અક્ષયકુમારે વકીલ અને રાષ્ટ્રવાદી સર ચેત્તુર શંકરન નાયરને સન્માન આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ ‘કેસરી ચૅપ્ટર 2’માં સર ચેત્તુર શંકરન નાયરનો રોલ ભજવી રહ્યો છે.
અક્ષયકુમારનું ટ્વિટ
અક્ષયકુમારે વકીલ અને રાષ્ટ્રવાદી સર ચેત્તુર શંકરન નાયરને સન્માન આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ ‘કેસરી ચૅપ્ટર 2’માં સર ચેત્તુર શંકરન નાયરનો રોલ ભજવી રહ્યો છે. હાલમાં અક્ષયે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં વડા પ્રધાનનો એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેમણે પોતાના હરિયાણાના ભાષણ દરમ્યાન સર ચેત્તુર શંકરન નાયરને યાદ કર્યા હતા. તેમણે અમ્રિતસરના જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી અંગ્રેજો વિરુદ્ધ બહાદુરીપૂર્વક લડવા બદલ કેરલામાં જન્મેલા વકીલ ચેત્તુર શંકરન નાયરનાં વખાણ કર્યાં હતાં.
અક્ષયે ટ્વીટ કર્યું છે કે ‘મહાન સર ચેત્તુર શંકરન નાયરજીને અને સ્વતંત્ર્યસંગ્રામમાં તેમના પ્રદાનને યાદ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર. આપણા દેશના યુવાનો આપણને સ્વતંત્રતા મળે એ માટે પ્રયાસ કરનાર મહાન મહિલાઓ અને પુરુષોના મહત્ત્વના પ્રદાનને સમજે એ બહુ જરૂરી છે. અમારી ફિલ્મ ‘કેસરી ચૅપ્ટર 2’ વિનમ્રતાપૂર્વક સમજાવે છે કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ.’

