Alia Bhatt supports students protest: અભિનેત્રી આલિયા ભટ્ટે નીટપેપર લીક વિવાદ અને શિક્ષણ સુધારાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું; અભિનેત્રીની પોસ્ટે વિદ્યાર્થીઓના અવાજને મજબૂત બનાવ્યો
આલિયા ભટ્ટની ફાઇલ તસવીર
અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt)એ ગુરુવારે શિક્ષણ સુધારા અને કથિત નીટ (NEET) પેપર લીક અંગેની જવાબદેહીની માંગ સાથે જંતર-મંતર (Jantar Mantar) પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું હતું. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક પોસ્ટ શેર કરીને આલિયાએ વિદ્યાર્થીઓના અવાજને મજબૂત બનાવ્યો હતો અને સવાલ ઉઠાવ્યો હતો કે દેશના સારા ભવિષ્ય માટે લડી રહેલા લોકો પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે નહીં!
આલિયા ભટ્ટે વિદ્યાર્થીઓ માટે સમર્થન આપતું પોસ્ટ શેર કર્યું
ADVERTISEMENT
પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અભિનેત્રી આલિયા ભટ્ટે વિદ્યાર્થી આંદોલન (Alia Bhatt supports students protest) પાછળના સંઘર્ષો અને આકાંક્ષાઓને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે વિરોધમાં ઊભેલો દરેક વિદ્યાર્થી માત્ર પોતાનું જ નહીં પરંતુ પોતાના પરિવાર અને આવનારી પેઢીઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
આલિયાએ લખ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી મારું દિલ તૂટ્યું છે અને આશાની સાથે વારંવાર જોડાયું પણ છે. મક્કમતાથી ઊભા રહેલા દરેક વિદ્યાર્થી પાછળ એક સપનું, પરિવારની આશા અને અસંખ્ય બલિદાનોની યાત્રા રહેલી છે. તેમણે ઉમેર્યું હતું કે આ વિદ્યાર્થીઓ એ તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેણે તેમને સાથ આપ્યો છે, અને તેઓ આવનારી પેઢીઓ માટે એક ઉત્તમ માર્ગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
View this post on Instagram
તેમની હિંમત મને પ્રેરણા આપે છે : આલિયા ભટ્ટ
અભિનેત્રીએ જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવવામાં આવેલી હિંમત અને દ્રઢ સંકલ્પથી તેઓ પ્રભાવિત થયા છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેમની હિંમત મને પ્રેરણા આપે છે. તેમનો સંકલ્પ આપણા બધા માટે એક અરીસા સમાન છે, જે આપણને સવાલ પૂછે છે કે શું આપણે ખરેખર એ જ લોકોને સાંભળી રહ્યા છીએ જેઓ આવતીકાલે આ દેશનું ભવિષ્ય ઘડવાના છે. તેણે પોતાના સપોર્ટનો અંત "વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓ દ્વારા, ભવિષ્ય તેમનું છે, જય હિંદ" સાથે કર્યો હતો.
બોલીવુડ સેલેબ્સ વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપી રહ્યા છે
દિલ્હી (New Delhi)માં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ ચાલી રહેલા આ આંદોલનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સભ્યો તરફથી મળી રહેલા સતત સમર્થન વચ્ચે આલિયા ભટ્ટનું આ નિવેદન આવ્યું છે.
આ અગાઉ, અભિનેતા સલમાન ખાન (Salman Khan)એ વિદ્યાર્થીઓને સમર્થન આપતી એક પોસ્ટ શેર કરી હતી અને કથિત નીટ પેપર લીકને "ખૂબ જ ગંભીર વિષય" ગણાવ્યો હતો. તેણે વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા સામે ચિંતા વ્યક્ત કરી હતી અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah), રત્ના પાઠક શાહ (Ratna Pathak Shah), અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari), હુમા કુરેશી (Huma Qureshi), શબાના આઝમી (Shabana Azmi), પ્રકાશ રાજ (Prakash Raj), ચિનમયી શ્રીપદા (Chinmayi Sripada), આર. માધવન (R. Madhavan), રાજકુમાર રાવ (Rajkumar Rao) અને અનુપમ ખેર (Anupam Kher) સહિતના અનેક કલાકારોએ પણ આ મુદ્દે પોતાના વિચારો રજૂ કરીને વિદ્યાર્થીઓની ચિંતાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે.
નીટ પેપર લીક મુદ્દે CJP આંદોલન વધુ તેજ બન્યું
કથિત નીટ-યુજી ૨૦૨૬ (NEET-UG 2026) પેપર લીક બાદ શરૂ થયેલું CJP ના નેતૃત્વ હેઠળનું આંદોલન હવે પરીક્ષાની ગેરરીતિઓ સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનમાં ફેરવાઈ ગયું છે.
વિદ્યાર્થીઓ નીચે મુજબની માંગણીઓ કરી રહ્યા છે:
પરીક્ષા પદ્ધતિમાં વધુ પારદર્શિતા લવાય, પેપર લીક રોકવા માટે વધુ મજબૂત સુરક્ષાના પગલાં લેવાય, જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય, અસરગ્રસ્ત ઉમેદવારોને વળતર આપવામાં આવે, શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સુધારા કરવામાં આવે અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે.
દિલ્હીમાં `ચલો સંસદ` માર્ચ દરમિયાન વિરોધ પ્રદર્શન જોવા મળ્યા
૨૦ જુલાઈના રોજ દિલ્હીમાં `ચલો સંસદ` માર્ચ દરમિયાન આ આંદોલન ચરમસીમાએ પહોંચ્યું હતું, જ્યારે પોલીસે સંસદ તરફ જતી રેલીને રોક્યા બાદ જંતર-મંતર પર હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને ઘર્ષણ સર્જાયું હતું. ત્યારથી આ વિરોધ પ્રદર્શને રાજકીય નેતાઓ, વિદ્યાર્થીઓ અને મનોરંજન જગતના લોકોનું ધ્યાન ખેંચ્યું છે, અને સુધારા તથા જવાબદેહીની માંગ સતત વધી રહી છે.
