Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક લગન, એક અગન : તેરે મેરે બીચ મેં... (પ્રકરણ ૨)

એક લગન, એક અગન : તેરે મેરે બીચ મેં... (પ્રકરણ ૨)

07 May, 2024 05:26 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

રસિકા ઊલટી ફરી અને જોતી જ રહી ગઈ, કોઈ જુવાન આટલો સોહામણો હોઈ શકે?

ઇલસ્ટ્રેશન

વાર્તા સપ્તાહ

ઇલસ્ટ્રેશન


વન્ડરફુલ હૉલિડે!

સિક્કિમથી વળતી ફ્લાઇટમાં રસિકા ખુશમિજાજ હતી. માઇક્રો-વેકેશન જેવા ત્રણેક દિવસનાં આવાં આઉટિંગ્સ સ્ટ્રેસ કિલિંગ પિલ્સ જેવાં નીવડતાં.



‘યુ ડિઝર્વ ધ બેસ્ટ.’ માના શબ્દો પડઘાતા રસિકા સાંભરી રહી.


મલાડના નરહરિભાઈ ઠીક-ઠીક સંપન્ન હતા, પણ પત્નીને એથી ધરવ નહોતો. નંદિનીબહેને એકની એક દીકરીમાં મહત્ત્વાકાંક્ષાનાં બીજ રોપેલાં, ‘તારા પિતા સાઉથ મુંબઈના પેડર રોડ કે વાલકેશ્વર શિફ્ટ થવા જેવું કમાતા હોત તો આપણો રુત્બો જ જુદો હોત! પરાની તે કંઈ લાઇફ છે!’

પરિણામે મા-દીકરીની સૃષ્ટિ પિતાથી અળગી જ રહી. કદાચ એટલે પણ હાંસિયામાં જીવેલા પિતાના અકાળ અવસાનને વરસી વાળતાં સુધીમાં વિસારી મા-દીકરી પૂરતાં સ્વસ્થ થઈ ચૂકેલાં. નરહરિભાઈના ટર્મ ઇન્શ્યૉરન્સ ઉપરાંત પ્રોવિડન્ટ ફંડનો અધધધ લાગે એવો પૈસો બૅન્કમાં આવ્યો હતો. વીસની થયેલી રસિકાએ બહુ ચોકસાઈપૂર્વક મૂડીનું રોકાણ કર્યું. કૉમર્સ ભણતી દીકરીની હોશિયારીમાં તો માને શક જ ક્યાં હતો? અંગે પુરબહાર યૌવન હતું, કૉલેજના પ્રૌઢ વયના પ્રોફેસર્સ પણ તેની આગળ પાંપણનો પલકારો મારવાનું ભૂલી જતા એ જોઈ રસિકાને રમૂજ પણ થતી ને એથી વિશેષ અહમ્ સંતોષાતો : મુજ સમ ન કોઈ!


રસિકાનો ફ્યુચર પ્લાન પણ સ્પષ્ટ હતો : પોતાને બહુ ભાવતા આઇસક્રીમનો જ બિઝનેસ કર્યો હોય તો!

કૉલેજમાં બીજા જ્યારે મૂવી-મૉલના પ્રોગ્રામ બનાવતા ત્યારે રસિકા આઇસક્રીમ-મેકિંગ શીખી, છેલ્લા વરસની છેલ્લી પરીક્ષાના બીજા જ દિવસથી એ નજીકના આઇસક્રીમ-પાર્લરમાં કાઉન્ટર ગર્લની મામૂલી નોકરીમાં જોતરાઈ. આઇસક્રીમની સપ્લાય ચેઇનથી માંડી આઉટલેટ ખોલવા સુધીના હિસાબોથી વાકેફ થઈ રસિકા પોતાની પ્રોડક્ટ લૉન્ચ કરે છે, એના ચોથા વરસે ચોથું આઉટલેટ મલાડમાં ખોલી, મા-દીકરી મલબાર હિલના બંગલે શિફ્ટ થયાં. એના વરસેકમાં મા પાછી થઈ, પણ શો મસ્ટ ગો ઑનની જેમ પછીનાં આ આઠ વરસોમાં મુંબઈ શહેરમાં ચૌદ જેટલાં આઉટલેટ્સ ખોલ્યાં છે! સેલિબ્રિટીઝના ગૅધરિંગમાં ‘રસિકા’ પાર્લરનાં ડિઝર્ટ મસ્ટ ગણાય છે, એ સફળતા જેવીતેવી છે?

