IPL 2024 Playoff: આ વર્ષે કઈ ટીમને મળશે પ્લેઓફમાં પહોંચવાનો મોકો તે જાણી લો આ નંબર ગેમ પરથી
IPL 2024
ફાઇલ તસવીર
ઈન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League) ની વર્તમાન સિઝન આઈપીએલ ૨૦૨૪ (IPL 2024) ની ૬૪મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals - DC) ની ટીમે લખનઉ સુપરજાયન્ટ્સ (Lucknow Super Giants - LSG) ની ટીમને ૧૯ રને હરાવીને પ્લેઓફ (IPL 2024 Playoff) ની રેસને રસપ્રદ બનાવી છે. ત્યારે પ્લેઓફની નંબર ગેમ પર નજર કરવાની ખાસ જરુર છે.
દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપરજાયન્ટ્સની મેચમાં જીત મેળવીને દિલ્હીની ટીમ ૧૪ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. જોકે દિલ્હી માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે, પરંતુ આ જીતે અન્ય ટીમોનું ગણિત ઘણું રસપ્રદ બનાવી દીધું છે.
ADVERTISEMENT
બીજા નંબરે કોણ હશે?
પહેલા જ કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders - KKR) ની ટીમે ટોપ પર રહીને ક્વૉલિફાઇંગમાં સ્થાન બનાવી લીધું હતું. દિલ્હીની જીતની સાથે જ રાજસ્થાન રૉયલ્સ (Rajasthan Royals - RR) ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી બીજી ટીમ બની ગઈ છે. જો કે રાજસ્થાનની ટીમ ટોપ-2માં રહેશે કે નહીં તે આવનારા સમયમાં નક્કી થશે. હવે સૌથી મોટી લડાઈ બે સ્થાન માટે અન્ય પાંચ ટીમો વચ્ચે છે. આ ટીમો છે – ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings - CSK), સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad - SRH), રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore - RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ. દિલ્હીની જીતે ચેન્નઈ અને હૈદરાબાદ માટે આગળની રેસ રસપ્રદ બનાવી દીધી છે. જો લખનઉની ટીમે દિલ્હીને હરાવ્યું હોત તો કદાચ લખનઉની ટીમ ૧૬ પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહી હોત. પરંતુ હવે તેઓ મહત્તમ ૧૪ પોઈન્ટ સુધી પહોંચી શકે છે. હવે નબળા રન રેટના કારણે લખનઉ અને દિલ્હીના આગળ વધવાની શક્યતા ઓછી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ કેવી રીતે ક્વૉલિફાય કરી શકે?
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ હાલમાં ૧૨ મેચમાં ૧૪ પોઈન્ટ ધરાવે છે અને તેની પાસે +૦.૪૬૬ નો નેટ રન રેટ (NRR) પણ છે. હૈદરાબાદને વધુ બે મેચ રમવાની છે. હવે જો હૈદરાબાદ તેની બંને મેચ જીતવામાં સફળ રહે છે તો તે ૧૮ પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વૉલિફાય થઈ જશે. તે જ સમયે, જો આ ટીમ બંને મેચમાં હારી જાય છે, તો હૈદરાબાદના નેટ રન રેટમાં ફેરફાર થશે. તે જ સમયે, જો લખનઉ અને બેંગ્લોર તેમની છેલ્લી મેચ જીતે છે, તો પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમને ટોપ 4માં રહેવા માટે NRR પર નિર્ભર રહેવું પડશે. જો ચેન્નઈ બેંગ્લોરને હરાવે છે, અને હૈદરાબાદ તેમની બંને મેચ હારી જાય છે, તો તેમણે અંતિમ પ્લે-ઑફ સ્પોટ મેળવવા અને NRRનો લાભ મેળવવા માટે લખનઉ અને દિલ્હી કરતાં વધુ સારો રન-રેટ જાળવી રાખવો પડશે.
ચેન્નઈ સુપર કિંગ્સ કેવી રીતે ક્વૉલિફાય થઈ શકે?
ચેન્નઈના અત્યાર સુધી ૧૩ મેચમાં ૧૪ પોઈન્ટ છે. નેટ રન રેટ +૦.૫૨૮ છે. ચેન્નઈને વધુ એક મેચ રમવાની છે. ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે ૧૮મી મેના રોજ મેચ રમાશે. જે મેચ બન્ને ટીમો માટે ઘણી મહત્વની રહેશે. જો આ મેચમાં ચેન્નઈ બંગ્લોરને હરાવશે તો ચેન્નઈ માટે પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ ખુલશે. તે જ સમયે, જો ચેન્નઈ બેંગ્લોર સામે હારી જાય તો પણ ચેન્નઈ પ્લેઓફની રેસમાં રહેશે. ચેન્નઈએ એ આશા રાખવી પડશે કે બેંગ્લોર NRR માં આગળ નીકળી ન જાય. જો લખનઉ તેની છેલ્લી મેચ જીતે છે અને ૨૧૪ પોઈન્ટ સુધી પહોંચે છે, તો વધુ સારા NRRને કારણે ચેન્નઈ પ્લેઓફમાં પહોંચવાની રેસમાં આગળ રહેશે. ચેન્નઈ સુપર કિંગ્સ પણ આશા રાખશે કે, હૈદરાબાદ તેની બંને મેચ હારે, જેથી તેમના પોઈન્ટમાં કોઈ ફેરફાર ન થાય.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ કેવી રીતે ક્વોલિફાય કરી શકે?
ચેન્નઈ સામેની મેચ બેંગ્લોર ટીમ માટે ઘણી મહત્વની બની રહી છે. ચેન્નઈના ૧૩ મેચમાં ૧૨ પોઈન્ટ છે અને નેટ રન રેટ +૦.૩૮૭ છે. તાજેતરના સમયમાં બેંગ્લોર સતત પાંચ મેચ જીતવામાં સફળ રહ્યું છે. જેના કારણે ટીમનું મનોબળ વધ્યું છે. ચેન્નઈ સામેની જીત ઉપરાંત, બેંગ્લોર ઈચ્છે છે કે તેમનો NRR પ્લેઓફમાં ચોથા સ્થાન માટે સ્પર્ધા કરતી અન્ય ટીમો કરતા વધુ સારો હોય. આ ઉપરાંત, બેંગ્લોર એ પણ આશા રાખશે કે હૈદરાબાદ તેની બન્ને મેચ હારી જાય અથવા લખનઉ તેની છેલ્લી મેચ મોટા માર્જિનથી જીતવામાં નિષ્ફળ જાય. જેથી આરસીબી નેટ રન રેટનો લાભ મેળવી શકે. બેંગ્લોર માટે એકમાત્ર સમીકરણ એ છે કે તેણે ચેન્નઈને મોટા માર્જિનથી હરાવવું પડશે અને અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેશે.
લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ કેવી રીતે ક્વોલિફાય કરી શકે?
લખનઉએ તેની શ્રેષ્ઠ તક ગુમાવી છે. દિલ્હી સામે હાર્યા બાદ લખનઉની ટીમનું સંતુલન બગડી ગયું છે. લખનઉએ ૧૩ મેચમાં ૧૨ પોઈન્ટ મેળવ્યા છે. ટીમે વધુ એક મેચ રમવાની છે. જો તેઓ તેમની છેલ્લી મેચ જીતે તો લખનઉના માત્ર ૧૪ પોઈન્ટ હશે. દિલ્હી સામે હાર્યા બાદ લખનઉનો નેટ રન રેટ પણ કથળી ગયો છે. લખનઉનો હાલમાં નેટ રન રેટ -૦.૭૮૭ છે. હવે જો લખનઉને પ્લેઓફની રેસમાં પોતાની જાતને જાળવી રાખવી હોય તો સૌથી પહેલા તેણે પોતાની છેલ્લી મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. લખનઉ તેની છેલ્લી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવા જઈ રહી છે. આ સિવાય લખનઉને આશા રાખવી પડશે કે ચેન્નઈ, હૈદરાબાદ અને બેંગ્લોરમાંથી બે ટીમો પોતપોતાની મેચો મોટા અંતરથી હારી જાય.
દિલ્હી કેપિટલ્સની ટીમ કેવી રીતે ક્વોલિફાય કરી શકે?
દિલ્હી કેપિટલ્સે તેની ૧૪ મેચ રમી છે. ટીમના ૧૪ મેચમાં ૧૪ પોઈન્ટ છે. નેટ રન રેટ -૦.૩૭૭ છે. અહીંથી દિલ્હી માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે. દિલ્હીની ટીમે હવે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. જો દિલ્હીને ક્વૉલિફાય કરવું હોય, તો તેઓ આશા રાખશે કે ચારમાંથી ઓછામાં ઓછી ત્રણ ટીમો, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગ્લોર અને લખનઉ તેમની છેલ્લી મેચોમાં મોટા માર્જિનથી હારી જાય. જેના કારણે ૧૪ પોઈન્ટ મેળવનારી ટીમને આગળ વધવા માટે નેટ રન રેટ પર આધાર રાખવો પડશે. આવી સ્થિતિમાં, જે ટીમની પાસે સારી NRR હશે તે પ્લેઓફ માટે ક્વૉલિફાય થશે.
આ બધા સમીકરણોમાંથી શું સાચું પડે છે તે તો સમય જ કહેશે, ત્યાં સુધી IPL 2024ના ટેબલ પર ફેન્સની નજર રહેશે.