વેસ્ટ ઇન્ડીઝના ૧૯૭ રનના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડ ૧૬૬ રને આૅલઆઉટ થઈને ૩૦ રને હાર્યું
વેસ્ટ ઇન્ડીઝના શફેન રધરફોર્ડે ૭ સિક્સ અને બે ફોરની મદદથી ૪૨ બૉલમાં નૉટઆઉટ ૭૬ રન ફટકાર્યા હતા.
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે સાંજે નંબર થ્રી ટીમ ઇંગ્લૅન્ડ સામે નંબર સાત ટીમ વેસ્ટ ઇન્ડીઝે ૩૦ રને જીત મેળવી હતી. વેસ્ટ ઇન્ડીઝે શફેન રધરફોર્ડની શાનદાર ફિફ્ટીના આધારે ૬ વિકેટે ૧૯૬ રન ફટકાર્યા હતા. ઇંગ્લૅન્ડની ટીમ જવાબમાં ૧૯ ઓવરમાં ૧૬૬ રને ઑલઆઉટ થઈ હતી. કૅરિબિયન ટીમ સતત બીજી જીત સાથે ગ્રુપ Cમાં પહેલા ક્રમની ટીમ બની છે. મુંબઈમાં નેપાલ સામે માંડ-માંડ જીતનાર ઇંગ્લૅન્ડ પહેલી મૅચ હાર્યું છે. ૨૦૧૬ બાદ T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ ઇંગ્લૅન્ડ સામે મૅચ જીત્યું છે.
પાંચમા ક્રમે રમીને શફેન રધરફોર્ડે ૧૮૦.૯૫ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરીને મોટી ઇનિંગ્સ રમી હતી. તેણે ૭ સિક્સ અને બે ફોરની મદદથી ૪૨ બૉલમાં નૉટઆઉટ ૭૬ રન ખડકી દીધા હતા. રૉસ્ટન ચેઝે ૩૪ રન અને જેસન હોલ્ડરે ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લૅન્ડના સ્પિનર આદિલ રાશિદ અને પેસ બોલર જેમી ઓવરટને ૨-૨ વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT

કૉમેન્ટેટર ઇયાન બિશપ વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે બાઉન્ડરી લાઇન પાસે સૂઈને અનોખા અંદાજમાં ઝાકળ માટે રિપોર્ટિંગ આપતો જોવા મળ્યો હતો
ઇંગ્લૅન્ડ માટે રન-ચેઝ દરમ્યાન સૅમ કરૅને ૩૦ બૉલમાં ૩ ફોર અને ૨ સિક્સના આધારે ૪૩ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ફિલ સૉલ્ટે ૩૦ અને જેકબ બેથલે ૩૩ રન ફટકાર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર્સ ગુડાકેશ મોતીએ ૩ વિકેટ અને રૉસ્ટન ચેઝે બે વિકેટ લઈને મૅચની દિશા બદલી દીધી હતી.


