લંચ પહેલાં અશ્વિનનો બૉલ ટ્રેવિસ હેડને ફ્રન્ટ ફુટ પર વાગ્યો ત્યારે એલબીડબ્લ્યુની અપીલ થઈ હતી

કોહલીએ અમ્પાયરને મજાકમાં કહ્યું, ‘મૈં હોતા તો આઉટ થા’
અમદાવાદમાં ગઈ કાલે ટેસ્ટના છેલ્લા દિવસે મૅચનો સુપરહીરો વિરાટ કોહલી મજાકના મૂડમાં હતો. લંચ પહેલાં અશ્વિનનો બૉલ ટ્રેવિસ હેડને ફ્રન્ટ ફુટ પર વાગ્યો ત્યારે એલબીડબ્લ્યુની અપીલ થઈ હતી. બૉલ મિડલ અને લેગ પર પડ્યો હતો. ઑન-ફીલ્ડ અમ્પાયર નીતિન મેનને હેડને નૉટઆઉટ જાહેર કર્યો હતો. બૉલ બહુ ટર્ન ન થયો હોત એવું બૉલ-ટ્રૅકરમાં બતાવાયું હતું. જોકે રોહિતે રિવ્યુ માગ્યો હતી. હેડને નૉટઆઉટ જાહેર કરાયો એ પહેલાં કોહલીએ અમ્પાયર નીતિન મેનનને ટકોર કરતાં કહ્યું હતું કે ‘મૈં હોતા તો આઉટ થા.’ કોહલી આવું બોલતાં જ મેનને સામી મજાકમાં આંગળી ઉપર કરીને તેની સાથે સહમતી દર્શાવી હતી.દિલ્હીની બીજી ટેસ્ટમાં સ્પિનર કુહનેમનના એક બૉલમાં એલબીડબ્લ્યુની અપીલ થતાં અમ્પાયર નીતિન મેનને આંગળી ઊંચી કરીને કોહલીને આઉટ જાહેર કર્યો હતો. જોકે કોહલી સંતુષ્ટ નહોતો. તેણે રિવ્યુ માગ્યો હતો અને ટીવી અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે કોહલીને આઉટ આપતાં તેની ઇનિંગ્સ ૪૪ રને પૂરી થઈ ગઈ હતી. હકીકતમાં બૉલ કોહલીના એકસાથે પૅડ-બૅટ બન્ને સાથે ટકરાયો હોવાથી બેનિફિટ ઑફ ડાઉટ બૅટરને મળવો જોઈતો હતો.