દુબઈમાં જ તમામ મૅચ હોવાથી ભારતે નહીંવત્, જ્યારે કિવી ટીમે બે દેશ વચ્ચે ૭૦૦૦ પ્લસ કિલોમીટરની મુસાફરી કરવી પડી
ભારતનો કૅપ્ટન રોહિત શર્મા, ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની તમામ ટીમોની હવાઈ મુસાફરીને લઈને કેટલાક રસપ્રદ આંકડા સામે આવી રહ્યા છે. અહેવાલ અનુસાર ફાઇનલ મૅચ સુધીમાં કિવી ટીમે આ ટુર્નામેન્ટમાં ૭૦૦૦ પ્લસ કિલોમીટરની
મુસાફરી કરી છે, જ્યારે તમામ મૅચ દુબઈમાં હોવાથી ભારતે સૌથી ઓછી મુસાફરી કરી છે. કિવી ટીમે પહેલી મૅચ કરાચી, બીજી મૅચ રાવલપિંડી, ત્રીજી મૅચ દુબઈ, સેમી-ફાઇનલ મૅચ લાહોર અને ફાઇનલ મૅચ માટે દુબઈની મુસાફરી કરી એ દરમ્યાન સૌથી વધારે ૭૦૪૮ કિલોમીટરની મુસાફરી કરી છે એટલે કે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મૅચ સૌથી ઓછી અને સૌથી વધારે મુસાફરી કરનારી ટીમ વચ્ચે રમાવાની છે.
અન્ય ટીમોની વાત કરીએ તો સૌથી વધુ મુસાફરીમાં સાઉથ આફ્રિકા (૩૨૮૬ કિલોમીટર) બીજા ક્રમે છે; જેણે પહેલી મૅચ કરાચીમાં, બીજી મૅચ રાવલપિંડીમાં, ત્રીજી મૅચ કરાચીમાં રમ્યા બાદ ભારત સામે સેમી-ફાઇનલની અપેક્ષા રાખીને દુબઈની મુસાફરી કરી હતી પણ પછી બીજી સેમી-ફાઇનલ માટે લાહોર આવવું પડ્યું હતું. એક પણ મૅચ ન જીતનારી યજમાન ટીમ પાકિસ્તાને પહેલી મૅચ કરાચી, બીજી મૅચ દુબઈ અને ત્રીજી મૅચ રાવલપિંડી માટે ઑલમોસ્ટ ૩૧૩૩ કિલોમીટરનું અંતર કાપ્યું છે.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાએ લાહોર, રાવલપિંડી, લાહોર અને દુબઈ આમ સેમી-ફાઇનલ મૅચ સુધી ૨૫૦૯ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. બંગલાદેશની ટીમે દુબઈમાં ભારત સામે શરૂઆત કરીને રાવલપિંડીમાં બાકીની બે મૅચ માટે મુસાફરી કરી હતી જેમાં એણે ૧૯૫૩ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. અફઘાનિસ્તાન અને ઇંગ્લૅન્ડની ટીમે લાહોર-કરાચીમાં તમામ મૅચ રમીને ૧૦૨૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
ICC વન-ડે ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનાર પહેલો સ્પિનર કૅપ્ટન બન્યો મિચલ સૅન્ટનર
૩૩ વર્ષના કિવી ટીમના કૅપ્ટન મિચલ સૅન્ટનરે કૅપ્ટન તરીકે પોતાની પહેલી ICC ઇવેન્ટમાં જ ટીમને ફાઇનલ સુધી પહોંચાડી દીધી છે. તે ICCની વન-ડે ઇવેન્ટમાં ફાઇનલ સુધી પહોંચનાર પહેલો સ્પિન બોલિંગ કૅપ્ટન બની ગયો છે. પોતાને પાર્ટ-ટાઇમ ક્રિકેટર અને ફુલ-ટાઇમ ગૉલ્ફર ગણાવતાં સૅન્ટનરે આ ટુર્નામેન્ટની એક સીઝનમાં સાત વિકેટ લઈને એક કૅપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લેનાર પોતાના જ દેશના ડેનિયલ વેટોરીના રેકૉર્ડની બરાબરી કરી છે. તેઓ સંયુક્ત રીતે બીજા ક્રમે છે. કિવી ટીમ ૨૦૦૯ બાદ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે.
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 દરમ્યાન તમામ ટીમોએ કરેલી મુસાફરી |
|
ન્યુ ઝીલૅન્ડ |
૭૦૪૮ કિલોમીટર |
સાઉથ આફ્રિકા |
૩૨૮૬ કિલોમીટર |
પાકિસ્તાન |
૩૧૩૩ કિલોમીટર |
ઑસ્ટ્રેલિયા |
૨૫૦૯ કિલોમીટર |
બંગલાદેશ |
૧૯૫૩ કિલોમીટર |
અફઘાનિસ્તાન |
૧૦૨૦ કિલોમીટર |
ઇંગ્લૅન્ડ |
૧૦૨૦ કિલોમીટર |
કેન વિલિયમસને કરી અનોખી હૅટ-ટ્રિક
ગઈ કાલની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી કેન વિલિયમસન (૫૩૪ રન) ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ૫૦૦ પ્લસ રન કરનાર પહેલો કિવી બૅટર બન્યો છે. એની સાથે જ તે સાઉથ આફ્રિકા સામે વન-ડેમાં હૅટ-ટ્રિક સેન્ચુરી કરનાર પહેલવહેલો ક્રિકેટર બન્યો છે. છેલ્લાં છ વર્ષમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ વન-ડે રમ્યો છે અને ત્રણેયમાં શાનદાર સેન્ચુરી કરી છે. કિવી ટીમ તરફથી પહેલી વાર કોઈ બૅટરે વન-ડેમાં એક ટીમ સામે આ સિદ્ધિ મેળવી છે.
જાન્યુઆરી ૨૦૧૯ : ૧૩૮ બૉલમાં ૧૦૬ રન અણનમ
ફેબ્રુઆરી ૨૦૨૫ : ૧૧૩ બૉલમાં ૧૩૩ રન અણનમ
માર્ચ ૨૦૨૫ : ૯૪ બૉલમાં ૧૦૨ રન