ઍન્ડ સક્સેસ શુડ નેવર હૅવ અ ફુલસ્ટૉપ... રસિકાએ ગરદન ટટ્ટાર કરી :

એક પછી બીજી સફળતાનો રંગ એના વ્યક્તિત્વ પર પણ ચઢતો ગયેલો. નિર્ણય લેવામાં ને એને નિભાવવામાં ઝડપી ને જક્કીયે ખરી. ઘર, ફૅક્ટરી અને આઉટલેટનો સ્ટાફ તેનાથી થરથરતો. રસિકાનો ઍટિટ્યુડ એના રૂપને ધાર આપતો. કોઈ પુરુષ તેને જચતો નહીં. હા, તનની જરૂરત એસ્કોર્ટ તેડાવી પૂરી કરી લેતી ખરી. બિઝનેસમાં હજુ તો ઘણે ઊંચે ઊડવાનું છે. આમાં લગ્ન અને બાળકોનું કોઈ સ્થાન નહીં હોય એવું તે માનવા માંડી હતી.

અનટિલ આઇ મેટ હિમ.

અદ્વિતીય મહેતા!

માંડ આઠ-દસ મહિના અગાઉની વાત. આમ તો ડે-ટુ-ડે બિઝનેસમાં રસિકાએ બહુ ઊંડા ઊતરવાનું રહેતું નહીં, પણ આ મામલે એના મૅનેજર જયસ્વાલે જ રિક્વેસ્ટ કરી : ‘મૅમ, નવી લોન બાબત બૅન્ક ઑફિસર બહુ ઝીણું કાંતે છે. આપણી પ્રપોઝલમાં અમુક એવી ક્વેરી કાઢી છે કે મૅનેજરસાહેબનાય હાથ બંધાઈ ગયા છે. તમારે જ મામલો સંભાળવો પડશે.’

ખરેખર તો રસિકાએ હવે મુંબઈની બાઉન્ડરીની બહાર ગુજરાતમાં પગપેસારો કરવો હતો. એકસાથે છ મહાનગરોમાં આઉટલેટ્સ ખોલવાની મહત્ત્વાકાંક્ષી યોજના માટે મૂડીયે મોટી જોઈએ. એ માટે લોનની પ્રપોઝલમાં પોતે નફાના અંદાજમાં થોડું આમતેમ કર્યું હતું, એ બૅન્કના સ્ક્રૂટિની-ઑફિસરે પકડી પાડ્યું એટલા પૂરતો તે સ્માર્ટ, પણ એથી મારી પ્રપોઝલને હોલ્ડમાં મૂકવાની તેની હિંમત!

બીજા જ વર્કિંગ ડેએ રસિકા ધમધમ કરતી બૅન્ક પહોંચી. આધેડ વયનો મૅનેજર તેને ભાળી અડધો-અડધો થઈ ગયો. પ્યુનને અદ્વિતીયને તેડાવવાની સૂચના આપી રસિકા સમક્ષ મલાવો કરી લીધો : ‘શું કરીએ મૅડમ, આ નવા આવેલા આંકડામાં અટવાયા કરે, પ્રૅક્ટિકલ બનતા તો તેમને આવડતું જ નથી.’

મૅનેજરની શરણાગતિથી રસિકાનો અહમ્ સંતોષાયો અને એ જ વખતે તે મૅનેજરની કૅબિનના દરવાજે ડોકાયો : ‘મે આઇ કમ ઇન સર?’

રસિકા ઊલટી ફરી અને જોતી જ રહી ગઈ. સત્તાવીસ-અઠ્ઠાવીસના દેખાતા જુવાનમાં ચુંબકીય આકર્ષણ છે. કોઈ જુવાન આટલો સોહામણો હોઈ શકે?

