Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રોકડું અને સાઇડ શૅરોમાં વ્યાપક ખરાબી વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી નજીવા નરમ

રોકડું અને સાઇડ શૅરોમાં વ્યાપક ખરાબી વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી નજીવા નરમ

Published : 20 June, 2025 08:45 AM | Modified : 21 June, 2025 07:26 AM | IST | Mumbai
Anil Patel

ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી સિમેન્સ એનર્જીનું દમદાર લિસ્ટિંગ : BSE લિમિટેડ સતત ૭મા દિવસે ડાઉન, MCXમાં પણ નબળાઈ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ફુગાવો વધવાની ફેડની ચેતવણીના પગલે આઇટી શૅરમાં માયૂસી : ઇઝરાયલ સામે ઈરાનના પ્રતિકારના પગલે અદાણીના તમામ શૅર ડાઉન : બન્ને બજારનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં, ઑટો ઇન્ડેક્સ અપવાદ : તમામ સરકારી બૅન્કોમાં નરમાઈ સાથે બૅન્કિંગના ૪૧માંથી ૩૮ શૅર માઇનસ : ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી સિમેન્સ એનર્જીનું દમદાર લિસ્ટિંગ : BSE લિમિટેડ સતત ૭મા દિવસે ડાઉન, MCXમાં પણ નબળાઈ

ટ્રમ્પના ભારે આગ્રહ છતાં અમેરિકન ફેડ દ્વારા સતત ચોથી વખત વ્યાજદર યથાવત્ રખાયો છે. રેટ-કટની માગણીના અસ્વીકારથી ટ્રમ્પે હવે ફેડ ચૅરમૅન જેરોમ પૉલેવને ભાંડવાનું શરૂ કર્યું છે. ફેડ રેટને યથાવત્ રાખતાં પૉવેલે આગામી સમયમાં ફુગાવો વધવાની દહેશત વ્યક્ત કરી છે. તેમના મતે ટ્રમ્પના તોફાનથી ટૅરિફમાં જે કાંઈ વધારો થયો છે અને હવે થવાનો છે એનાથી ભાવવધારો અવશ્ય થશે. આનો અંતિમ બોજ ગ્રાહકો પર પડશે. વપરાશી ખર્ચ ઘટશે, માગ સંકુચનની સ્થિતિ જોવા મળશે. ઈરાન-ઇઝરાયલ વચ્ચે ઉગ્ર બની રહેલા યુદ્ધની વચ્ચે યુએસ ફેડની આ વૉર્નિંગ શૅરબજારોને બેશક ગમવાની નથી. ગઈ કાલના ગુરુવારે સાઉથ કોરિયાના નહીંવત્ સુધારાને બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર ઘટ્યાં છે. થાઇલૅન્ડ સવાબે ટકા, હૉન્ગકૉન્ગ બે ટકા, તાઇવાન દોઢ ટકાથી વધુ, ઇન્ડોનેશિયા ૨.૧ ટકા, જપાન એક ટકો, ચાઇના પોણો ટકો, સિંગાપોર અડધા ટકાથી વધુ બગડ્યું છે. યુરોપ પણ નેગેટિવ ઓપનિંગ બાદ રનિંગમાં અડધાથી પોણો ટકો ડાઉન હતું. બ્રેન્ટ ક્રૂડ ૭૭ ડૉલરની ઉપર મક્કમ રહ્યું છે.



સેન્સેક્સ આગલા બંધથી ૪૦ પૉઇન્ટ જેવો નહીંવત્ નરમ, ૮૧,૪૦૪ ખૂલી ૮૩ પૉઇન્ટ ઘટી ૮૧,૩૬૨ તથા નિફ્ટી ૧૯ પૉઇન્ટની કમજોરીમાં ૨૪,૭૯૩ બંધ થયો છે. વધઘટની રેન્જ ઘણી સાંકડી હતી. શૅરઆંક નીચામાં ૮૧,૧૯૧ અને ઉપરમાં ૮૧,૫૮૪ થયો હતો. સેન્સેક્સ-નિફ્ટીના નહીંવત્ ઘટાડા સામે રોકડું ખાસ્સું ખરડાયું હતું. સ્મૉલકૅપ પોણાબે ટકા અને મિડકૅપ દોઢ ટકા બગડ્યો છે. બન્ને બજારનાં લગભગ તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. ઑટો ઇન્ડેક્સ ૦.૪ ટકા પ્લસ હતો. ફેડના અમંગળ વરતારાના પગલે આઇટીમાં માયૂસી હતી. આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૫૭ શૅરની ખરાબીમાં ૧.૧ ટકા કપાયો છે. રિયલ્ટી બેન્ચમાર્ક ૧.૬ ટકા, મેટલ ઇન્ડેક્સ સવા ટકો, પાવર સવા ટકો, યુટિલિટીઝ દોઢ ટકા, હેલ્થકૅર ઇન્ડેક્સ ૦.૯ ટકા, ટેલિકૉમ એક ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૬ ટકા, નિફ્ટી મીડિયા ૧.૭ ટકા ડાઉન હતો. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના ઘટાડા વચ્ચે ૨૫૧ પૉઇન્ટ નરમ થયો છે, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના બગાડમાં બે ટકા ગગડ્યો છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ પણ ૧૮માંથી ૧૬ શૅરની નરમાઇમાં દોઢ ટકા ખરડાયો છે. ખાસ્સી નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૫૧૬ શૅરની સામે ૨૩૬૩ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૩.૭૬ લાખ કરોડ ઘટી હવે ૪૪૨.૫૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. બિટકૉઇન રનિંગમાં ૧,૦૪,૭૮૧ ડૉલર ચાલતો હતો. અજકોન ગ્લોબલ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૨૨ થઈ ત્યાં જ બંધ હતો. મૉનોલિથિક ઇન્ડિયા શૅરદીઠ ૧૪૩ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૩૯ના પ્રીમિયમ સામે ગઈ કાલે ધમાકેદાર લિસ્ટિંગમાં ૨૩૧ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૪૩ વટાવી ત્યાં જ બંધ થતાં અત્રે ૭૦ ટકા કે શૅરદીઠ ૧૦૦ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે.


નબળા લિસ્ટિંગ બાદ જૈનિક પાવર સતત નવા નીચા તળિયે

પ્રાઇમરી માર્કેટમાં એરિસઇન્ફ્રા સૉલ્યુશન્સનો બેના શૅરદીઠ ૨૨૨ની અપર બૅન્ડ સાથે ૪૯૯ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧.૪ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૨૫થી ઘટી હાલ ૨૧ બોલાય છે. ઇનફ્લક્સ હેલ્થટેક ૧૦ના શૅરદીઠ ૯૬ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૫૫૬૩ લાખનો SME IPO બીજા દિવસના અંતે ૨૫ ગણો છલકાઈ ગયો છે. પ્રીમિયમ ૪૫થી ઘટી ૩૮ બોલાય છે. એપ્પલટોન એન્જિનિયર્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૮ના ભાવનો ૪૧૭૫ લાખ રૂપિયાનો SME IPO આખરી દિવસે કુલ ૨૯૬ ગણો ભરાઈને પૂરો થયો છે. પ્રીમિયમ ૫૮થી ઊછળી ૭૫ બોલાય છે. અમદાવાદી એટેન પેપર્સનું લિસ્ટિંગ આજે થવાનું છે. મેઇન બોર્ડની ઓસવાલ પમ્પ્સ ઘસાતું રહી અત્યારે ૪૧ ચાલે છે. જૈનિક પાવર નબળા લિસ્ટિંગ બાદ સતત નવા નીચા બૉટમ બનાવતી રહી છે. ભાવ પાંચ ટકાની મંદીની સર્કીટમાં ૭૫ની અંદર બંધ થયો છે.


શુક્રવારે, આજે ૩ SME IPO ખૂલશે. થાણેની સેફ એન્ટરપ્રાઇસિઝ રીટેલ ફિક્ષ્યર્સ પાંચના શૅરદીઠ ૧૩૮ની અપર બૅન્ડમાં ૧૬૧ કરોડ પ્લસનો જંગી NSE SME ઇશ્યુ કરવાની છે. ક્યાં કરેગી ઇતની ધન રાશી કા? ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નથી. મુંબઈના અંધેરી-ઈસ્ટની આકાર મેડિકલ ટેક્નૉલૉઝિસ ૧૦ના શૅરદીઠ ૭૨ના ભાવથી ૨૭ કરોડનો આઇપીઓ લાવી રહી છે. ગ્રે માર્કેટમાં કામકાજ શરૂ થયું નથી. ત્રીજી કંપની ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતેની માયાશીલ વેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૪૭ની અપર બેન્ડમાં ૨૭૨૮ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ લાવી રહી છે. ગ્રે માર્કેટમાં પાંચથી શરૂ થયેલું પ્રીમિયમ સુધરીને અત્યારે છ રૂપિયા સંભળાય છે.

અખાતી વૉર વકરતાં અદાણી ગ્રુપના શૅરોમાં નોંધપાત્ર ખરાબી

સેન્સેક્સ ખાતે વધેલા ૧૧ શૅરમાં મહિન્દ્ર સરેરાશ કરતાં ૪૦ ટકા વૉલ્યુમે ૧.૭ ટકા વધી ૩૦૯૨ બંધમાં બેસ્ટ ગેઇનર હતી. ટાઇટન વધુ પોણો ટકો, લાર્સન ૦.૬ ટકા, ભારતી ઍરટેલ અડધો ટકો સુધરી છે. ઇઝરાયલ સાથેના જંગમાં ઈરાન બરાબર ટક્કર આપી રહ્યું હોવાના અહેવાલ પાછળ અદાણી પોર્ટ્સ અઢી ટકા બગડી ૧૩૩૭ના બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર હતી. અદાણી એન્ટર દોઢ ટકા, અદાણી પાવર અઢી ટકા, અદાણી એનર્જી સવાબે ટકા, અદાણી ગ્રીન પોણાચાર ટકા, અદાણી ટોટલ સવાચાર ટકા, અદાણી વિલ્મર ત્રણ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૨.૨ ટકા, સાંધી ઇન્ડસ્ટ્રીઝ બે ટકા કટ થયા છે. અદાણીની ટેક ઓવર ઑફર જેમાં આવી ચૂકી છે એ ઓરિયેન્ટ સિમેન્ટ્સ આગલા દિવસના ૧૬.૬ ટકાના પાંચ વર્ષના મોટા કડાકા બાદ ગઈ કાલે ૩.૫ ટકા ગગડી ૨૪૫ રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી ખાતે ઘટેલા અન્ય શૅરમાં બજાજ ફાઇનૅન્સ બે ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક દોઢ ટકા, ટેક મહિન્દ્ર બે ટકા, નેસ્લે સવા ટકો, ઇન્ફોસિસ ૦.૯ ટકા, TCS ૦.૮ ટકા માઇનસ થઈ છે. રિલાયન્સ સાધારણ સુધરીને ૧૪૩૪ બંધ થઈ છે. જિયો ફાઇનૅન્સ સવા ટકો ઘટી છે.

વોડાફોન ૬.૩૦ની મલ્ટિયર બૉટમ બતાવીને ૩.૫ ટકાના ઘટાડે ૬.૩૩ બંધ આવી છે. તાતા કમ્યુનિકેશન પોણાત્રણ ટકા અને તાતા ટેલિ ૩.૯ ટકા ખરડાઈ છે. સ્પાઇસજેટ ૪૦ની અંદર નવી ઐતિહાસિક બૉટમ બતાવીને પાંચ ટકા તૂટી ૪૦ હતી. જેટ ઍરવેઝ પાંચ ટકા તથા ગ્લોબલ વેક્ટ્રા ૪.૫ ટકા ડૂલ થઈ છે. આગલા દિવસે તગડા વૉલ્યુમ સાથે ૧૮.૮ ટકા ઊછળેલી ઇલેક્ટ્રૉનિક્સ માર્ટ ઇન્ડિયા ગઈ કાલે ત્રણ ગણા વૉલ્યુમે ૭.૭ ટકા ગગડી ૧૪૭ રહી છે. જેમ જ્વેલરી કંપની ઇથોસ પાંચ ટકા કે ૧૪૨ રૂપિયા ઝંખવાઈ ૨૭૦૬ હતી.

