જ્યારે નવા પ્રકારનું સિટી પ્લાનિંગ થાય ત્યારે જૂની ઇમારતોને કાં તો ખસેડવી પડે કાં પછી તોડી પાડવી પડે. જોકે જ્યારે એ ઇમારત હેરિટેજ સમાન હોય ત્યારે એને ખસેડવાનું કામ ચીનમાં થાય છે.
રોબો લેગથી ૧૩,૨૨૨ સ્ક્વેરફુટનું આખેઆખું ત્રણ માળનું બિલ્ડિંગ રોજ ૧૦ મીટર ચાલે છે
જ્યારે નવા પ્રકારનું સિટી પ્લાનિંગ થાય ત્યારે જૂની ઇમારતોને કાં તો ખસેડવી પડે કાં પછી તોડી પાડવી પડે. જોકે જ્યારે એ ઇમારત હેરિટેજ સમાન હોય ત્યારે એને ખસેડવાનું કામ ચીનમાં થાય છે. ચીનમાં આખેઆખી ઇમારતોને જડમૂળથી ખસેડવાની નવાઈ નથી. જોકે તાજેતરમાં ચીનમાં ૩ માળનું એક બિલ્ડિંગ જે ૧૩,૨૨૨ સ્ક્વેરફુટમાં ફેલાયેલું છે એને આખેઆખું ઊંચકીને ખસેડવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ બિલ્ડિંગ ૧૯૨૦ અને ૧૯૩૦ની આસપાસમાં બનેલું હતું. શાંઘાઈના જિન્ગ્યાન વિસ્તારમાં આવેલું આ ૩ માળનું બિલ્ડિંગ હાઇડ્રોલિક પાવર્ડ રોબોની મદદથી આખેઆખું જમીનથી ઊંચકી લેવામાં આવ્યું છે. ૪૩૨ રોબો પર એ ઘરને ખસેડવામાં આવ્યું છે અને હવે રોજ એ રોબો ધીમે-ધીમે કરીને એ આખા મકાનને નિશ્ચિત દિશામાં ખસેડે છે. ભારેખમ વજનને કારણે રોજ એ ૧૦ મીટર જેટલું અંતર કાપે છે. અત્યારે એ આખા વિસ્તારનાં હજી બીજાં ૩ બિલ્ડિંગોને ખસેડવાનાં છે. એ રીતે મેદાન સાફ કરીને એ જગ્યાએ શહેરની સબવેની લાઇન નાખવામાં આવશે અને આ જગ્યા પર પાર્કિંગ અને કમર્શિયલ તેમ જ કલ્ચરલ સેન્ટર બનાવવામાં આવશે.

