સરકારી બૅન્કો, સ્કૂલો, કૉલેજોમાં કામકાજ ખોરવાશે; ખાનગી બૅન્કો ચાલુ રહેશે
પ્રતીકાત્મક તસવીર
આજે ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન ખોરવાઈ જવાની ધારણા છે. સરકારી નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ-યુનિયનો, ખેડૂત-સંગઠનો અને અનેક સામાજિક સંગઠનોએ આ હડતાળને ટેકો આપ્યો છે. આ હડતાળ લેબર કોડ વિરુદ્ધ કરવામાં આવી રહી છે, જેને કર્મચારી સંગઠનો અધિકારોને નબળા પાડવાનો દાવો કરે છે. ભારત બંધના આહ્વાન સાથે મનરેગાને પુનઃ સ્થાપિત કરવાની અને વિકસિત ભારત જી-રામ જી બિલને રદ કરવાની માગણી છે. ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉન્ગ્રેસના મહાસચિવ અમરજિત કૌરે કહ્યું હતું કે ૧૦ કર્મચારી સંગઠનો અને ૩૦ કરોડ કામદારો આ હડતાળમાં ભાગ લેશે.
આજના બંધને કારણે બૅન્કિંગ સેવાઓ, જાહેર પરિવહન અને સરકારી કચેરીઓ આંશિક રીતે ખોરવાઈ શકે છે. ભારત બંધની અસર ખાસ કરીને મોટાં શહેરોમાં અનુભવાય એવી શક્યતા છે; જ્યાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ પ્રભાવિત થવાની ધારણા છે. ઘણાં રાજ્યોમાં ખાનગી શાળાઓ અને કૉલેજો પણ સાવચેતીના પગલા તરીકે બંધ રાખવાનો નિર્ણય લઈ શકે છે, જ્યારે કેટલીક જગ્યાએ ઑનલાઇન વર્ગો અપનાવવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ભારત બંધ દરમ્યાન દેશભરમાં બૅન્કિંગ સેવાઓ, શાળાઓ અને કૉલેજો અને પરિવહન પ્રભાવિત થશે. આ હડતાળમાં ૬૦૦થી વધુ જિલ્લાઓમાં બૅન્કો, સરકારી કચેરીઓ, પરિવહન વગેરેમાં કામકાજ પ્રભાવિત થશે. ભારત બંધમાં SBI, PNB, કૅનેરા બૅન્ક વગેરે જેવી જાહેર ક્ષેત્રની બૅન્કો કાર્યરત નહીં રહે. બૅન્કોમાં ચેક ક્લિયરન્સ અને ડ્રાફ્ટ બનાવવામાં સમસ્યાઓ આવી શકે છે. ફક્ત બૅન્કિંગ સેવાઓ જ નહીં, પરંતુ સરકારી કચેરીઓમાં પણ કામકાજ પ્રભાવિત થઈ શકે છે. ઘણાં રાજ્યોમાં, પરિવહન સેવાઓ અને બજારો પણ પ્રભાવિત થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં શાળાઓ અને કૉલેજો બંધ રહી શકે છે. જોકે ખાનગી ક્ષેત્રની બૅન્કો ખુલ્લી રહેશે. ખાનગી કંપનીઓની ઑફિસો ખુલ્લી રહેશે.


