બુદ્ધને સમજવા સ્વયં બુદ્ધ બનવું પડે. અન્યથા સર્વે સુખોમાં રાચતા સિદ્ધાર્થે સંસારની સાવ સહજ ઘટનાઓ જ જોઈ હતી અને એથી વ્યથિત થઈને કોઈ રાજમહેલની વિલાસિતા છોડીને વૈરાગ્ય-વાસિત થાય?
સારનાથના વટ થાઈ મંદિરમાં આવેલી ૮૦ ફુટ ઊંચી બુદ્ધની મૂર્તિ
આજથી અઢી હજાર વર્ષ પહેલાં હાલના ભારતનાં ઉત્તરપૂર્વીય રાજ્યો અને નેપાલનો કેટલોક પ્રદેશ સાકેત નામનો દેશ કહેવાતો અને કપિલવસ્તુ એનું પાટનગર. શુદ્ધોદન રાજા અને મહામાયા રાણી સુપેરે પોતાનું રાજ્ય ચલાવી રહ્યાં હતાં. રાજ્યની તિજોરી ભરેલી હતી. ધરતી ધાન્ય-જળ અને ખનિજોથી સમૃદ્ધ હતી. પ્રજાજનો ખુશ અને સુખી હતા. એવામાં એક રાતે સાલસ સ્વભાવનાં મહારાણીએ સપનું જોયું. તેમણે જોયું કે પોતે કમળથી ભરેલા શુદ્ધ સરોવરના જળમાં સ્નાન કરી રહ્યાં છે અને સામેથી એક સફેદ હાથી આવ્યો, ગજરાજે રાણીને નમસ્કાર કર્યા અને ત્યાર બાદ એ શુભ્ર હાથી તેમના ગર્ભમાં સમાઈ ગયો.



