ભારતની ઇંગ્લૅન્ડ-ટૂર પહેલાં અંગ્રેજ ટીમનો ટેસ્ટ-કૅપ્ટન સ્ટોક્સ કહે છે...
વિરાટ કોહલી, રોહિત શર્મા, બેન સ્ટોક્સ
ભારતીય મેન્સ ટીમની ઇંગ્લૅન્ડ-ટૂર પહેલાં ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ૩૩ વર્ષનો આ ઑલરાઉન્ડર કહે છે, ‘ભારત વિશે એક વાત એ છે કે તેમની પાસે ગુણવત્તાયુક્ત બૅટ્સમૅનની સંખ્યા વધારે છે, એ અવિશ્વસનીય છે. મેં IPLમાં ઘણો સમય વિતાવ્યો છે, એમાંથી તેમને કેટલાક મહાન બૅટ્સમેન મળ્યા છે. તમે કોઈ પણ ભારતીય ટીમને ક્યારેય હળવાશથી ન લઈ શકો, ભલે તેઓ તેમના બે મહાન બૅટ્સમેન વિના રમી રહી હોય. હું જાણું છું કે ભારતે બે મોટા પ્લેયર્સની (રોહિત શર્મા અને વિરાટ કોહલી) નિવૃત્તિનો સામનો કર્યો છે. તેઓ ભારતીય ટીમ અને એની સફળતાનો મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યા છે. શરૂઆતની ટેસ્ટ-મૅચમાં ભારત પર પ્રેશર લાવવાની જવાબદારી અમારા બોલરો પર રહેશે.’
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ૨૦ જૂનથી ચોથી ઑગસ્ટ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમાશે. ટેસ્ટ-રિટાયરમેન્ટને કારણે રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે ભારતની વાઇટ ટેસ્ટ-જર્સીમાં રમતા જોવા મળશે નહીં.
ADVERTISEMENT
ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલીને શું મેસેજ કર્યો હતો ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે?
ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા શૅર કરવામાં આવેલા વિડિયોમાં બેન સ્ટોક્સ ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલી વિશે કહે છે, ‘મેં તેને મેસેજ કર્યો કે આ વખતે તેની સામે ન રમવું શરમજનક રહેશે. મને વિરાટ સામે રમવાનું ખૂબ ગમે છે. અમે હંમેશાં આ સ્પર્ધાનો આનંદ માણ્યો છે, કારણ કે મેદાન પર અમારી માનસિકતા સમાન છે, તે એક યોદ્ધો છે. ભારતને મેદાન પર તેની લડાઈની ભાવના, તેની સ્પર્ધાત્મકતા અને જીતવાની ઇચ્છાશક્તિની ખોટ સાલશે. તેણે નંબર ૧૮ને પોતાનો બનાવ્યો છે - આપણે કદાચ બીજા કોઈ ભારતીય પ્લેયરની પાછળ એ (નંબર) ક્યારેય નહીં જોઈ શકીએ. તેની કવર-ડ્રાઇવ લાંબા સમય સુધી યાદ રહેશે.’