જાણે શું થયું કે રસિકાનો અપ્રોચ જ બદલાઈ ગયો, ‘મિસ્ટર અદ્વિતીય, આઇ મસ્ટ અપ્રિશિએટ યૉર ટૅલન્ટ. ક્યાંય બેસીને આપણે મૅટર સૉર્ટઆઉટ કરી લઈએ?’

બે કલાકની એ બેઠકમાં રસિકા સાથે પહેલી વાર એવું થયું કે પુરુષ એના તરફ ખેંચાવાને બદલે તે પુરુષ તરફ ખેંચાઈ હોય! અદ્વિતીયે સૂચવેલા સુધારા તેણે સ્વીકારી લીધા. પ્રપોઝલના રિસબમિશનથી માંડી લોન મંજૂર થયા સુધીના દરેક તબક્કે તે ખુદ આવી અદ્વિતીયને મળતી, તેને ઇમ્પ્રેસ કરવાની એક તક ન ચૂકતી.

‘તમને કેવળ બૅન્કનું જ કામ આવડે છે? કામના કામમાં તમે કેવા એક્સપર્ટ છો એવું જાણવું હોય તો...’ તોફાની ભાવે પૂછી અદ્વિતીયને બઘવાતો જોવાની મોજ માણતી. એક વાર તો આઇસક્રીમનો ડબ્બો લઈ તેના ઘરે પહોંચી ગયેલી, ‘હોપ, તમે આને લાંચ તો નહીં જ ગણો!’ અદ્વિતીયનું બૅકગ્રાઉન્ડ રસિકાથી છૂપું નહોતું. અચાનક ઘરે જઈ તેણે તેના ચારિયની પણ ખાતરી મેળવી. અદ્વિતીયમાં દંભ નથી. સંસારમાં એકલો છે, પણ કોઈ બૂરી આદત નહીં.

‘આર યુ સ્ટિલ વર્જિન?’ એનાથી પૂછી પડાયેલું. બિચારો એવો તો સંકોચાયેલો!

સાંભરીને અત્યારેય મલકી

પડી રસિકા.

વાય! શા માટે મારે તેને આટલો ભાવ આપવો જોઈએ! ઇન્સ્ટેડ હી શુડ બી ઑન હિઝ ટોઝ ફૉર મી! આ ગણતરી ત્યારેય થતી. પ્યાર-મહોબત તેના માટે ફિલ્મી શબ્દો હતા, પણ પરણીને સેટલ થવું હોય તો જુવાન ખોટો નથી. ઉંમરમાં મારાથી નાનો છે, પણ હું મોટી છું એટલે હિસાબ બરાબરનો થઈ ગયો ગણાય.

પણ હવે ચોત્રીસ-પાંત્રીસની ઉંમરે મારે પરણવું કેમ છે?

અંદરથી ચીંટિયો જેવો ભરાતો ને રસિકાનું મોહિત થયેલું મન જવાબ ખોળી કાઢતું : ભલે મને કોઈ આધારની જરૂર નથી, પણ શરીરને તો એની ભૂખ રહેવાની. જુદા-જુદા એસ્કોર્ટને માણવામાં એચઆઇવીનું જોખમ રહેલું છે, એને બદલે અદ્વિતીય જેવા કોઈ એકની થઈને રહું તો શય્યાસુખમાં એ શહેનશાહ જેવો જ નીવડવાનો!

અને છતાં મારી પ્રાયોરિટી તો મારો બિઝનેસ જ રહ્યો - માય અલ્ટિમેટ લવ! વીત્યા થોડા મહિનાઓમાં ગુજરાતના પ્રોજેક્ટમાં વ્યસ્ત રહી. આવતા મહિને પ્લાન કરેલા ઇનૉગરેશન પહેલાં સિક્કિમનો બ્રેક લીધો એમાં સૂઝી પણ આવ્યું કે ગુજરાતના આઉટલેટ્સનું ઓપનિંગ બૉલીવુડ સેલિબ્રિટીને બદલે અદ્વિતીય પાસે કરાવી તેને ઑબ્લાઇજ કર્યો હોય તો એ જ પાર્ટીમાં અમારી એન્ગેજમેન્ટની જાહેરાતને એ ટાળી નહીં શકે! આફ્ટરઑલ, હુ કૅન સે નો ટુ મી! આ તો અદ્વિતીયનું ગુડ લક કહેવાય કે હું તેનો હાથ પકડવાની!

