આ કારણ આગળ ધરીને અનીત પડ્ડાએ ઍરપોર્ટ પર ચહેરો દેખાય એ રીતે તસવીર ક્લિક કરાવવાની ના પાડી દીધી
ઍક્ટ્રેસ અનીત પડ્ડા
ફિલ્મ ‘સૈયારા’ બૉક્સ-ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે શનિવાર સુધી ભારતીય બૉક્સ-ઑફિસ પર ૨૨૦.૭૫ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી લીધી છે. આ સફળતાના માહોલમાં શનિવારે ફિલ્મની લીડ ઍક્ટ્રેસ અનીત પડ્ડા મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મની સફળતાને સેલિબ્રેટ કરવા માટે ફિલ્મની ટીમે સિંગાપોરની સેલિબ્રેશન ટ્રિપ પ્લાન કરી છે અને એ માટે જ અનીત સિંગાપોર જવા રવાના થઈ હતી.
ઍરપોર્ટ પર ફોટોગ્રાફર્સે જ્યારે અનીતને જોઈ ત્યારે તેણે વાદળી શર્ટ, બ્લૅક કૅપ અને ચહેરા પર માસ્ક પહેર્યાં હતાં. ફોટોગ્રાફર્સે જ્યારે તેને માસ્ક ઉતારવાનો કહ્યો ત્યારે તેણે થોડી ક્ષણો માટે માસ્ક ઉતાર્યો, પણ પાછો પહેરી લીધો. ફોટોગ્રાફર્સે જ્યારે તેને ફરી કૅપ અને માસ્ક ઉતારવાનો બહુ આગ્રહ કર્યો ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું કે ‘ના, મને બહુ શરમ આવે છે.’ આમ કહીને તેણે તસવીર ક્લિક કરાવવાની ના પાડી દીધી હતી.
ADVERTISEMENT
અનીત પડ્ડા જોવા મળશે OTT પર
પોતાની પહેલી જ ફિલ્મ ‘સૈયારા’થી રાતોરાત લોકપ્રિયતા મેળવનાર ઍક્ટ્રેસ અનીત પડ્ડા નજીકના ભવિષ્યમાં ‘ન્યાય’ નામની વેબ-સિરીઝમાં જોવા મળશે જે OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થશે. જોકે આ વેબ-સિરીઝ કયા પ્લૅટફૉર્મ પર જોવા મળશે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી થઈ. મળતી માહિતી પ્રમાણે ‘ન્યાય’ એક કોર્ટરૂમ-ડ્રામા છે જેનું શૂટિંગ તેણે ‘સૈયારા’ પહેલાં જ કરી લીધું હતું. રિપોર્ટ પ્રમાણે હાલમાં તો અનીતનો યશરાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મો માટે ખાસ કરાર છે છતાં તે યશરાજ ફિલ્મ્સના પ્રોજેક્ટ સિવાયના અન્ય પ્રોજેક્ટમાં પણ જોવા મળશે, કારણ કે એનું શૂટિંગ પહેલાં જ થઈ ગયું હતું. આ વેબ-સિરીઝમાં અનીત સાથે ફાતિમા સના શેખ પણ જોવા મળશે.


