T20 સિરીઝની કારમી હાર પછી આજથી ભારત સામે હવે ત્રણ મૅચની વન-ડે સિરીઝનો પડકાર : છેલ્લી ત્રણ વન-ડે સિરીઝ અને પાંચ વન-ડે મૅચોમાં ભારત રહ્યું છે વિજેતા, અંગ્રેજો સામે છેલ્લી વન-ડે હાર ૨૦૨૨માં આજના દિવસે જ મળી હતી
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ગુરનૂર બરાડ સહિતના સાથી ખેલાડીઓ સાથે ફુટબૉલ રમતા જોવા મળ્યા ભારતીય સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા.
પાંચ T20 મૅચની સિરીઝમાં ૦-૪ની કારમી હાર બાદ ભારત આજથી યજમાન ઇંગ્લૅન્ડ સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. ભારતીય સમય અનુસાર આજે ૧૪ જુલાઈએ બપોરે ૩.૩૦ વાગ્યે પહેલી વન-ડે મૅચ એજબૅસ્ટનમાં રમાશે. બીજી વન-ડે મૅચ કાર્ડિફમાં સાંજે ૫.૩૦ વાગ્યે રમાશે અને લૉર્ડ્સમાં ત્રીજી વન-ડે બપોરે ૩.૩૦ વાગ્યે શરૂ થશે.
બન્ને ટીમો વચ્ચે ૧૯૭૪થી બાવીસ વન-ડે સિરીઝ રમાઈ છે. ભારતે ૧૨ સિરીઝ અને ઇંગ્લૅન્ડે ૮ સિરીઝ જીતી છે. ૧૯૯૩ અને ૨૦૦૨માં રમાયેલી ૬-૬ મૅચની વન-ડે સિરીઝ ૩-૩ના સ્કોરથી ડ્રૉ રહી હતી. ઇંગ્લૅન્ડની ધરતી પર બન્ને વચ્ચે ૨૦૨૨ સુધી ૧૦ વન-ડે સિરીઝ રમાઈ છે. એમાંથી ભારત ૪ સિરીઝ અને ઇંગ્લૅન્ડ ૬ સિરીઝ જીત્યું છે.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડ ભારત સામે છેલ્લી ત્રણ વન-ડે સિરીઝમાં પરાજિત રહ્યું છે. છેલ્લે એ ૨૦૧૮માં ભારત સામે વન-ડે સિરીઝ જીતી શક્યું હતું. ૨૦૨૨ની ૧૪ જુલાઈએ ભારતને ઇંગ્લૅન્ડ સામે છેલ્લી વન-ડે
હાર લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મળી હતી. ત્યાર બાદની પાંચેય મૅચમાં ભારત વિજેતા રહ્યું હતું.
૧૯૭૪થી ૨૦૨૫ વચ્ચે ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે ૧૧૦ વન-ડે મૅચ રમાઈ હતી. એમાંથી ભારત ૬૧ મૅચ અને ઇંગ્લૅન્ડ ૪૪ મૅચમાં વિજેતા રહ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૧૧માં બૅન્ગલોર અને સપ્ટેમ્બર ૨૦૧૧માં લૉર્ડ્સમાં બન્નેની એક-એક મૅચ ટાઇ રહી હતી. ૧૯૯૬, ૨૦૦૨ અને ૨૦૧૧માં એક-એક મૅચ વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી.
એજબૅસ્ટનમાં બન્ને ટીમની જીતવાની ટકાવારી સમાન ૬૬.૬૬ ટકા રહી છે
પહેલી મૅચ એજબૅસ્ટનના મેદાન પર રમાશે. અહીં ભારત ૧૯૭૯થી ૨૦૧૯ વચ્ચે ૧૨ વન-ડે મૅચમાંથી ૮ મૅચ જીત્યું છે અને ૪ મૅચમાં હાર મળી છે. ઇંગ્લૅન્ડને અહીં ૧૯૭૨થી ૨૦૨૫ વચ્ચે ૪૨ વન-ડે મૅચમાંથી ૨૬ મૅચમાં જીત અને ૧૩ મૅચમાં હાર મળી છે. બન્ને એકબીજા સામે અહીં પાંચ મૅચ રમ્યા છે એમાંથી ભારત ત્રણ અને ઇંગ્લૅન્ડ બે મૅચ જીત્યું છે. ત્રણ મૅચો નો-રિઝલ્ટ પણ રહી હતી. આ મેદાન પર બન્ને ટીમની જીતની ટકાવારી એક જેવી ૬૬.૬૬ ટકા રહી છે. અહીં વન-ડે મૅચો રમનાર ૧૩ ટીમો વચ્ચે આ સૌથી સારી જીતની ટકાવારી છે. ઇંગ્લૅન્ડ અહીં ૭ વન-ડે મૅચથી અજેય છે. તેમને છેલ્લી હાર સપ્ટેમ્બર ૨૦૧૪માં ભારત સામે જ મળી હતી.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૧૧૦ |
|
ભારતની જીત |
૬૧ |
|
ઇંગ્લૅન્ડની જીત |
૪૪ |
|
ટાઇ મૅચ |
૨ |
|
નો-રિઝલ્ટ |
૩ |
શુભમન ગિલ અને હૅરી બ્રૂકનો વન-ડે કૅપ્ટન્સીનો રેકૉર્ડ કેવો રહ્યો છે?
૨૦૨૫-’૨૬ વચ્ચે શુભમન ગિલની આગેવાનીમાં ભારત ૯ વન-ડે મૅચમાંથી પાંચમા જીત્યું છે અને ૪ મૅચમાં હાર મળી છે. તેની કૅપ્ટન્સીમાં ભારત ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ સામે હાર્યું હતું અને અફઘાનિસ્તાન સામે પહેલી સિરીઝ જીતી હતી.
૨૦૨૪થી ૨૦૨૬ વચ્ચે હૅરી બ્રૂકની કૅપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડે ૧૭માંથી ૮ વન-ડે મૅચમાં જીત મેળવી છે જ્યારે ૯ મૅચમાં હાર મળી છે. રેગ્યુલર કૅપ્ટન તરીકે તેણે વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામેની બન્ને વન-ડે સિરીઝમાં ટીમને જીત અપાવી હતી.
