૮ પોલીસ-સ્ટેશનને સમાવતા મુંબઈના ઝોન સાતની પોલીસને મળી મોટી સફળતા: ગુમ કે ચોરી થયેલી દોઢ કરોડ રૂપિયાથીયે વધુની માલમતા ૫૦૦ લોકોને પાછી આપી
ગઈ કાલે આશરે પાંચ લાખ રૂપિયાના ચોરાયેલા દાગીના પોલીસ પાસેથી પાછા મેળવતાં ઘાટકોપરમાં રહેતાં ઈશા જોશી અને પોલીસે કરેલી મોબાઇલની રિકવરી.
મુંબઈ પોલીસના ઝોન ૭ હેઠળ આવતાં ૮ પોલીસ-સ્ટેશનો દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુમ અને ચોરી થયેલી માલમતામાંથી કુલ ૧,૬૩,૦૫,૦૦૦ રૂપિયાની વસ્તુઓ એના મૂળ માલિકોને પાછી આપવામાં આવી હતી. આ માલમતામાં ૧૦૮૭ મોબાઇલ ફોન, ૨૩ તોલા સોનું તેમ જ રોકડ રકમનો સમાવેશ થાય છે. મુલુંડ-વેસ્ટના વિકાસ સેન્ટરમાં આવેલા ધ ક્રાઉન બૅન્ક્વેટ હૉલમાં ગઈ કાલે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન આશરે ૫૦૦ જેટલા ફરિયાદીઓને તેમની ચોરાયેલી અને ખોવાયેલી વસ્તુઓ પાછી આપવામાં આવી હતી. અગાઉનાં વર્ષોમાં મોબાઇલચોરી અને ગુમ થયેલા મોબાઇલ શોધવામાં પોલીસનો રિકવરી-રેશિયો માત્ર પચીસ ટકા હતો, જે આ વર્ષે વધીને લગભગ બાવન ટકા થયો છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વસ્તુ ખોવાય કે ચોરી થાય ત્યારે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવી જરૂરી છે. નોંધનીય છે કે ઝોન સાતનાં તમામ પોલીસ-સ્ટેશનોમાં ઘાટકોપર અને પંતનગર પોલીસ-સ્ટેશનનો રિકવરી-રેશિયો સૌથી વધુ રહ્યો છે. માત્ર ઘાટકોપર પોલીસ-સ્ટેશન હેઠળ ૪૫ લાખ રૂપિયાના ૩૦૦ મોબાઇલ મૂળ ફરિયાદીઓને પાછા આપવામાં આવ્યા હતા, જ્યારે પંતનગર પોલીસ-સ્ટેશન દ્વારા ૩૩ લાખ રૂપિયાના ૨૨૨ મોબાઇલ એના માલિકોને પાછા સોંપવામાં આવ્યા હતા.
મુંબઈના ઈસ્ટ ઝોનના ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ મહેશ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ચોરાયેલી અથવા ખોવાયેલી વસ્તુ શોધવા માટે ઝોન સાતમાં આવતાં ઘાટકોપર, પંતનગર, પાર્કસાઇટ, વિક્રોલી, કાંજુરમાર્ગ, ભાંડુપ, નવઘર અને મુલુંડ પોલીસ-સ્ટેશનોમાં એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે જે માત્ર આવા કેસો પર ધ્યાન આપીને નાગરિકોને ન્યાય અપાવવાની કોશિશ કરતી હોય છે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો એની તાત્કાલિક ફરિયાદ નજીકના પોલીસ-સ્ટેશનમાં જઈને કરો જેથી તમારી ખોવાયેલી અથવા ચોરાયેલી વસ્તુ અમે શોધી શકીએ. અમુક સમયે મોબાઇલચોરીમાં નાગરિકો ફરિયાદ કરવાનું જરૂરી નથી સમજતા, પણ ઘણી વખત ચોરાયેલા અથવા ખોવાયેલા મોબાઇલનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં પણ થઈ શકે છે.’
