Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૩ વર્ષ, ૧૧ મહિના, ૫ દિવસ : BMCમાં અત્યાર સુધીનું સૌથી લાંબું વહીવટી-શાસન સમાપ્ત

૩ વર્ષ, ૧૧ મહિના, ૫ દિવસ : BMCમાં અત્યાર સુધીનું સૌથી લાંબું વહીવટી-શાસન સમાપ્ત

Published : 12 February, 2026 05:47 AM | Modified : 12 February, 2026 08:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇતિહાસમાં લગભગ ૪ વર્ષ સુધી ચાલેલા સૌથી લાંબા વહીવટી-શાસનનો બુધવારે મેયરની ચૂંટણી બાદ અંત આવ્યો છે.

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇતિહાસમાં લગભગ ૪ વર્ષ સુધી ચાલેલા સૌથી લાંબા વહીવટી-શાસનનો બુધવારે મેયરની ચૂંટણી બાદ અંત આવ્યો છે. ૨૦૧૭માં ચૂંટાયેલા કૉર્પોરેટરોનો કાર્યકાળ ૨૦૨૨ની ૭ માર્ચે પૂરો થયા પછી એક ઍડ્‍મિનિસ્ટ્રેટરની નિમણૂક કરવામાં આવી હતી. ૨૦૨૨ના માર્ચમાં તત્કાલીન BMC કમિશનર ઇકબાલ સિંહ ચહલને ઍડ્‍મિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની બદલી થયા પછી વર્તમાન મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ ચાર્જ સંભાળ્યો હતો.

બુધવારે બપોરે ૨૨૭ સભ્યોનું નવું BMC હાઉસ અસ્તિત્વમાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટી (BJP)નાં કૉર્પોરેટર રિતુ તાવડે મુંબઈનાં ૭૮મા મેયર તરીકે ચૂંટાયાં ત્યારે ૩ વર્ષ, ૧૧ મહિના અને ૫ દિવસનું વહીવટી-શાસન પૂરું થયું. આટલા લાંબા સમય સુધી BMCમાં વહીવટી-શાસન ક્યારેય રહ્યું નથી. અગાઉ રાજ્ય સરકારે ૧૯૮૪ની પહેલી એપ્રિલે ઍડ્‍મિનિસ્ટ્રેટરની નિમણૂક કરી હતી ત્યારે  વહીવટી-શાસન એક વર્ષથી થોડું વધારે ચાલ્યું અને ૧૯૮૫ની ૧૦ મેએ પૂરું થયું હતું.



મેયર રિતુ તાવડેએ પહેલા ભાષણમાં કહ્યું...મુંબઈની મરાઠી મેયર તરીકે તમારી સામે ઊભી છું


‘આદરણીય વડા પ્રધાન નરેન્દ્રજી મોદી દ્વારા આપવામાં આવેલા મંત્ર અનુસાર હું શપથ લઉં છું કે મુંબઈના પ્રથમ નાગરિક તરીકે હું પ્રથમ સેવક તરીકે કામ કરીશ.’ આ વચન આપતાં રિતુ તાવડેએ તેમના ભાષણમાં પારદર્શક અને સિટિઝન-સેન્ટ્રિક ગવર્નન્સ, સ્વચ્છતા, સલામતી, મહિલા સશક્તીકરણ, યુવા રોજગાર, વરિષ્ઠ નાગરિકોની સંભાળ અને ડિજિટલ, AI-સંચાલિત વહીવટને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું હતું. રિતુ તાવડેએ મુંબઈનાં મેયર તરીકેના તેમના પ્રથમ ભાષણની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવાર, BJPના વરિષ્ઠ નેતાઓ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓનો આભાર માન્યો હતો. પોતાને મરાઠી મેયર તરીકે ઓળખાવતાં રિતુ તાવડેએ ઉમેર્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસે મુંબઈને મરાઠી મેયર આપવાનું વચન પૂરું કર્યું અને આજે હું આ ઐતિહાસિક હૉલમાં મરાઠી મેયર તરીકે તમારા બધાની સામે ઊભી છું.

મુંબઈનાં ૭૮મા મેયર તરીકે રિતુ તાવડે અને ડેપ્યુટી મેયર તરીકે સંજય ઘાડીએ શપથ લીધા


૪૪ વર્ષ બાદ BMCમાં BJPના મેયરની વરણી, પ્રથમ નાગરિક તરીકે પ્રથમ સેવક બનીને કામ કરવાનું વચન

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નાં ૭૮મા મેયર તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP)નાં કૉર્પોરેટર રિતુ તાવડેએ શપથ લીધા હતા, જ્યારે શિવસેનાના સંજય ઘાડીએ ડેપ્યુટી મેયર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. BMCની જનરલ બૉડીની ખાસ બેઠકમાં બન્ને બિનહરીફ ચૂંટાયાં હતાં. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ સમારોહ દરમ્યાન હાજર રહ્યા હતા. તેમણે નવાં ચૂંટાયેલાં મેયર અને ડેપ્યુટી મેયરને અભિનંદન આપ્યાં હતાં. રિતુ તાવડે વૉર્ડ-નંબર ૧૩૨નાં કૉર્પોરેટર છે, જ્યારે સંજય ઘાડી વૉર્ડ-નંબર પાંચમાંથી ચૂંટાયા હતા. જનરલ બૉડીની ગેરહાજરીમાં BMCના કમિશનર ભૂષણ ગગરાણી ૨૦૨૨ના માર્ચ મહિનાથી BMCનું કામકાજ સંભાળતા હતા. ભૂષણ ગગરાણીએ પ્રિસાઇડિંગ ઑફિસર તરીકે BMCના કમિટી હૉલમાં ચૂંટણી-પ્રક્રિયા હાથ ધરી હતી. BJP અને શિવસેનાના કૉર્પોરેટરો BMC હેડક્વૉર્ટર પહોંચ્યા એ પહેલાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે હુતાત્મા ચોકમાં એકઠા થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK