ધવનની ટીમે જબરદસ્ત થ્રિલરમાં ધોનીના ધુરંધરોને છેલ્લા બૉલે હરાવ્યા : સુપર ઓવર થતાં રહી ગઈ
સિકંદર રઝા
પંજાબ કિંગ્સની ટીમે શુક્રવારે મોહાલીમાં ૨૫૭ રન બનાવનાર લખનઉ સુપર જાયન્ટ્સ સામે હાથ હેઠા મૂકી દીધા હતા, પણ ૪૮ કલાક બાદ (ગઈ કાલે) ચેન્નઈ સુપર કિંગ્સને એના જ ગ્રાઉન્ડ પરના થ્રિલરમાં નહોતું જીતવા દીધું. આ સીઝનની સૌથી દિલધડક કહી શકાય એવી ટૉપ-થ્રી મૅચોમાં ગઈ કાલની મૅચનો સમાવેશ અચૂક કરવો જોઈએ. સીઝનની પહેલી સુપર ઓવર બનતાં રહી ગયેલી આ મૅચમાં ૨૦૧ રનનો લક્ષ્યાંક છેલ્લા બૉલે મેળવીને ચાર વિકેટે વિજય મેળવી લીધો હતો. ચેન્નઈની ટીમ ઘરઆંગણે ૨૦૦નો સ્કોર ડિફેન્ડ નહોતી કરી શકી. ધોનીની ટીમ ચેન્નઈમાં ૧૨ એપ્રિલે રાજસ્થાન સામે હારી ગયા પછી હવે હોમ ગ્રાઉન્ડ પર પંજાબ સામે પણ હારી ગઈ.
પથીરાનાની સુપર્બ લાસ્ટ ઓવર
ADVERTISEMENT
પંજાબે ૨૦મી ઓવરમાં જીતવા ૯ રન બનાવવાના હતા અને ૮ રન થયા હોત તો સુપર ઓવર થઈ હોત. લસિથ મલિન્ગા જેવી વિચિત્ર બોલિંગ ઍક્શન ધરાવતા મથીશા પથીરાનાની એ ઓવર અસરદાર હતી, પણ ઝિમ્બાબ્વેના ટોચના બૅટર સિકંદર રઝા (૧૩ અણનમ, ૭ બૉલ, એક ફોર) અને એમ. શાહરુખ ખાન (બે અણનમ, ત્રણ બૉલ)ની જોડીએ પંજાબને જિતાડવા એક પણ તક નહોતી જવા દીધી. પહેલા પાંચ બૉલમાં ૧ રન, ૧ લેગ બાય, ડૉટ બૉલ, બે રન અને બે રન બનતાં છેલ્લા બૉલે જીતવા ત્રણ રનની જરૂર હતી. પથીરાનાના ઑફ સ્ટમ્પ બહારના સ્લોઅર બૉલને રઝાએ સ્ક્વેર લેગ પરથી ડીપ ફાઇન લેગ અને ડીપ મિડવિકેટ તરફ મોકલ્યો હતો. ફીલ્ડર બૉલને રોકીને પિચ તરફ ફેંકે ત્યાં સુધીમાં રઝા-શાહરુખે ત્રણ રન દોડી લીધા હતા.
આ પણ વાંચો : રાજસ્થાન સામે અમે તો પહેલી છ ઓવરમાં જ હારી ગયા હતા: ધોની
કૉન્વે મૅન ઑફ ધ મૅચ
થોડા દિવસથી આઇપીએલમાં પરાજિત ટીમના પ્લેયરને મૅચના સુપર-હિટ પર્ફોર્મન્સ બદલ મૅન ઑફ ધ મૅચના અવૉર્ડ માટે પસંદ કરવામાં આવી રહ્યા છે અને ગઈ કાલે એ ગૌરવ ચેન્નઈના ઓપનર ડેવૉન કૉન્વે (૯૨ અણનમ, બાવન બૉલ, એક સિક્સર, સોળ ફોર)ને મળ્યું હતું. તે ૮ રન માટે સદી ચૂકી ગયો હતો.
પંજાબના બૅટર્સમાં કોણ ચમક્યું?
પંજાબની ટીમમાં બૅટર્સનાં આ મુજબનાં નાનાં-મોટાં યોગદાનો હતાં પ્રભસિમરન સિંહ (૪૨ રન, ૨૪ બૉલ, બે સિક્સર, ચાર ફોર), કૅપ્ટન શિખર ધવન (૨૮ રન, ૧૫ બૉલ, એક સિક્સર, ચાર ફોર), અથર્વ ટૈડ (૧૩ રન, ૧૭ બૉલ), લિઆમ લિવિંગસ્ટન (૪૦ રન, ૨૪ બૉલ, ચાર સિક્સર, એક ફોર), સૅમ કરૅન (૨૯ રન, ૨૦ બૉલ, એક સિક્સર, એક ફોર), જિતેશ શર્મા (૨૧ રન, ૧૦ બૉલ, એક સિક્સર, બે ફોર).
પંજાબે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૦૧ રન બનાવીને જીત હાંસલ કરી હતી. ચેન્નઈના તુષાર દેશપાંડેએ ૪૯ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે બે વાઇડ ફેંક્યા હતા. રવીન્દ્ર જાડેજાએ ૩૨ રનમાં બે અને પથીરાનાએ ૩૨ રનમાં એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, ચેન્નઈના સ્કોર (૨૦૦/૪)માં કૉન્વેના અણનમ ૯૨ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડે ૩૭ અને શિવમ દુબેએ ૨૮ રન બનાવ્યા હતા. કૅપ્ટન ધોની ચાર બૉલમાં બે સિક્સર સાથે બનાવેલા ૧૩ રને અણનમ રહ્યો હતો. પંજાબના અર્શદીપ, સૅમ કરૅન, રાહુલ ચાહર અને સિકંદર રઝાએ એક-એક વિકેટ લીધી હતી. જોકે તેઓ ચેન્નઈના સ્કોરને ૨૦૦ રનની અંદર મર્યાદિત નહોતા રાખી શક્યા.


