અંશુલાના બૉયફેન્ડ રોહને ન્યુ યૉર્કના સેન્ટ્રલ પાર્કમાં અંશુલાને પ્રપોઝ કર્યું અને પછી બર્ગર જૉઇન્ટ પર ભોજન કર્યું
અંશુલા કપૂરે તેના રાઇટર બૉયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે સગાઈ કરી લીધી છે.
નિર્માતા બોની કપૂર અને તેમની પહેલી પત્ની મોના શૌરીની દીકરી અંશુલા કપૂરે તેના રાઇટર બૉયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે સગાઈ કરી લીધી છે. તાજેતરમાં અંશુલાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ વાતની જાહેરાત કરી હતી. હવે પિતા બોની કપૂરે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
અંશુલાના બૉયફેન્ડ રોહને ન્યુ યૉર્કના સેન્ટ્રલ પાર્કમાં અંશુલાને પ્રપોઝ કર્યું અને પછી બર્ગર જૉઇન્ટ પર ભોજન કર્યું. આ પ્રપોઝલની તસવીરો શૅર કરતાં અંશુલાએ લખ્યું, ‘અમે એક ઍપ પર મળ્યાં હતાં. એક મંગળવારે રાતે ૧.૧૫ વાગ્યે વાત શરૂ કરી. અમે એ સવારે ૬ વાગ્યા સુધી વાત કરી અને કોઈક રીતે, ત્યારે પણ એવું લાગ્યું કે આ કંઈક મહત્ત્વની શરૂઆત છે. ત્રણ વર્ષ પછી મારા મનપસંદ શહેરમાં, સેન્ટ્રલ પાર્કના કિલ્લા સામે તેણે પ્રપોઝ કર્યું. બરાબર ભારતીય સમય મુજબ રાતે ૧.૧૫ વાગ્યે, અને કોઈક રીતે દુનિયા એટલી બધી થોભી ગઈ કે તે પળ જાદુઈ લાગી. હું ક્યારેય એવી છોકરી નથી રહી જે પરીકથાઓમાં માને, પરંતુ રોહને એ દિવસે મને જે આપ્યું એ એનાથી પણ સારું હતું, કારણ કે એ ઇરાદાપૂર્વકનું હતું, વિચારપૂર્વકનું અને વાસ્તવિક. મેં હા પાડી. હું મારા શ્રેષ્ઠ મિત્ર સાથે સગાઈ કરી રહી છું. મારી સુરક્ષિત જગ્યા, મારી વ્યક્તિ, મનપસંદ છોકરો, મનપસંદ શહેર અને હવે મારી મનપસંદ હા.’ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં બોનીએ લખ્યું, ‘ભગવાન તમને બન્નેને આશીર્વાદ આપે, તમે બન્ને પાછાં આવો, હું ઘરે સગાઈની ઉજવણી કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.’
ADVERTISEMENT
ખુશી અને જાહ્નવી માટે હું હંમેશાં હાજર રહીશ
અંશુલા કપૂરે તાજેતરમાં તેના બૉયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે સગાઈ કરી લીધી છે. આ ખાસ પ્રસંગે તેની સ્ટેપ-સિસ્ટર્સ ખુશી કપૂર અને જાહ્નવી કપૂરે પણ તેને અભિનંદન આપ્યાં છે. હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અંશુલાએ પોતાની સ્ટેપ-સિસ્ટર્સ સાથેના સંબંધોની વાત કરી છે. તેણે કહ્યું છે કે ‘તેઓ મારી બહેનો છે, હું હંમેશાં તેમના માટે હાજર રહીશ અને તેઓ આ જાણે છે. ભાઈ-બહેનના બૉન્ડની સુંદરતા એ છે કે તમારા જીવનમાં કોઈ પણ સમયે બિનશરતી સમર્થન આપનાર ભાગીદાર હશે. તમારે ફક્ત તમારો હાથ આગળ વધારવાનો છે અને તે વ્યક્તિ ત્યાં હશે અને તમારો હાથ પકડી લેશે અને આ બન્ને તરફથી થાય છે.’

