NCP (શરદચંદ્ર પવાર)ના જયંત પાટીલને મુંબઈ મૂકીને આ ચૉપર શિવસેના (UBT)નાં સુષમા અંધારેને બારામતી લઈ જવા મહાડમાં લૅન્ડ થઈ રહ્યું હતું
જયંત પાટીલ, સુષમા અંધારે
મહારાષ્ટ્રના મહાડમાં ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે લૅન્ડિંગ કરતી વખતે એક હેલિકૉપ્ટર ક્રૅશ થયું હતું. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને મુંબઈ મૂકીને આ હેલિકૉપ્ટર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)નાં પ્રવક્તા સુષમા અંધારેને બારામતી લઈ જવા માટે મહાડ પહોંચ્યું હતું ત્યારે એ ક્રૅશ થઈ ગયું હતું. જયંત પાટીલ મુંબઈમાં ઊતરી ગયા બાદ અને સુષમા અંધારે બેસે એ પહેલાં હેલિકૉપ્ટર તૂટી પડતાં આ ઘટનામાં મહાવિકાસ આઘાડીના આ બન્ને નેતાના માથેથી ઘાત ગઈ હતી. આ બનાવમાં હેલિકૉપ્ટરના પાઇલટને ઈજા પહોંચી હતી, પણ તે બચી ગયો હતો. જોરદાર હવાને કારણે પાઇલટને લૅન્ડિંગ કરવામાં મુશ્કેલી થયા બાદ હેલિકૉપ્ટર નીચે આવ્યું હતું ત્યારે ધૂળની ડમરીને લીધે તૂટી પડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
સુષમા અંધારેની આંખ સામે હેલિકૉપ્ટર તૂટી પડ્યું હતું. આ ઘટના વિશે તેમણે કહ્યું હતું કે ‘મહાડથી હું અને મારો ભાઈ હેલિકૉપ્ટરમાં બારામતી જવા હેલિપૅડ પાસે પહોંચ્યાં હતાં. અમે હેલિકૉપ્ટરની રાહ જોઈને ઊભાં હતાં ત્યારે થોડે દૂર મોટો અવાજ આવવાની સાથે ધૂળની ડમરી ઊડવા લાગી હતી. અમને કંઈ સમજાયું નહોતું. આસપાસના લોકોએ અમને આગળ ન જવાનું કહ્યું હતું. હેલિકૉપ્ટર તૂટી પડ્યું હોવાનું જોયા બાદ સૌથી પહેલાં અમને પાઇલટ સુખરૂપ છે કે નહીં એની ચિંતા થઈ હતી. ધૂળની ડમરીઓ ઓછી થયા બાદ અમારાથી થોડા અંતરે જ હેલિકૉપ્ટર જમીન પર પડેલું નજરે પડ્યું હતું. બારામતીમાં મહિલા સંગઠનનો કાર્યક્રમ હતો એમાં સામેલ થવા માટે અમે જવાનાં હતાં.’