Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > CJP Protest Horror: ત્યાં યુવાનોને લોહીલુહાણ જોઈને મારું દિલ તૂટી ગયું.. અમોલ પરાશર

CJP Protest Horror: ત્યાં યુવાનોને લોહીલુહાણ જોઈને મારું દિલ તૂટી ગયું.. અમોલ પરાશર

Published : 22 July, 2026 03:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Amol Parashar recalls CJP Protest Horror: અભિનેતા અમોલ પરાશરે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેમણે પણ `કોકરોચ જનતા પાર્ટી`ના `ચલો સંસદ` વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, છુપી રીતે અને માસ્ક પહેરીને; તેમણે ત્યાંના વાતાવરણ વિશે વિગતો શેર કરી

અભિનેતા અમોલ પરાશરની ફાઇલ તસવીર

અભિનેતા અમોલ પરાશરની ફાઇલ તસવીર


બૉલીવુડ અભિનેત્રી શબાના આઝમી (Shabana Azmi) અને એક્ટર પ્રકાશ રાજ (Prakash Raj) ૨૦ જુલાઈએ દિલ્હી (New Delhi)ના જંતર-મંતર (Jantar Mantar) ખાતે કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party)ના ‘ચલો સંસદ’ પ્રોટેસ્ટ (CJP Protest)માં સામેલ થયા હતા. બંનેના ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા. આ સિવાય ઘણા કલાકારોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું. આ બધા સિવાય વધુ એક અભિનેતા હતા, જેઓ જંતર-મંતર જઈને આ વિરોધ પ્રદર્શનનો ભાગ બન્યા હતા અને તે હતા અમોલ પરાશર (Amol Parashar). હવે અમોલે ત્યાંથી પાછા ફર્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો છે.

અમોલ પરાશરે શેર કરી ખાસ પોસ્ટ



અભિનેતા અમોલ પરાશરે પોતાના સોશિયલ મીડિયા (Social Media) હેન્ડલ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર કેટલાક ફોટા, વીડિયો અને એક નોટ શેર કરી (Amol Parashar recalls CJP Protest Horror) છે. જેમાં અમોલે લખ્યું, ‘હું ૨૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ જંતર-મંતર પર હતો. આ એક એવો દિવસ હતો જેને હું ક્યારેય ભૂલી નહીં શકું.’


ત્યારબાદ પરાશરે જણાવ્યું કે, તેમને ત્યાં જવાની જરૂર કેમ લાગી, પોલીસની કાર્યવાહી પહેલાં અને પછી તેમણે શું જોયું અને આ ઘટનાઓએ તેમને એ વિચારવા પર કેમ મજબૂર કર્યા કે દેશના યુવાનો સાથે કેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

પરાશરે આગળ લખ્યું, ‘છેલ્લા ૩-૪ દિવસથી મારા મનમાં એક બેચેની હતી જેને હું દૂર કરી શકતો નહોતો. એક મધ્યમ વર્ગીય ભારતીય પરિવારમાં ઉછરેલો હોવાને કારણે, હું શિક્ષણનું મહત્વ અને તેની કિંમત સારી રીતે સમજું છું. હું એ પણ જાણું છું કે યુવા પ્રતિભાને સપોર્ટ કરતી એક નિષ્પક્ષ અને કાર્યક્ષમ સિસ્ટમ દેશ અને સમાજના નિર્માણ માટે કેટલી જરૂરી છે.’


સામાન્ય નાગરિકની જેમ રહેવા માંગતા હતા અમોલ

અમોલે જણાવ્યું કે પ્રદર્શન પહેલાં વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવેલા પ્રેમ, આદર અને આશાથી ભરેલા મેસેજ વાંચીને તેમની આંખોમાં ઘણી વાર આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યું કે તેઓ ત્યાં કોઈ પણ જાહેરાત કર્યા વિના પહોંચ્યા હતા કારણ કે તેઓ માત્ર વિદ્યાર્થીઓ વચ્ચે એક સામાન્ય નાગરિકની જેમ રહેવા માંગતા હતા.

અમોલે લખ્યું, ‘હું બસ આ યુવાનો સાથે ઊભા રહેવા માંગતો હતો. હું નહોતો ઇચ્છતો કે લોકો મને ઓળખે, કોઈ સ્ટેજ મળે, કેમેરા હોય કે હું કોઈ ભાષણ આપું. હું નહોતો ઇચ્છતો કે વાત મારા વિશે થાય. હું બસ તેમને સાંભળવા માંગતો હતો.’

જોકે, માસ્ક, ચશ્મા અને ટોપી પહેરેલી હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓએ તેમને ઓળખી લીધા હતા, પરંતુ સદ્ભાગ્યે બધાએ તેમની પ્રાઈવસીનું સન્માન કર્યું હતું. અભિનેતાએ લખ્યું, ‘કેટલાક લોકોએ મને ઓળખી લીધો, પરંતુ તેમણે માત્ર મુસ્કુરાઈને હાથ મિલાવ્યો, ફિસ્ટ બમ્પ કર્યો અને આભાર માન્યો. તેમણે ખાનગી રહેવાની મારી ઈચ્છાનું પૂરેપૂરું સન્માન કર્યું.’

આના પર અમોલે રમૂજી અંદાજમાં લખ્યું, ‘તેમને આ સારા સંસ્કાર કોણે શીખવ્યા? કદાચ કોઈ વિદેશી પ્રભાવ હશે, કારણ કે અગાઉની પેઢીઓ તો આવી વાતો ઓછી જ જાણતી હતી.’

