પંજાબ કિંગ્સે પ્લેઑફ્સ ઇતિહાસનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરવાનો રેકૉર્ડ કર્યો
પંજાબ સામે હારતાં જ મેદાન પર નારાજ થઈને બેસી ગયો મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા.
રવિવારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની ક્વૉલિફાયર-ટૂ મૅચ વરસાદના વિઘ્નને કારણે બે કલાક ૧૫ મિનિટ મોડી શરૂ થઈ હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં મુંબઈએ ૬ વિકેટ ગુમાવીને ૨૦૩ રન ફટકાર્યા હતા. પંજાબે શ્રેયસ ઐયર અને નેહલ વઢેરાની પાર્ટનરશિપના આધારે ૧૯ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૭ રન ફટાકારીને ૨૦૪ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પાંચ વિકેટે જીત નોંધાવીને પંજાબે IPL પ્લેઑફ્સમાં પહેલી વાર ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરવાનો રેકૉર્ડ પણ કર્યો હતો. આ પહેલાં ૨૦૧૪ની ફાઇનલમાં પંજાબ સામે કોલકાતા નાઇટ રાઇડર્સે ૨૦૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
પહેલી ઇનિંગ્સમાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બૅટર સૂર્યકુમાર યાદવ (૨૬ બૉલમાં ૪૪ રન), તિલક વર્મા (૨૯ બૉલમાં ૪૪ રન), જૉની બેરસ્ટૉ (૨૪ બૉલમાં ૩૮ રન) અને નમન ધીરે (૧૮ બૉલમાં ૩૭ રન) બૅટિંગ યુનિટ તરીકે પોતાની જવાબદારી પૂરી કરી હતી, પણ પંજાબના શ્રેયસ ઐયર અને નેહલ વઢેરાની ૮૪ રનની ભાગીદારી સામે મુંબઈના બોલર્સ નાકામ રહેતાં તેઓ પહેલી વાર ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મૅચ પહેલાં મુંબઈ ૧૮ વાર આ ટાર્ગેટ ડિફેન્ડ કરીને ૨૦૦ પ્લસ રનનો સ્કોર કર્યા બાદ એક પણ મૅચ ન હારનાર એકમાત્ર ટીમ હતી.
ADVERTISEMENT
મુંબઈ તરફથી ફાસ્ટ બોલર્સ અશ્વની કુમાર (પંચાવન રનમાં એક વિકેટ), ટ્રેન્ટ બોલ્ટ (૩૮ રનમાં એક વિકેટ) અને હાર્દિક પંડ્યા (૧૯ રનમાં એક વિકેટ) જ વિકેટ લઈ શક્યા હતા. મુખ્ય ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ (૪૦ રન આપ્યા), રીસ ટૉપ્લી (૪૦ રન આપ્યા) અને સ્પિનર મિચલ સૅન્ટનર (૧૫ રન આપ્યા) એક પણ વિકેટ લઈ શક્યા નહોતા.
700
આટલા રન એક સીઝનમાં નૉન-ઓપનર તરીકે ફટકારનાર પહેલો બૅટર બન્યો સૂર્યકુમાર યાદવ.


