સિવિલ સર્વિસની પરીક્ષા આપવી એટલે લોઢાના ચણા ચાવવા. વિદ્યાર્થીઓ કલાકોના કલાકો વાંચન કરતા હોય છે, કેટલાય જાતના કોચિંગ ક્લાસ કરતા હોય છે
ઓડિશાની બીની મુદુલી
સિવિલ સર્વિસની પરીક્ષા આપવી એટલે લોઢાના ચણા ચાવવા. વિદ્યાર્થીઓ કલાકોના કલાકો વાંચન કરતા હોય છે, કેટલાય જાતના કોચિંગ ક્લાસ કરતા હોય છે પણ ઓડિશાની બીની મુદુલીએ કોચિંગ ક્લાસ અને ટ્યુશન વિના જ ઓડિશા સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી હતી અને ૫૯૬મો રૅન્ક મેળવ્યો છે. ૨૦૨૦માં પહેલી વાર પ્રયત્ન કર્યો ત્યારે છેલ્લા મેરિટ લિસ્ટમાં તેનું નામ નહોતું એટલે ફરીથી તૈયારી શરૂ કરી દીધી હતી. ૨૪ વર્ષની બીનીના પિતા રામ મુદુલી સરકારી હાઈ સ્કૂલમાં રસોઇયા અને કૅરટેકર છે. મમ્મી સુનામાલી આંગણવાડી કાર્યકર છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કોચિંગનો ખર્ચ પોસાય એમ નહોતો એટલે યુટ્યુબ વિડિયો અને ઑનલાઇન સ્ટડી મટીરિયલ જોઈને તૈયારી કરી હતી. તેના ગામમાં ઇન્ટરનેટની સુવિધા પણ નહોતી એટલે તે નજીકના શહેરમાં જઈને ભણતી હતી. બીની તેના નબળા આદિવાસી સમાજમાંથી સ્ટેટ સિવિલ સર્વિસની પરીક્ષા આપનારી પહેલી યુવતી છે.

