એશિયા કપમાં શુભમન ગિલના વાઇસ-કૅપ્ટન તરીકેના પ્રમોશનને વધાવતાં ગાવસકરે કહ્યું...
શુભમન ગિલ
મંગળવારે આગામી એશિયા કપ માટેની ભારતીય મેન્સ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. શ્રેયસ ઐયર અને યશસ્વી જાયસવાલની બાદબાકી અને શુભમન ગિલને વાઇસ કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો એ વિશે સૌથી વધુ ચર્ચા જોવા મળી હતી.
ઘણાને વાઇસ કૅપ્ટનપદેથી અક્ષર પટેલને હટાવવાનું પસંદ નહોતું પડ્યું, પણ અનેક દિગ્ગજોએ ૨૫ વર્ષના યુવા શુભમન ગિલની વાઇસ કૅપ્ટન તરીકેની નિયુક્તિને વધાવી હતી અને આને ભવિષ્યમાં ત્રણેય ફૉર્મેટની કમાન તેને સોંપવા તરફનું પગલું ગણાવ્યું હતું. સુનીલ ગાવસકરે આ બાબતે કહ્યું હતું કે ‘હજી બે-એક અઠવાડિયાં પહેલાં જ તેણે ૭૫૦+ જેટલા રન બનાવ્યા છે. તમે આવું ફૉર્મ ધરાવતા ખેલાડીની અવગણના ન કરી શકો. તેને વાઇસ કૅપ્ટન તરીકે નિયુક્ત કરીને તેને કહી દેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં તેણે T20 ટીમને પણ લીડ કરવાની છે. મને લાગે છે કે આ ખૂબ જ સારો નિર્ણય છે.’
ADVERTISEMENT
ગયા વર્ષે T20 ચૅમ્પિયન બન્યા બાદ શુભમન ગિલના નેતૃત્વમાં બીજા દરજ્જાના ખેલાડીઓ સાથે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેમાં સિરીઝ રમવા ગઈ હતી. ગાવસકરે એ સિરીઝમાં ગિલના ખેલાડી અને કૅપ્ટન તરીકના પર્ફોર્મન્સને યાદ કરીને વધુમાં કહ્યું હતું કે ’ઝિમ્બાબ્વે બાદ તેણે ઇંગ્લૅન્ડમાં પણ બધાને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. ટેસ્ટમાં પહેલી વાર ટીમનું નેતૃત્વ કરતાં તેણે ૭૫૦થી વધુ રન બનાવીને સાબિત કરી દીધું હતું કે તે પ્રેશરને સારી રીતે હૅન્ડલ કરી શકે છે. આ વાઇસ કૅપ્ટન્સી એ એક સ્પષ્ટ નિર્દેશ છે કે ભવિષ્યમાં ટીમની કમાન તેને સોંપવાનું નક્કી થઈ ચૂક્યું છે.’
ભારતીય ટેસ્ટ કૅપ્ટન ગિલ છેલ્લી T20 ઇન્ટરનેશનલ મૅચ જૂન ૨૦૨૪માં રમ્યો હતો અને હવે વાઇસ કૅપ્ટન બનીને ટીમમાં પાછો ફર્યો છે.
જાયસવાલ-ઐયરની અવગણનાની ચર્ચા નિરર્થક : ગાવસકર
સુનીલ ગાવસકરે શ્રેયસ ઐયર અને યશસ્વી જાયસવાલની અવગણના વિશે મત આપતાં કહ્યું હતું કે ‘તમે ટીમમાં ૧૧ અને સ્કોડમાં ફક્ત ૧૫ ખેલાડીનો જ સમાવેશ કરી શકો. આથી કોઈક તો ટીમની બહાર રહી જ જવાનું છે. આથી અમુકને લેવો જોઈતો હતો અને અમુકને નહોતો લેવો જોઈતોની ચર્ચા નિરર્થક છે. હવે આ આપણી ટીમ છે. આપણે ટીમ-સિલેક્શન પહેલાં આપણો મત વ્યક્ત કરી શકીએ, પણ એક વાર ટીમ સિલેક્ટ થઈ જાય પછી આપણે એ ટીમને ફુલ સપોર્ટ કરવો જોઈએ. આપણે આને લેવાે જોઈતો હતો અને તેને નહોતો લેવો જોઈતો એવી ચર્ચા કરીને ખોટા વિવાદો ઊભા કરીએ છીએ એ ખેલાડીઓ નથી ઇચ્છતા.’