વિપ્રો અને ક્વિકહીલ સિવાય આઇટીના ૫૭ શૅર રેડ ઝોનમાં બંધ

સિમેન્સના એનર્જી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન ઇક્વિપમેન્ટ્સ બિઝનેસના ડીમર્જરથી અસ્તિત્વમાં આવેલી સિમેન્સ એનર્જી ઇન્ડિયા ગઈ કાલે લિસ્ટિંગમાં ૨૩૬૮ની ડીમર્જર પ્રાઇસ સામે ૨૮૫૦ ખૂલી ઉપરમાં ૨૯૯૨ વટાવી ૨૭૩૮ બંધ થઈ છે. NSE ખાતે ભાવ ૨૮૪૦ ખૂલી ઉપરમાં ૨૯૮૨ થઈ ૨૪૭૮ની ડીમર્જર પ્રાઇસ સામે ૧૦.૪ ટકા વધી ૨૭૩૫ બંધ થઈ છે. સિમેન્સ લિમિટેડ ૩૩૮૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ બે ટકા ઘટી ૩૨૮૪ હતી. સબસિડિયરીને ૨૭૨ કરોડનો ઑર્ડર મળતાં પૂર્વાન્કારા ૬ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૦૧ વટાવી સવા ટકો સુધરી ૨૮૩ રહી છે.

યુગ્રો કૅપિટલની બોર્ડ મીટિંગમાં ૧૪૦૦ કરોડના કૅશ ટ્રાન્ઝેકશનથી પ્રોફેક્ટ્સ કૅપિટલનો ૧૦૦ ટકા હિસ્સો હસ્તગત કરવાની યોજનાને મંજૂરી અપાઈ છે. શૅર ઉપરમાં ૧૭૪ નજીક જઈ અઢી ટકાના ઘટાડામાં ૧૬૬ બંધ રહ્યો છે. કૃષિવાલ ફૂડ્સનું SME પ્લૅટફૉર્મમાંથી મેઇન બોર્ડમાં માઇગ્રેશન થતાં ભાવ ગઈ કાલે ૪૦૦ નજીક ઑલટાઇમ હાઈ બતાવી ૩.૭ ટકા વધીને ૩૯૫ બંધ થયો છે. BSE લિમિટેડ સતત ૭મા દિવસની નબળાઈમાં દોઢ ટકાના ઘટાડે ૨૫૯૫ બંધ આવી છે. CDSL અઢી ટકા માઇનસ હતી. MCX પણ ૧.૯ ટકા કે ૧૫૦ રૂપિયા ઘટીને ૭૭૮૫ થઈ છે. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ અઢી ટકા બગડી હતી.

આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી ૫૭ શૅરના ઘટાડે ૪૩૭ પૉઇન્ટ બંધ થયો છે. વિપ્રો દોઢ ટકા તથા ક્વિકહીલ પોણો ટકો પ્લસ હતી. ૬૩ મૂન્સ પાંખા વૉલ્યુમે સવાછ ટકા ગગડી ૮૭૧ના બંધમાં અત્રે ટૉપ લૂઝર બની છે. સિયેન્ટ, ઇન્વેન્ચર્સ નૉલેજ તથા ઇન્ટલેક્ટ ડિઝાઇન પાંચ ટકા આસપાસ ખરડાઈ હતી. અત્રે ૨૮ શૅર અઢીથી સવાછ ટકાની રેન્જમાં માઇનસ હતા. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી માત્ર ૩ શૅર પ્લસ હતા. ઇસફ બૅન્ક સવાબે ટકા, કોટક બૅન્ક સાધારણ અને HDFC બૅન્ક નામ પૂરતી વધી છે, સામે ઇક્વિટાસ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, યુકો બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, આઇઓબી, યુનિયન બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક ત્રણથી પોણાચાર ટકા તૂટી છે.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2025 07:26 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK