ભારતીય શૅરબજાર એકંદરે બહેતર છે, ગ્રોથ ચાલુ છે; પરંતુ વચ્ચે-વચ્ચે આકાર લેતી વૈશ્વિક ઘટનાઓ અને અનિશ્ચિતતાઓ માર્કેટ-સેન્ટિમેન્ટ ડિસ્ટર્બ કરે છે. જોકે હાલ આ સમસ્યાઓનો કોઈ ઉપાય નથી
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શૅરબજાર પર ફરી એક વાર યુદ્ધનાં વાદળો ઘેરાયાં છે, આ યુદ્ધ મિડલ ઈસ્ટનું એટલે કે હાલ ઇઝરાયલ-ઈરાનનું છે, બાકી ટૅરિફ-યુદ્ધ તો ચાલુ જ છે. ગ્લોબલ સ્તરે કોઈ નોંધપાત્ર સુધારા યા આવકાર્ય ઘટના બનતી નથી, ઉપરથી અનિશ્ચિતતા રહ્યા જ કરે છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આપેલી રાહતોની અસર હાલ તો ઠંડી પડી ગઈ છે. જોકે એની લાંબા ગાળાની પૉઝિટિવ અસરો ચોક્કસ જોવા મળશે. ભારતીય અર્થતંત્ર ધીમી ગતિએ પણ આગળ વધી રહ્યું છે. આર્થિક નિર્ણયો લેવાઈ રહ્યા છે અને કપરા વૈશ્વિ સંજોગો વચ્ચે પણ ભારત એની દિશામાં આગળ વધી રહ્યું છે. આ ફન્ડામેન્ટલ્સને સમજીને રોકાણ પ્લાન કરનારા લાંબે ગાળે ફાવશે. અત્યારે જે સંજોગો પ્રવર્તી રહ્યા છે એને ધ્યાનમાં રાખતાં માર્કેટ એક ચોક્કસ રેન્જમાં જ વધઘટ કર્યા કરશે એવું લાગે છે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સના પ્રવાહની પણ અનિશ્ચિતતા રહેશે. સ્થાનિક સંસ્થાકીય રોકાણનો પ્રવાહ મોટો આધાર છે અને રહેશે.
બજારની રેન્જ જોઈને એની ચાલ સમજો
ADVERTISEMENT
વીતેલા સપ્તાહના પ્રથમ દિવસે બજારે સુધારો આગળ વધાર્યો હતો જે રિઝર્વ બૅન્કની પૉલિસીને આભારી હતો, પરંતુ બીજા દિવસે મંગળવારે આ પરિબળની અસર પૂરી થઈ અને બજાર લગભગ સ્થિર સમાન રહ્યું. કોઈ મોટી વધઘટ નહીં, મહત્તમ સ્થિરતા-કન્સોલિડેશન કહી શકાય એવી સ્થિતિ રહી. બુધવારે વધઘટ વચ્ચે માર્કેટ રિકવરી સાથે બંધ રહ્યુ હતું. અમેરિકા-ચીન વચ્ચે વેપાર મામલે સમાધાન થઈ ગયું હોવાના અહેવાલ વૈશ્વિક સ્તરે પૉઝિટિવ ડેવલપમેન્ટ ગણાયાં હતાં.
રિઝર્વ બૅન્કની છેલ્લી મીટિંગના ઉદાર પગલા બાદ બૅન્કિંગ સ્ટૉક્સને નવો કરન્ટ મળવા લાગ્યો હતો. ગયા સપ્તાહમાં એક તબક્કે બૅન્ક નિફ્ટી ૫૭,૦૦૦ની સપાટી પ્રથમ વાર વટાવી ગયો. રિઝર્વ બૅન્કના પગલાથી જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બૅન્કોના શૅર્સનાં વૉલ્યુમ અને ભાવોમાં ઝડપી સુધારો નોંધાયો હતો. ગુરુવારે બજારે જબ્બર ટર્ન લીધો અને સેન્સેક્સ તથા નિફ્ટી બન્ને સહિત બધાં જ ઇન્ડાઇસિસ કરેક્શનને હવાલે થયાં હતાં. કારણો ફરી એના એ જ, ટૅરિફસંબંધિત વિવાદો, નબળા ગ્લોબલ સંકેત અને વિદેશી રોકાણનો બહાર જતો પ્રવાહ. ટ્રમ્પનું ટૅરિફનું ભૂત પાછું ધૂણવા લાગ્યું હતું, જેમાં ટ્રમ્પે ઊંચી જકાતની વાતો દોહરાવી હતી. આમ તો હાલ અમેરિકા દ્વારા માત્ર બ્રિટન સાથે વેપાર-કરાર થયા છે, જ્યારે કે ચીન સાથે થયેલો કરાર કામચલાઉ ગણાય છે. ભારત સાથેની ડીલ્સ હજી ફાઇનલ થઈ નથી, પરંતુ આ વિષયમાં ભારતને સારા પરિણામની આશા છે.
દરમ્યાન શુક્રવારે દુકાળમાં અધિક માસ સમાન ઘટનામાં ઇઝરાયલે ઈરાન પર આક્રમણ કરતાં માર્કેટ સેન્ટિમેન્ટ બગડ્યું હતું. આ હુમલો યુદ્ધનાં એંધાણ આપતો હતો, મધ્યપૂર્વમાં ફરી તનાવ સર્જાતાં ક્રૂડના ભાવ ઊછળ્યા હતા. ત્રીજી બાજુ ફૉરેન ઇન્વેસ્ટર્સની વેચવાલી કારણ બની હતી તેમ જ ગ્લોબલ માર્કેટ્સ પણ નબળાં પડ્યાં હતાં. શુક્રવારે માર્કેટ કરેક્શન આગળ વધારીને બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૮૧,૦૦૦ આસપાસ અને નિફ્ટી ૨૪,૭૦૦ આસપાસ પહોંચી ગયો હતો. આમ બજારની એકંદર ચાલ અને વૈશ્વિક તેમ જ સ્થાનિક પરિબળોને જોઈએ તો બજાર કઈ રેન્જમાં વધઘટ કર્યા કરે છે એનો ચિતાર મળશે. શૉર્ટ ટર્મ તેમ જ લૉન્ગ ટર્મ રોકાણકારોએ વર્તમાન સંજોગોને અને એની અસરોને સમજવામાં સાર રહેશે.
ભારત હજી ફાસ્ટેસ્ટ ઇકૉનૉમી
દરમ્યાન વર્લ્ડ બૅન્કના એક અહેવાલ મુજબ ભારતનો ગ્રોથ રેટ નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં ૬.૩ ટકા રહેશે, અગાઉ જેની ધારણા ૬.૫ ટકાની મુકાઈ હતી એણે વર્ષ ૨૦૨૭ માટે આ ગ્રોથરેટ ૬.૭ ટકા થવાનો અંદાજ મૂક્યો છે. આ માટે તેણે સર્વિસ સેક્ટરની-નિકાસની ઝડપી વૃદ્ધિને કારણ ગણાવી છે. નોંધનીય અને મહત્ત્વની વાત એ છે કે વિશ્વ બૅન્કના મતે ભારતીય અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે જેને આજની ગ્લોબલ ભાષામાં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી કહે છે.
માર્કેટકૅપની વૃદ્ધિમાં ભારતીય માર્કેટ ટૉપ
આ વખતની બુલ રૅલીમાં ભારતીય લિસ્ટેડ કંપનીઓના માર્કેટકૅપમાં તાજેતરમાં એક લાખ કરોડ (વન ટ્રિલ્યન ડૉલર)નો ઉમેરો થયો છે. આ સાથે માર્ચ ૨૦૨૫ આસપાસ આ માર્કેટકૅપ ૫.૩૩ લાખ કરોડ ડૉલર પહોંચ્યું છે. ટકાવારીની દૃષ્ટિએ માર્કેટકૅપમાં ૨૧ ટકાનો ઉછાળો આવ્યો છે જે વિશ્વના ટોચના દશ દેશોમાં સૌથી ઊંચી વૃદ્ધિ છે. ભારત અત્યારે વિશ્વનું પાંચમું વિશાળ અર્થતંત્ર છે. માર્કેટકૅપની વૃદ્ધિમાં ભારત પછી જર્મની આવે છે. ત્યાર બાદ કૅનેડા, હૉન્ગકૉન્ગ, જપાન અને બ્રિટનનો ક્રમ છે. જોકે સૌથી વિશાળ ઇકૉનૉમી અમેરિકાની છે, એમ છતાં એના માર્કેટકૅપની વૃદ્ધિ માત્ર ૨.૪ ટકા જેટલી જ છે, જ્યારે અર્થતંત્રના કદમાં બીજા ક્રમે આવતા ચીનની માર્કેટકૅપ વૃદ્ધિ માત્ર ૨.૭ ટકા થઈ છે.
બાય ઇન્ડિયા-બૅન્કેબલ ઇન્ડિયા
તાજેતરમાં એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટે ભારત માટે કરેલું નિવેદન નોંધવા અને યાદ રાખવા જેવું છે. આ એક્સપર્ટના કહેવા મુજબ ભારત બાય ઇન્ડિયા ઍન્ડ ડોન્ટ ડિસ્ટર્બ ફોર ૩૦ યર્સ. તેમના મતે ભારત માટે લૉન્ગ ટર્મ થીમ પસંદ કરવા જેવું છે, એના પર પૂર્ણ વિશ્વાસ રાખવા જેવું છે, કારણ કે ભારત હાલ એ મુકામે છે જ્યાં ચીન ૩૫ વર્ષ પહેલાં હતું.
BSEના શૅર : પાંચ વર્ષમાં દસ હજારના સાત લાખ રૂપિયા
શૅરબજારમાં ભાવોની ઊથલપાથલ થયા કરે, પરંતુ આમાં ખુદ શૅરબજારના શૅરનો ભાવ પણ જો ચમત્કાર દર્શાવે તો? એશિયાના સૌથી જૂના સ્ટૉક એક્સચેન્જ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)માં જેમણે પાંચ વર્ષ પહેલાં રોકાણ કર્યું હશે અને એમાં આજે એનું વળતર જોશે તો આ પાંચ વર્ષમાં આશરે ૬૦૦૦ ટકાથી વધુ રિટર્ન જોવા મળશે. સરળ શબ્દોમાં કહીએ તો પાંચ વર્ષ પહેલાં જેમણે BSEના શૅરમાં ૧૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યુ હતું તો આજે તેમનું એ રોકાણ આશરે સાત લાખ રૂપિયા આસપાસ પહોંચી ગયેલું જોવા મળે. માનો યા ન માનો આ સત્ય છે. છેલ્લાં અમુક વર્ષોમાં BSEએ ઘણા પડકારો જોયા, એનો સામનો કર્યો. એમ છતાં એની કામગીરી ઉત્તમ સાબિત થતાં એના શૅરનું વળતર-ભાવવૃદ્ધિ વધુ બહેતર બની રહી છે. એનાં અર્નિંગ્સમાં સતત વેગ જોવાયો છે. અલબત્ત, BSE સામે આજે પણ ડેરિવેટિવ્ઝ વૉલ્યુમનો પડકાર રહ્યો છે, પરંતુ BSEએ એના વિકાસ માટેના પ્રયાસ ચાલુ રાખ્યા છે. માત્ર BSE જ નહીં, આવું લિસ્ટેડ કંપની સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL)ના કેસમાં પણ જોવા મળે છે. આ કંપની પણ સાતત્યપૂર્ણ રીતે સારી કામગીરી બજાવતી રહી છે.


