હાલમાં સોશ્યલ મીડિયાને કારણે નાનકડી લવલીના મસમોટા સંઘર્ષની વાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સુધી પહોંચી ગઈ હતી
લવલી
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના અંતરિયાળ ગામની એક ગરીબ બાળકીના જીવનમાં સુખદ પરિવર્તન આવ્યું છે. લવલી નામની ૧૦ વર્ષની આ બાળકીની માતાનું થોડા સમય પહેલાં અવસાન થયું હતું. તેના પિતાએ બીજી મહિલા સાથે લગ્ન કરીને દીકરીને તરછોડી દીધી હતી. એ પછી લવલી પોતાના દાદા પાસે રહે છે. એક પગે ખોડ હોવાને કારણે આ બાળકીને ચાલવામાં મુશ્કેલી પડે છે. શારીરિક તકલીફો વચ્ચે તેણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આટઆટલી મુશ્કેલીઓ વચ્ચે પણ તેણે પોતાનું ભણતર ચાલુ રાખ્યું છે. હાલમાં સોશ્યલ મીડિયાને કારણે નાનકડી લવલીના મસમોટા સંઘર્ષની વાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સુધી પહોંચી ગઈ હતી. એ પછી તેમણે લવલીની સારી રીતે સારવાર તથા તેના અભ્યાસ સહિતની જરૂરિયાતો પૂરી કરવા માટે અદાણી ફાઉન્ડેશનને સૂચના આપી હતી. ગૌતમ અદાણીએ સોશ્યલ મીડિયા પર હૃદયસ્પર્શી પોસ્ટમાં લખ્યું હતું કે ‘એક દીકરી આ રીતે બાળપણ ગુમાવે એ દુખદ છે. નાનકડી વયે લવલીનો સંઘર્ષ જણાવે છે કે સરેરાશ ભારતીય ક્યારેય હાર ન માને. અમે સૌ લવલી સાથે છીએ.’

