ત્રણે રાજ્યો કુલ ૧૩૦ સંસદસભ્યોને લોકસભામાં મોકલશે અને આ સંસદસભ્યોમાં BJPના કેટલા હશે અને INDIA ગઠબંધનના કેટલા હશે એના પરથી કેન્દ્રમાં કોની સત્તા આવશે એ નક્કી થશે. BJPએ આ વખતે ‘૪૦૦ પાર’નો નારો આપ્યો છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકન રાજનીતિમાં સાત રાજ્યો એવાં છે જેમને ‘સ્વિંગ સ્ટેટ્સ’ કહેવાય છે. સ્વિંગ સ્ટેટ એટલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વાડ પર બેઠેલાં રાજ્યો, જેઓ મતદાન વખતે જ નક્કી કરે કે વાડની આ બાજુ (ડેમોક્રૅટ્સ તરફ) ઠેકડો મારવો કે વાડની પેલી બાજુ (રિપબ્લિકન્સ તરફ) કૂદવું. બીજાં તમામ રાજ્યોએ અગાઉથી જ એમનું મન બનાવી લીધું હોય છે. આપણી ભાષામાં એને ડેમોક્રૅટ્સ કે રિપબ્લિકન્સના ગઢ કહેવાય. બન્ને પાર્ટીને ખબર જ હોય છે કે કયાં રાજ્યો એમને વફાદાર રહેશે. એમનો અસલી મદાર સાત સ્વિંગ રાજ્યો પર હોય છે. એ સાત રાજ્યોમાં નેવાડા, ઍરિઝૉના, વિસ્કૉન્સિન, મિશિગન, પેન્સિલ્વેનિયા, નૉર્થ કૅરોલિના અને જ્યૉર્જિયાનો સમાવેશ થાય છે. આ વર્ષે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રૅટ જો બાઇડન વાઇટ હાઉસમાં ચાલુ રહેશે કે પછી રિપબ્લિકન ડોનલ્ડ ટ્રમ્પ વાપસી કરશે એનો નિર્ણય આ સાત રાજ્યોના સ્વિંગ મતો પર નિર્ભર કરે છે.



