Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચિક્કાર ગિરદીમાં લોકલમાં AC બંધ; એક મહિલા બેભાન, એક પૅસેન્જર હૉસ્પિટલમાં

ચિક્કાર ગિરદીમાં લોકલમાં AC બંધ; એક મહિલા બેભાન, એક પૅસેન્જર હૉસ્પિટલમાં

Published : 14 July, 2026 07:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટિટવાલાથી CSMT જતી લોકલની ઘટનાઃ અનેક મુસાફરોને શ્વાસ લેવામાં થઈ તકલીફ, ઘણા મુસાફરો મુલુંડ ઊતરી ગયા : મુલુંડ-કુર્લા વચ્ચે ટ્રેન ખુલ્લા દરવાજા સાથે દોડી, અન્ય ટ્રેનો મોડી પડી

ટ્રેનનું AC બગડી જવાથી મુસાફરોને ગભરામણ થવા માંડી હતી એટલે સાથી પૅસેન્જરોએ તેમને મદદ કરી હતી.

ટ્રેનનું AC બગડી જવાથી મુસાફરોને ગભરામણ થવા માંડી હતી એટલે સાથી પૅસેન્જરોએ તેમને મદદ કરી હતી.


સેન્ટ્રલ રેલવેમાં ગઈ કાલે અઠવાડિયાના પહેલા જ વર્કિંગ ડેએ પીક અવર્સમાં ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેનની કૂલિંગ સિસ્ટમમાં ફૉલ્ટ આવતાં AC બંધ થઈ ગયું હતું. એને કારણે મુસાફરોએ હેરાનગતિ ભોગવવી પડી હતી એટલું જ નહીં; એક મહિલા તો બેભાન થઈ ગઈ હતી, જ્યારે અન્ય એક મુસાફરને હૉસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો.

સવારે ૮.૩૩ વાગ્યાની ટિટવાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જતી AC લોકલ મુલુંડ સ્ટેશન પહોંચે એ પહેલાં ચાલુ ટ્રેનમાં એની કૂલિંગ સિસ્ટમમાં ફૉલ્ટ આવતાં કૂલિંગ બંધ થઈ ગયું હતું. એક તો સવારનો પીક અવર્સનો સમય હોવાથી AC ટ્રેન હોવા છતાં ટ્રેનમાં સખત ભીડ હતી. વળી AC ટ્રેન હોવાથી એના દરવાજા લૉક હતા. એથી હવાની અવરજવર અટકી ગઈ હતી અને ભીડને કારણે લોકોને ગભરામણ થવા માંડી હતી. ટ્રેનની અંદરનું ટેમ્પરેચર વધવા માંડ્યું હતું. ૧૫ મિનિટ સુધી આવી પરિસ્થિતિ રહી હતી જેને કારણે અનેક મુસાફરોને ગભરામણ થઈ હતી.



૩ પ્રવાસીઓને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ પડી હતી. એક મહિલા બેભાન થઈ ગઈ હતી. એ પછી મુલુંડ સ્ટેશન પર દરવાજા ખોલવામાં આવતાં ઘણા પૅસેન્જરો મુલુડમાં જ પ્લૅટફૉર્મ પર ઊતરી ગયા હતા. ફહીમ અન્સારી નામના પૅસેન્જરને તકલીફ વધી જતાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવો પડ્યો હતો, જ્યારે બેભાન થઈ ગયેલી એક મહિલાને અન્ય લોકોએ મદદ કરીને પ્લૅટફૉર્મ પર ઉતારીને તેને પાણી પીવડાવ્યું હતું અને હવા નાખતાં તે રિકવર થઈ ગઈ હતી. એ જ રીતે બીજી પૅસેન્જરને પણ ખુલ્લી હવા મળતાં તે પણ રિકવર થઈ ગઈ હતી. લોકોએ તેને પણ પાણી પીવડાવ્યું હતું અને કપાળ પર ભીનો રૂમાલ મૂક્યો હતો. એક વ્યક્તિએ તેની બૅગપૅકમાંથી ફાઇલ ફોલ્ડર કાઢી એનો પંખો બનાવીને તેને હવા નાખી હતી.  


ત્યાર બાદ ટ્રેન આગળ કુર્લા સુધી દરવાજા ખુલ્લા રાખીને દોડાવવામાં આવી હતી. જોકે એ પછી એ કુર્લામાં જ ટર્મિનેટ કરી દેવાઈ હતી. એ પછી એને ACનો ફૉલ્ટ રિપેર કરવા વર્કશૉપમાં મોકલી દેવાઈ હતી. જોકે આ AC ટ્રેનની તકલીફને કારણે એની પાછળ એ જ ટ્રૅક પર આવેલી ટ્રેનો મોડી પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK