ઍક્ટ્રેસને તૈયાર કરતી વખતે ફાઉન્ડેશનનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નહોતો
‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં મિકી કૉન્ટ્રૅક્ટરે આલિયા ભટ્ટનો મેક-અપ કર્યો હતો
મિકી કૉન્ટ્રૅક્ટરની ગણતરી બૉલીવુડના ટોચના મેકઅપ આર્ટિસ્ટ તરીકે થાય છે. તેણે ઘણી મોટી અભિનેત્રીઓ સાથે ફિલ્મો અને ઇવેન્ટ્સમાં કામ કર્યું છે. મિકીએ જ ‘નો-મેકઅપ લુક’નો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ નવા ટ્રેન્ડની શરૂઆત વિશે ખુલાસો કરતાં મિકીએ કહ્યું હતું કે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આલિયા ભટ્ટે નો-ફાઉન્ડેશન લુક અપનાવ્યો હતો. એના વિશે વાત કરતાં મિકી કૉન્ટ્રૅક્ટરે કહ્યું, ‘તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આલિયાએ જરા પણ ફાઉન્ડેશન લગાવ્યું નહોતું. જ્યારે મેં તેને આ સૂચન આપ્યું ત્યારે તે તરત જ તૈયાર થઈ ગઈ હતી. મારી વાત સાંભળીને ફિલ્મનો ડિરેક્ટર કરણ જોહર ગભરાઈ ગયો હતો કારણ કે તે એક ગ્લૅમરસ ફિલ્મ બનાવી રહ્યો હતો. કરણને શંકા હતી કે ફાઉન્ડેશન વગરનો લુક સ્ક્રીન પર એટલો સારો નહીં દેખાય. જોકે હું મારી વાતને વળગી રહ્યો હતો અને કહ્યું હતું કે પહેલાં એક લુક-ટેસ્ટ કરી લઈએ. જો એનું પરિણામ પસંદ નહીં આવે તો આપણે એને બદલી દઈશું. જોકે પછી પરિણામ બહુ જ સરસ મળ્યું હતું.’
