ઓડિશાના અંગુલ જિલ્લાના તલચર ગામનો રહેવાસી યુવક શુભમ સાહુ પગપાળા તીર્થયાત્રાએ નીકળ્યો છે. તેનો પહેલો પડાવ મહાકુંભમાં સંગમમાં પવિત્ર સ્નાનનો રહેશે.
શુભમ સાહુ
ઓડિશાના અંગુલ જિલ્લાના તલચર ગામનો રહેવાસી યુવક શુભમ સાહુ પગપાળા તીર્થયાત્રાએ નીકળ્યો છે. તેનો પહેલો પડાવ મહાકુંભમાં સંગમમાં પવિત્ર સ્નાનનો રહેશે. એ પછી તે અયોધ્યાની રામ જન્મભૂમિમાં ભગવાન શ્રીરામનાં દર્શન કર્યા બાદ કૃષ્ણ-જન્મભૂમિ મથુરા જશે. ત્યાંથી દિલ્હી-હરિયાણા પંજાબથી જમ્મુમાં માતા વૈષ્ણોદેવીનાં દર્શને જશે. ત્યાર બાદ આગળના પડાવ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પહોંચશે. શુભમે આ પહેલાં ૩૦૦૦ કિલોમીટરની પદયાત્રા કરી છે અને એમાં ઓડિશાથી નેપાલ ગયો હતો. ત્યારે જનકપુરીના રસ્તે પોખરા થઈને પશુપતિનાથ ભગવાનનાં દર્શન કર્યાં હતાં અને તેને પદયાત્રા કરવામાં ભગવાનની કૃપાથી કોઈ તકલીફ પડતી નથી. શુભમ એક તરફ ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ અને બીજી તરફ આધ્યાત્મિક જીવન તરફ પ્રયાણ કરી રહ્યો છે. પ્રયાગરાજ પહોંચતાં તેને ૭ દિવસ લાગશે. રસ્તામાં રાતે તે રેલવે-સ્ટેશન, પેટ્રોલ પમ્પ પર અથવા મંદિરમાં વિશ્રામ કરશે. તેણે પોતાની સાથે નાનકડું ગૅસ-સિલિન્ડર રાખ્યું છે અને એના પર પોતે જ જમવાનું બનાવી લે છે અથવા કોઈક હોટેલમાં જમી લે છે. એક દિવસમાં તે ઍવરેજ પચીસથી ૩૦ કિલોમીટર ચાલે છે અને ક્યારેક-ક્યારેક ૪૦થી ૪૫ કિલોમીટરનો પ્રવાસ કરી લે છે. જમ્મુ સુધીની પદયાત્રા પર નીકળેલા શુભમનું પગપાળા યાત્રાના રસ્તે જ્યાં-જ્યાં પહોંચે છે ત્યાં લોકો ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. ફૂલહાર પહેરાવી, ફૂલોથી વધાવી શુભકામના આપી તેના પ્રયાસને બિરદાવી રહ્યા છે.