અત્યારે પણ રસિકાએ મનોમન પોતાના નિર્ણય પર મહોર મારી.

ઇન્વાઇટનું સૅમ્પલ-કાર્ડ બનાવડાવી અદ્વિતીયને મળવા માગતી રસિકાએ થોભવું પડે એવા ખબર કાર્ડ બન્યાના બીજા દિવસે જયસ્વાલે જ આપ્યા : ‘અદ્વિતીય અઠવાડિયાની રજા પર છે, આજે જ તેના મોસાળ જવા નીકળ્યો છે.’

મૅડમને બૅન્ક-ઑફિસરમાં આટલો શું રસ પડ્યો એ જયસ્વાલની સમજ બહાર હતું. વાઘણ જેવી બાઈને પુછાય પણ કેમ?

રસિકા જોકે નિરાશ ન થઈ: અદ્વિતીય ક્યાં

ભાગી જવાનો છે! મારે બે-ચાર દહાડામાં ગુજરાતનો આંટો છે, ત્યારે મળી લઈશ.

રસિકાએ નક્કી કર્યું, પણ એમાં કુદરતની શું મરજી છે એની ક્યાં ખબર હતી?

મામાનું ઘર!

શનિની સાંજે વરસો પછી આંગણામાં પગ મૂકતો અદ્વિતીય ભાવભીનો બન્યો, ત્યાં બાર-તેર વરસનો છોકરો ચાવી આપી ગયો : ‘આ લો ચાવી.’

અદ્વિતીય તેને કંઈ પૂછે એ પહેલાં તો ખુલ્લા ઝાંપામાંથી સરકીયે ગયો! જરૂર સાવિત્રીમાસીએ જ મોકલી હશે. તેણે ડોક લંબાવી ચોથા ઘર તરફ નજર ફેંકી, પણ ઓસરીમાં કે મેડીની બારીએ કોઈ દેખાયું નહીં. રેવા તો અહીં ક્યાંથી હોય?

હળવા નિ:શ્વાસભેર પગરખાં કાઢી તેણે તાળું ખોલ્યું. દરવાજો ઉઘાડી ઘરમાં પ્રવેશ્યો. બત્તી કરી.

છતમાં લટકતા બલ્બનો પીળો પ્રકાશ રસોડા સુધી ફેલાઈ ગયો. કમાલ છે. બધું કેટલું સુઘડ-સ્વચ્છ છે. બેઠકનો આ હીંચકો, દીવાલે લટકતી મામા-મામી, પપ્પા-મમ્મીની તસવીરો...

ત્યાં દરવાજે ખખડાટ થયો.

‘અચાનક આવી ચડ્યા!’

કાંસાના રણકાર જેવા અવાજે અદ્વિતીય આંચકાભેર ઊલટો ફર્યો. એવો જ સમય જાણે થીજી ગયો.

સામે રેવા ઊભી હતી!

‘અચાનક કેમ આવવું થયું?’ રેવાએ ફરી પૂછ્યું.

‘રે...વા, રેવા તું છે!’ સહેજ

દોડીને તેણે રેવાના હાથ પકડી લીધા. ચાર નેત્રો એક થયાં. ભાવસાગરનાં મોજાં ઊછળ્યાં.

‘મેં ધાર્યું નો’તું રેવા કે તું મને ગામમાં મળશે!’ અદ્વિતીયને શબ્દો સ્ફુર્યા, ‘બાકી કહેવું પડે, સાવિત્રીમાસી-મદનમાસાએ ઘર એકદમ ચોખ્ખુંચણક રાખ્યુ છે.’

રેવાએ ડૂસકું ખાળી રણકો બદલ્યો,

‘રિક્ષામાંથી તને ઊતરતા જોયો એટલે ભુવન સાથે ચાવી મોકલી. સીધી રસોડે ચા મૂકવા ગઈ. યાદ છેને, અહીં મામી તને પરાણે દૂધ પિવડાવતાં એટલે તું છટકીને મારા ઘરે ચા પીવા

આવી જતો?’