પોલીસ કાર્યવાહી પહેલાંના વાતાવરણને યાદ કરતા અભિનેતાએ કહ્યું કે ત્યાં ગુસ્સાની જગ્યાએ આશા દેખાઈ રહી હતી.

અમોલે લખ્યું, ‘મેં યુવાનોને સપના અને આશાઓથી ભરેલી આંખો સાથે જોયા. તેઓ મરક-મરક હસી રહ્યા હતા, ગીતો ગાઈ રહ્યા હતા, પ્રશ્નો પૂછી રહ્યા હતા અને ભીડમાં એકબીજાનો હાથ પકડીને ઊભા હતા.’

અમોલના જણાવ્યા મુજબ, સૌથી ખાસ વાત આંદોલનકારીઓનું વર્તન હતું. એક્ટરે લખ્યું, ‘દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાને લઈને કેવી છબી છે, તે હું જાણું છું. પરંતુ આટલી મોટી ભીડ હોવા છતાં એક પણ ગેરવર્તણૂક, અગવડતા કે અયોગ્ય સ્પર્શની ઘટના બની નથી.’

પોતાની પોસ્ટમાં તેમણે આગળ લખ્યું કે યુવાનો એકબીજાની જવાબદારી પોતે ઉપાડી રહ્યા હતા. અમોલે લખ્યું, ‘જે દેશમાં લોકો ઘણીવાર પોતાની પાછળ કચરો પણ સાફ નથી કરતા, ત્યાં આ યુવાનો બીજાની જવાબદારી પણ લઈ રહ્યા હતા. કોઈ ઘોંઘાટ કર્યા વિના, શ્રેય લીધા વિના, તેઓ ચૂપચાપ આ કામ કરી રહ્યા હતા. જો તમને થોડી પણ અસહજતા કે ગરમી લાગતી, તો કોઈ અજાણી વ્યક્તિ અચાનક આવીને તમને પંખો નાખવા લાગતી હતી.’

અમોલે આગળ લખ્યું, ‘મોટાભાગના વિદ્યાર્થીઓ અલગ-અલગ કોલેજો, કોર્સ અને અભ્યાસના ક્ષેત્રોમાંથી હતા. કેટલાક કદાચ NEET નું પૂરું નામ પણ ન બતાવી શકે. કેટલાક ખૂબ નાના હતા અને કેટલાક એટલા મોટા હતા કે NEET ની તેમના પર કોઈ સીધી અસર નહોતી. તો પછી તેમના ત્યાં આવવાનું કારણ શું હતું? કયો વિદેશી પ્રભાવ તેમને એવા લોકોની ચિંતા કરતા શીખવી રહ્યો હતો જેમને તેઓ વ્યક્તિગત રીતે ઓળખતા પણ નહોતા? કયો વિદેશી પ્રભાવ ઈચ્છે છે કે આપણા દેશમાં પરીક્ષાઓ નિષ્પક્ષ થાય અને આપણા ચૂંટાયેલા નેતાઓ જનતા પ્રત્યે જવાબદાર બને?’

શિક્ષણનો અર્થ માત્ર જ્ઞાન મેળવવું નથી

અભિનેતાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, ‘શિક્ષણનો અર્થ માત્ર જ્ઞાન અને કૌશલ્ય જ નહીં, પરંતુ વિવેચનાત્મક અને સ્વતંત્ર વિચારસરણી પણ છે. વ્યક્તિગત રીતે પણ મારે આ વસ્તુઓ જાતે જ શીખવી પડી, કારણ કે આપણા ઔપચારિક શિક્ષણમાં આ પાસાઓની કમી હતી. હવે આપણે રમત-રમતમાં જ્ઞાન અને કૌશલ્યને પણ હટાવી રહ્યા છીએ. તો તેઓ કયું પુસ્તક વાંચી રહ્યા છે જે તેમને આ બધું શીખવી રહ્યું છે? ચોક્કસ આ કોઈ વિદેશી પ્રોપેગંડા હશે.’

હું રડતા રડતા સૂઈ ગયો: અમોલ

અભિનેતાએ અંતમાં પોતાની વાત પૂરી કરતા લખ્યું, ‘ગઈકાલે રાત્રે હું રડતા રડતા સૂઈ ગયો. એ લોકો વિશે વિચારીને જેઓ તૂટેલા અંગો અને તૂટેલા મનોબળ સાથે ઘરે પહોંચ્યા હશે, આખરે તેમના ફોનમાં નેટવર્ક આવ્યું હશે અને તેમણે જોયું હશે કે તેમના જ દેશવાસીઓએ તેમને પાકિસ્તાની, પૈસા લઈને કામ કરનારા એજન્ટ, ચાઈનીઝ એજન્ટ અને વિદેશી તાકાતોના હાથો બનનારા કહ્યા છે. ગઈકાલે મને ખબર પડી કે આંખોમાં તીવ્ર બળતરા અને ગળામાં અશ્રુવાયુ (Tear Gas) ના ખરાબ સ્વાદ કરતાં પણ વધુ ખરાબ શું હોય છે. એ લાચારી જે ત્યારે અનુભવાય છે જ્યારે તમે તમારી આંખો સામે કશુંક ખરાબ થતું જુઓ છો અને તેને રોકવા માટે કંઈ કરી શકતા નથી.’

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK