પથ્થરમારાની આ ઘટનામાં ટ્રેનના C-1, C-3, C-4 અને C-7 કોચને નુકસાન પહોંચ્યું હતું
વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનાર આરોપી સાથે RPF
મુંબઈથી સાંઈનગર શિર્ડી જતી વંદે ભારત એક્સપ્રેસ પર ગઈ કાલે સવારે કલ્યાણ નજીક પથ્થરમારો કરનારા ૨૩ વર્ષના કાકા શાહુ કાંબળેની રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ધરપકડ કરી હતી. વંદે ભારત એક્સપ્રેસ ઠાકુર્લી અને કલ્યાણ સ્ટેશન વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે અજાણી વ્યક્તિએ ટ્રેનના કાચ પર પથ્થરમારો કરતાં ડબ્બાઓના કાચ તૂટી ગયા હતા અને મુસાફરોમાં થોડી વાર માટે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ RPF અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)-કલ્યાણની સંયુક્ત ટીમ તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચી હતી અને કલ્યાણના પત્રીપુલ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી હતી. તે પુણેનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
કલ્યાણના RPFના સિનિયર ઇન્સ્પેક્ટર રણજિત સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પથ્થરમારાની આ ઘટનામાં ટ્રેનના C-1, C-3, C-4 અને C-7 કોચને નુકસાન પહોંચ્યું હતું. બારીઓના કાચ તૂટી જવાથી રેલવેની સંપત્તિને અંદાજે ૨૦,૬૫૦ રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજમાં સામે આવ્યું છે. મુસાફરોના જણાવ્યા અનુસાર આરોપીએ વંદે ભારત એક્સપ્રેસ સિવાય અન્ય એક્સપ્રેસ ટ્રેનો અને AC લોકલ પર પણ પથ્થરમારો કર્યો છે. જોકે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી. પૂછપરછમાં આરોપીએ નશાની હાલતમાં ટ્રેન પર પથ્થર ફેંક્યા હોવાની કબૂલાત કરી છે.’
