બીજી વન-ડે મૅચમાં ભારત સામે ૧૨૨ રને શાનદાર જીત મેળવીને આૅસ્ટ્રેલિયન વિમેન્સ ટીમે વન-ડે સિરીઝ પર ૨-૦થી કબજો કર્યો : બે ટીમ વચ્ચેની મૅચમાં ૬૨૦ રનનો હાઇએસ્ટ વન-ડે સ્કોરનો રેકૉર્ડ પણ બન્યો
ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ
બ્રિસબેનમાં આયોજિત બીજી વન-ડેમાં ૧૨૨ રને જીત મેળવીને ઑસ્ટ્રેલિયન વિમેન્સ ટીમે ભારતીય ટીમ સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝ જીતી લીધી છે. સિરીઝમાં ૨-૦થી આગળ ચાલી રહેલી ઑસ્ટ્રેલિયન ટીમે ૮ વિકેટ ગુમાવીને ૩૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે ભારતીય ટીમ ૪૪.૫ ઓવરમાં ૨૪૯ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે સળંગ છઠ્ઠી વન-ડે મૅચ હારી છે.
ભારતીય ટીમે વન-ડે ઇતિહાસમાં કોઈ ટીમ સામે સૌથી વધુ રન આપી દીધા હોય એવો રેકૉર્ડ આ વર્ષની શરૂઆતમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જાન્યુઆરીમાં બન્યો હતો જેમાં ઑસ્ટ્રેલિયા સામે ૩૩૮ રન આપ્યા હતા, પણ ભારતીય ટીમે ગઈ કાલે પોતાનો જ રેકૉર્ડ તોડીને ૩૭૧ રન આપ્યા હતા. ૩૭૧ રનનો સ્કોર ઑસ્ટ્રેલિયાએ ભારત સામે ફટકારેલો સૌથી મોટો વન-ડે સ્કોર હતો. બન્ને ટીમના મળીને આ મૅચમાં ૬૨૦ રન બન્યા હતા. એનાથી બન્ને ટીમ વચ્ચે ડિસેમ્બર ૨૦૨૩માં વાનખેડે સ્ટેડિયમમાં બનેલો સૌથી વધુ ૫૬૭ રનનો વન-ડેનો રેકૉર્ડ પણ તૂટ્યો હતો.
ADVERTISEMENT
જ્યૉર્જિયા વૉલ અને એલિસ પેરીની સેન્ચુરીની મદદથી ઑસ્ટ્રેલિયાએ આ વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. ભારતીય ટીમની રેણુકા સિંહે ૧૦ ઓવરમાં ૭૮ રન આપીને એક વિકેટ, સાઇમા ઠાકોરે ૧૦ ઓવરમાં ૬૨ રન આપી ૩ વિકેટ, દીપ્તિ શર્માએ ૧૦ ઓવરમાં ૫૯ રન આપીને એક વિકેટ, પ્રિયા મિશ્રાએ ૧૦ ઓવરમાં ૮૮ રન આપીને એક વિકેટ, મિનુ મણિએ ૯ ઓવરમાં ૭૧ રન આપીને બે વિકેટ અને સ્મૃતિ માન્ધનાએ એક ઓવરમાં ૧૨ રન આપી દીધા હતા. ભારતીય ઇનિંગ્સમાં માત્ર વિકેટકીપર-બૅટર રિચા ઘોષ (૫૪ રન) ફિફ્ટી ફટકારી શકી હતી.
આૅસ્ટ્રેલિયન આૅલરાઉન્ડર એલિસ પેરી ૭૦૦૦ પ્લસ રન અને ૩૦૦ પ્લસ વિકેટનો રેકૉર્ડ બનાવનાર પહેલી મહિલા ક્રિકેટર બની
પ્લેયર ઑફ ધ મૅચ બનેલી ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર એલિસ પેરીએ ૭૫ બૉલમાં ૭ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૧૦૫ રન ફટકાર્યા હતા. તેણે ૭૨ બૉલમાં સેન્ચુરી ફટકારી છે જે ભારત સામે વન-ડે ફૉર્મેટમાં કોઈ પણ મહિલા પ્લેયર દ્વારા ફટકારેલી ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે. ૩૪ વર્ષની એલિસ પેરીએ વન-ડેમાં ૪૦૦૦ રન પૂરા કરવાની સાથે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૭૦૦૦ પ્લસ રન અને ૩૦૦ પ્લસ વિકેટ લેનાર પહેલી મહિલા પ્લેયર બનવાની સિદ્ધિ પણ મેળવી છે. તેણે ઑસ્ટ્રેલિયા માટે વન-ડે ઇનિંગ્સમાં સૌથી વધુ છ છગ્ગા ફટકારવાની સાથે આ ફૉર્મેટમાં ઑસ્ટ્રેલિયન ટીમ માટે સૌથી વધુ ૪૨ છગ્ગા નોંધાવવાનો પણ રેકૉર્ડ બનાવ્યો છે.

