ઘરમાં વપરાતાં સિલિન્ડરની અછત નથી એમ જણાવીને કહ્યું કે સોશ્યલ મીડિયા પર ફેલાતી ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી પર કાર્યવાહી કરવામાં આવશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
યુદ્ધના સંકટ વચ્ચે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નો અવિરત પુરવઠો યોગ્ય રીતે મળતો રહે એ માટે મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે એણે કન્ટ્રોલ-રૂમ અને જિલ્લાસ્તરે સમિતિઓની સ્થાપના કરી છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘરમાં વપરાતા LPGની કોઈ અછત નથી. ફૂડ સિવિલ સપ્લાય ઍન્ડ કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટના ઍડિશનલ ચીફ સેક્રેટરી અનિલ દિગ્ગીકરે અધિકારીઓને પુરવઠો જાળવવા અને રાજ્યભરમાં LPG વિતરણ પર નજીકથી નજર રાખવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
મુંબઈ-થાણે રૅશનિંગ વિસ્તારમાં રૅશનિંગ નિયંત્રક હેઠળ એક અલગ સમિતિ કાર્ય કરશે જેમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અને ડેપ્યુટી કન્ટ્રોલર (રૅશનિંગ)નો સમાવેશ થાય છે. સરકારે કહ્યું હતું કે હૉસ્પિટલો, સરકારી હૉસ્ટેલ, સરકારી શાળા અને કૉલેજ મેસ સુવિધાઓ, મધ્યાહ્ન ભોજન યોજના અને આશ્રમશાળાઓ જેવી આવશ્યક સેવાઓને LPG સિલિન્ડરનો પ્રાથમિક પુરવઠો આપવામાં આવશે. અધિકારીઓને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં ધોરણોનું પાલન કરીને કોલસો અથવા કેરોસીન જેવા વૈકલ્પિક ઈંધણના ઉપયોગની તપાસ કરવા પણ કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
રાજ્યે ગૅસ સપ્લાય અંગેની અફવાઓને રોકવા માટે અધિકારીઓને રેડિયો, FM ચૅનલો, ટેલિવિઝન અને પ્રિન્ટ મીડિયા દ્વારા દૈનિક માહિતી ફેલાવવાનો નિર્દેશ આપ્યો છે અને ઉમેર્યું છે કે સોશ્યલ મીડિયા પર ફેલાતી ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેલ કંપનીઓને તકનીકી સમસ્યાઓ ઉકેલવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ગૅસ-બુકિંગ ઍપ્સ અને મિસ્ડ-કૉલ સેવાઓ સંબંધિત રાજ્ય, વિભાગીય, જિલ્લા અને તાલુકા સ્તરે કન્ટ્રોલ-રૂમ કાર્યરત રહેશે અને ફરિયાદ નિવારણ માટે વૉટ્સઍપ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
LPG, PNG, પેટ્રોલ, ડીઝલનો પૂરતો સ્ટૉક : રાજ્ય સરકાર
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યની સરેરાશ દૈનિક LPG ડિમાન્ડ લગભગ ૯૦૦૦ ટન હતી, જ્યારે ડિમાન્ડને પહોંચી વળવા માટે રિફાઇનરીઓમાં ઉત્પાદન છેલ્લા બે દિવસમાં વધારીને લગભગ ૧૧,૦૦૦ ટન પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ઘરમાં ઉપયોગમાં લેવાતા પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG)નો પૂરતો સ્ટૉક ઉપલબ્ધ છે અને રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો ભંડાર પણ છે, બજારની ડિમાન્ડને પહોંચી વળવા માટે રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે જે દરરોજ આશરે ૧૫,૦૦૦ કિલોલીટર પેટ્રોલ અને ૩૮,૦૦૦ કિલોલીટર ડીઝલનું ઉત્પાદન કરે છે. સરકારે નાગરિકોને ઈંધણના પુરવઠા અંગે ગભરાટ ન કરવા જણાવ્યું છે. બધી જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે એની ખાતરી રાખવી એમ સરકારે જણાવ્યું છે.
