પાર્થ પવાર અને જય પવાર બન્નેના માર્ગ જુદા
અજિત પવાર પરિવાર સાથે
અજિત પવારના મૃત્યુ પછી ધ્યાન તેમના પરિવાર તરફ ગયું છે; ખાસ કરીને તેમના પુત્રો પાર્થ પવાર અને જય પવાર. બન્નેએ અલગ-અલગ સમયે લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને અલગ-અલગ કારકિર્દી પસંદ કરી છે.
પાર્થ પવાર : ટૂંકો રાજકીય પ્રવાસ
ADVERTISEMENT
પાર્થ પવાર અજિત પવારના મોટા પુત્ર છે. તેમણે માર્ચ ૨૦૧૪માં HR કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાંથી મુંબઈ યુનિવર્સિટીની BComની ડિગ્રી પૂર્ણ કરી હતી. પાર્થ ૨૦૧૯માં માવળમાંથી લોકસભાની ચૂંટણી લડીને રાજકીય ચર્ચામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં પવાર પરિવારના મજબૂત વારસાને કારણે ચૂંટણી-રાજકારણમાં પ્રવેશવાના તેમના નિર્ણયે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે તેઓ મોટા માર્જિનથી ચૂંટણી હારી ગયા હતા. આ હાર પછી પાર્થ ફ્રન્ટલાઇન રાજકારણથી દૂર થઈ ગયા.
પાર્થ પવારે કોઈ ચૂંટાયેલા પદ કે ઔપચારિક પક્ષની ભૂમિકા સંભાળી નથી. તેમનો જાહેર દેખાવ મર્યાદિત રહ્યો છે અને તેમણે ફરીથી ચૂંટણી લડવાની કોઈ યોજના જાહેર કરી નથી. તાજેતરમાં તેમનું નામ પુણેના એક જમીનસોદામાં ગાજ્યું હતું. મહત્ત્વનું છે કે તેમનું નામ કોઈ મોટા ગુનાહિત કેસમાં આરોપી તરીકે નોંધવામાં આવ્યું નથી. તાજેતરનાં વર્ષોમાં પાર્થે રાજકીય રીતે ખૂબ જ ઓછો દેખાવ કર્યો છે અને જાહેર ચર્ચાથી મોટા ભાગે દૂર રહ્યા છે.
જય પવાર : બિઝનેસમાં રસ
જય પવાર અજિત પવારના નાના પુત્ર છે. તેમના મોટા ભાઈથી વિપરીત જય ક્યારેય ચૂંટણી લડ્યા નથી કે ઔપચારિક રીતે રાજકારણમાં પ્રવેશ્યા નથી. તેઓ સતત ઍક્ટિવ પૉલિટિક્સથી દૂર રહ્યા છે. જય મોટા ભાગે બિઝનેસ સંભાળતા હોવાનું માનવામાં આવે છે અને મુંબઈ અને બારામતી વચ્ચે આવતા-જતા રહે છે. ક્યારેક તેઓ ચૂંટણીપ્રચાર અથવા જાહેર કાર્યક્રમો દરમ્યાન પરિવારના સભ્યોને ટેકો આપતા જોવા મળે છે, પણ તેઓ રેગ્યુલર પૉલિટિક્સથી દૂર રહે છે.
ખાસ કરીને બારામતીમાં પવાર પરિવારનો મજબૂત પ્રભાવ જોતાં જય પવારના સંભવિત રાજકીય ભવિષ્ય વિશે ક્યારેક અટકળો થતી રહી છે. જોકે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે એ દિશામાં સ્પષ્ટ પગલું લેવામાં આવ્યું નથી.
પાર્થ અને જય પવાર મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવારોમાંના એક સાથે સંબંધિત છે, કારણ કે અજિત પવારે વર્ષોથી સરકાર-રચના અને વહીવટમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
૨૦૨૩માં NCPમાં રાજકીય ઊથલપાથલ કરી દાદાએ
જુલાઈ ૨૦૨૩માં અજિત પવારે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નું વિભાજન કરીને અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકારમાં જોડાઈને મોટી રાજકીય ઊથલપાથલ મચાવી. ત્યાંથી તેઓ ફરીથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા. ફેબ્રુઆરી ૨૦૨૪માં ચૂંટણીપંચે સત્તાવાર રીતે અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથને NCPનું નામ અને પક્ષનું પ્રતીક ઘડિયાળ આપ્યાં.
અજિત પવાર : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર
અજિત પવાર મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા. જોકે તેમનો કાર્યકાળ વિવિધ સમયગાળામાં ફેલાયેલો હતો. તેમણે વિવિધ સરકારોમાં ૬ વખત આ પદ સંભાળ્યું. વર્ષો દરમ્યાન તેમણે પૃથ્વીરાજ ચવ્હાણ, દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના વહીવટમાં ડેપ્યુટી ચીફ મિનસ્ટર તરીકે સેવા આપી હતી.
પ્રભાવશાળી રાજકીય પરિવારમાં જન્મેલા અજિત પવારે ૧૯૮૨માં સહકારી ખાંડ ફૅક્ટરીના બોર્ડમાં ચૂંટાયા પછી તેમની રાજકીય સફર શરૂ કરી. ૧૯૯૧માં તેઓ પુણે જિલ્લા મધ્ય સહકારી બૅન્કના અધ્યક્ષ બન્યા પછી સહકારી અને પ્રાદેશિક રાજકારણમાં તેઓ આગળ વધતા ગયા.
એ જ વર્ષે તેઓ બારામતી સંસદીય મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા. ત્યાર બાદ તેમણે તેમના કાકા, અનુભવી નેતા શરદ પવાર માટે બેઠક ખાલી કરી. અજિત પવાર મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી વિધાનસભાના નેતાઓમાંના એક બન્યા. તેમણે બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી ૭ ચૂંટણીઓ જીતી. ૧૯૯૧ની પેટાચૂંટણીમાં અને પછી ૧૯૯૫, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં તેમની જીત થઈ.


