શુક્રવારે મુંબઈમાં ભારત-ઑસ્ટ્રેલિયાની પ્રથમ ઓડીઆઇ રમાશે : રોહિત એ મૅચ નથી રમવાનો

સુનિલ ગાવસ્કર
ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં ભારતીય ટીમના નેતૃત્વની જવાબદારી ઑલરાઉન્ડર અને ૨૦૨૨ની આઇપીએલની ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સના સુકાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે, પરંતુ હવે વન-ડેમાં પણ તેને નિયમિત કૅપ્ટન્સી સોંપવામાં આવે એ દિવસો બહુ દૂર નથી.
પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરે તો ગઈ કાલે સ્ટાર સ્પોર્ટ્સને ત્યાં સુધી કહ્યું કે ‘શુક્રવાર, ૧૭ માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી સિરીઝની પ્રથમ ઓડીઆઇમાં રોહિત શર્મા નથી રમવાનો અને એ મૅચનું સુકાન હાર્દિકને સોંપવામાં આવ્યું છે. જો ભારત હાર્દિકની કૅપ્ટન્સીમાં એ મૅચ જીતશે તો હાર્દિક ઑક્ટોબર-નવેમ્બરના વન-ડે વર્લ્ડ કપ બાદ ઓડીઆઇની કૅપ્ટન્સી માટે આડકતરી રીતે દાવો કરી શકશે.’
આ પણ વાંચો: ન્યુ ઝીલૅન્ડે શ્રીલંકાને હરાવી ભારતને પહોંચાડ્યું ટેસ્ટના વર્લ્ડ કપ ફાઇનલમાં
રોહિત શર્મા પોતાની ફૅમિલીને લગતા એક કાર્યક્રમને કારણે શુક્રવારની પહેલી વન-ડેમાં નથી રમવાનો એટલે હાર્દિકને એ મૅચમાં નેતૃત્વ સોંપાયું છે. ગાવસકરે એવું પણ કહ્યું કે ‘હાર્દિકે ગુજરાત ટાઇટન્સનું સુકાન બહુ સારી રીતે સંભાળ્યું હતું અને ભારત વતી ટી૨૦માં પણ સારી રીતે સંભાળી રહ્યો છે. મારી દૃષ્ટિએ હાર્દિક મિડલ-ઑર્ડરમાં સારો ઇમ્પૅક્ટ પ્લેયર તેમ જ ગેમ-ચેન્જર પણ બની શકે છે. ગુજરાત ટાઇટન્સની ટીમમાં તેને મેં પોતાની જવાબદારી પોતે જ ઉપાડતો જોયો હતો. તે જરૂર લાગતાં બૅટિંગ-ઑર્ડરમાં ઉપર આવી જતો હતો અને એ જવાબદારી બીજા પર ઢોળવાનું ટાળતો હતો. તેની કૅપ્ટન્સીમાં મને તેના સાથીઓ હળવાશ અનુભવતા જોવા મળ્યા છે, જે બહુ સારો સંકેત કહેવાય. ભેગા થઈને ઊભા હોઈએ ત્યારે કૅપ્ટન સાથીઓના ખભા પર હાથ રાખીને ઊભો હોય એમાં સાથીઓને માનસિક રીતે ઘણી રાહત મળે અને મૅચ માટેનો ઉત્સાહ પણ વધે. તે હંમેશાં સાથીઓને તેમની નૅચરલ ગેમ રમવા ઉત્તેજન આપતો હોય છે જે ટીમ માટે બહુ સારું કહેવાય.’
2
આટલા દિવસ પછી ભારત સામે શરૂ થઈ રહેલી વન-ડે સિરીઝમાં સ્ટીવ સ્મિથ જ સુકાન સંભાળશે. કમિન્સ સિડનીમાં જ રહ્યો છે. વૉર્નર અને અૅશ્ટન અૅગર ભારત પાછા આવ્યા છે.