‘અફકોર્સ!’ રેવાના હાથમાંથી થર્મસની ટ્રે લઈ અદ્વિતીય તેને હીંચકે દોરી ગયો, ‘પહેલાં તું બેસ. તારી સાથે તો ઘણી યાદો વાગોળવી છે.’

અને -

દરવાજાના ખુલ્લા અડધિયામાંથી જોરાવર કૂતરો ધસી આવી અદ્વિતીયને ભઉ-ભઉ કરતો તાકી રહ્યો. રેવા એને શાંત પાડવા મથી : ‘નો શેરુ, આ અદ્વિતીય છે.’

થોડી વારે અદ્વિતીયને સૂંઘી,

ચાટી, શાંત થઈ રેવાના પગ આગળ બેસી ગયો.

‘રેવા, તને વળી પેટ પાળવાનો શોખ ક્યાંથી થયો?’

‘શોખ નથી, અદ્વિતીય...’ શેરુને પંપાળતી રેવાએ ખુલાસો કર્યો. ‘ગયા મહિનાની જ વાત છે. જાણે ક્યાંકથી શેરુ આપણી શેરીમાં આવી ગયો. એના પગે ઘા થયો હતો. મેં વેટરનરી ડૉક્ટરને તેડાવી એની સારવાર કરાવી, એમાં તો એ મારો હેવાયો થઈ ગયો. જનાબ અમારા ઘરમાં જ પડ્યાપાથર્યા રહે છે, મારો એકમાત્ર સાથી!’

અદ્વિતીય ઝીણવટથી રેવાને નિહાળી રહ્યો હતો. તેના હાથ અડવા છે, ગળામાં મંગળસૂત્ર નથી, જોકે તેની સાડી રંગીન છે. તો શું રેવા હજુ પરણી જ નથી કે પછી... વળી મહિનાથી તો એ અહીં જ છે!

‘બાપ રે! આઠ વાગી ગયા.’ મોબાઇલમાં નજર નાખતી રેવા ઊભી થઈ. ‘વાતો પછી, હજુ રસોઈ બાકી છે. તું પણ ફ્રેશ થઈ જા.’

રેવાએ આખું ઘર રેડી ટુ યુઝ રાખ્યું છે. એને તે પોતાનું સમજતી હશે તો જને! રેવા નહીં પરણી હોય તો તો તેને પ્રપોઝ કરવામાં આજની કાલ નથી કરવી. ઉમંગ છલકાયો.

‘જમવાનું અહીં ન લાવતી રેવા! હું ફટાફટ ફ્રેશ થઈને તારા ઘરે જ આવ્યો. માસા-માસીને પણ મળુંને.’

અને શેરુ સાથે દરવાજે પહોંચેલી રેવા અટકી, અદ્વિતીય સાથે નજર મેળવી, ‘તમે ઘરે જરૂર આવો અદ્વિતીય, પણ માસી-માસા નહીં મળે.’ તેના સ્વરમાં કરુણાનો લસરકો ભળ્યો. ‘તેમના સ્વર્ગવાસને પાંચ

વરસ થવાનાં.’

‘ઓ...હ,’ અદ્વિતીયે ધક્કો અનુભવ્યો. ‘ત્યારથી તું સાવ એકલી...’

રેવાએ નકારમાં ડોક ધુણાવી. ‘નહીં. મા-પિતાની વિદાય બાદ મારી સાથે જે થયું એ કથા લાંબી છે, ફરી ક્યારેક ફુરસદે કહીશ. તમે વરસો પછી આવ્યા છો, આજે કેવળ આનંદની વાતો કરીએ.’

કહી તે શેરુ સાથે બહાર નીકળી. તેને જતી જોતાં અદ્વિતીયના ચિત્તમાં પડઘો ઊઠ્યો : આજે આનંદની વાતો કરીએ એનો બીજો અર્થ એ કે રેવાની વીતકમાં દુ:ખદર્દ જ વધુ હોવાનાં!

એવું તે શું વીત્યું હશે રેવા પર?

 

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 05:26 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK