. પ્રતિભા અને નસીબ પણ જરૂરી છે.’