India tour of England: ઇંગ્લેન્ડની પડકારજનક પરિસ્થિતિઓમાં લાંબા બોલિંગ સ્પેલની ક્ષમતા નથી મોહમ્મદ શમીની; જસપ્રીત બુમરાહ પાંચેય ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં રહે
જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી
ભારત (India) ઇંગ્લેન્ડ (England)માં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી (India Tour Of England) સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૦૨૭ (World Test Championship – WTC, 2025-2027) ઝુંબેશ શરૂ કરવા માટે તૈયાર છે, ત્યારે ટીમના પેસ બોલિંગ વિભાગ પર એક મોટો ફટકો પડ્યો છે. અહેવાલો હવે સૂચવે છે કે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ને તેની ફિટનેસ અને ઇંગ્લેન્ડની પડકારજનક પરિસ્થિતિઓમાં લાંબા બોલિંગ સ્પેલ કરવાની ક્ષમતા અંગે ચિંતાઓને કારણે ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. આટલું જ નહીં, બીજો ઝટકો એ પણ છે કે, ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)નો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પણ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી નહીં રમી શકે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત અગરકર (Ajit Agarkar)ના નેતૃત્વ હેઠળની ભારતીય પસંદગી સમિતિ (Indian selection committee), ઝડપી બોલર મોહમ્મદ શમીને ઇંગ્લેન્ડ પ્રવાસમાં સામેલ કરવામાં ખચકાટ અનુભવી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket - BCCI)ની મેડિકલ ટીમે શમીની લાંબા ગાળાની બોલિંગ કરવાની ક્ષમતા પર ચિંતા વ્યક્ત કરી છે. લૉન્ગ બોલિંગ સ્પેલ, જે ટેસ્ટ ક્રિકેટમાં ખાસ કરીને ઇંગ્લેન્ડમાં ખૂબ જ જરૂરી છે, જ્યાં પરિસ્થિતિઓ પેસરો પાસેથી સહનશક્તિ અને સ્થિરતાની માંગ કરે છે.
ADVERTISEMENT
૩૪ વર્ષીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ વર્ષ ૨૦૨૪માં ઘૂંટીની સર્જરી કરાવી ત્યારથી તે રમતથી દૂર છે. લગભગ એક વર્ષથી તે તપાસ હેઠળ છે. જોકે તેણે આ વર્ષની શરૂઆતમાં ઇન્ડિયન પ્રિમિયમ લીગ – આઇપીએલ ૨૦૨૫ (Indian Premiere League – IPL 2025) અને મર્યાદિત આંતરરાષ્ટ્રીય મેચો દ્વારા પ્રશંસનીય પુનરાગમન કર્યું હતું, પરંતુ શંકા છે કે તે સીમ અને સ્વિંગ બોલિંગને અનુકૂળ ઇંગ્લિશ પીચો પર સતત પાંચ ટેસ્ટ મેચોના કઠિન કાર્યભારને સંભાળી શકશે કે નહીં.
ભારતીય ક્રિકેટ ટીમ માટે બીજો મોટો ઝટકો એ જ છે કે, જસપ્રીત બુમરાહ પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યો છે કે તે પાંચેય ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં, તેની ફિટનેસ અનિશ્ચિત છે. તેથી પસંદગીકારો બીજા બોલરને લેવાનું વિચારી રહ્યાં છે.
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, ‘શમી આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ફક્ત ચાર ઓવર બોલિંગ કરી રહ્યો છે. પસંદગીકારોને ખબર નથી કે તે દિવસમાં ૧૦ ઓવરથી વધુ બોલિંગ કરી શકશે કે નહીં. ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચો લાંબા ગાળાની માંગ કરે છે, અને સિલેક્ટર્સ તે જોખમ લઈ શકતા નથી.’
જો મોહમ્મદ શમી ઇંગ્લેન્ડની ટુરમાંથી બહાર જશે તો, ભારતીય પસંદગી સમિતિ ટીમમાં કોને સામેલ કરશે તે મોટો પ્રશ્ન છે. જોકે શમીની ગેરહાજરી અર્શદીપ સિંહ (Arshdeep Singh) અને અંશુલ કંબોજ (Anshul Kamboj) જેવા ઉભરતા ઝડપી બોલરો માટે દરવાજા ખુલી ગયા છે.


