મતદાન દરમ્યાન TMC-BJPના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી અને હિંસા થવાથી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો : જે મતદાન કેન્દ્રો પર EVM સાથે છેડછાડ થઈ ત્યાં ફરી મતદાન કરવાની ચૂંટણીપંચની જાહેરાત
TMCના કાર્યકરોની નારાબાજી વચ્ચે ભવાનીપુર બેઠકના BJPના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા.
ગઈ કાલે પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં ૧૪૨ બેઠકો માટે મતદાન થયું હતું. રાતે ૯ વાગ્યા સુધીના ચૂંટણીપંચના આંકડાઓ મુજબ બીજા તબક્કામાં ૯૨.૩૨ ટકા મતદાન થયું હતું. પહેલા તબક્કાના મતદાનમાં ૯૩.૧૯ ટકા મતદાન થયું હતું. બન્ને તબક્કા મળીને કુલ ૯૨.૪૭ ટકા મતદાન થયું હતું.
મતદાન દરમ્યાન ઘણી જગ્યાએ મારામારી થઈ હતી અને હિંસક તત્ત્વો દ્વારા તોફાન કરવાનો પ્રયાસ થયો હતો. નૉર્થ પરગણામાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) અને BJPના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. બન્ને પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાને દોડાવી-દોડાવીને લાકડીથી હુમલા કર્યા હતા. દરેક મતદાનમથક પર ભારે સુરક્ષાવ્યવસ્થા ગોઠવી હોવા છતાં હાલત બેકાબૂ થતી જોવા મળી હતી.
ADVERTISEMENT
આરોપ અને પ્રતિઆરોપ
BJPએ આરોપ લગાવ્યો હતો કે ડાયમન્ડ હાર્બર અને ફાલતા વિસ્તારમાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં BJPના બટન પર ટેપ લગાવીને એને બ્લૉક કરી દેવામાં આવ્યાં હતાં. નૉર્થ ૨૪ પરગણા બેઠકના મતદાનકેન્દ્રમાં પણ BJPના બટન પર ભૂરી શાહી લગાવી દીધેલી જોવા મળી હતી. મતદાનમથકમાંથી EVMનો વિડિયો વાઇરલ થતાં ચૂંટણીપંચે કહ્યું હતું કે જ્યાં પણ આ પ્રકારની ફરિયાદો મળી છે ત્યાં બીજી વાર મતદાન કરાવવામાં આવશે. પાનીહાટી વિસ્તારમાં EVMમાં BJPના ઉમેદવારના બટન પર ભૂરી શાહીથી એ ભાગ ભૂંસી નાખવામાં આવેલો. ફરિયાદ મળતાં એને સૅનિટાઇઝરથી સાફ કરવામાં આવ્યો હતો.
સુવેન્દુ અધિકારી સામે નારાબાજી
તૃણમૂલ કૉન્ગ્રેસમાંથી જ છૂટા પડેલા અને ગઈ વિધાનસભામાં મમતા બૅનરજીને હરાવી ચૂકેલા BJPના સુવેન્દુ અધિકારી આ વખતે મમતા બૅનરજી સામે ભવાનીપુર બેઠકમાં પણ સામનો કરી રહ્યા છે. જોકે ગઈ કાલે સુવેન્દુ અધિકારી કાલીઘાટ વિસ્તારમાં આવેલા મમતા બૅનરજીના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે TMCના કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા હતા અને ચોર-ચોરની બૂમો પાડી હતી અને ‘ગો બૅક’ના નારા લગાવ્યા હતા. TMCના કાર્યકર્તાઓએ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી. જોકે સુવેન્દુ અધિકારી અને તેમના કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
હાવડામાં વૃદ્ધનું મોત

હાવડામાં ગઈ કાલે મતદાનમાં વિક્ષેપ પાડનારાં તોફાની તત્ત્વોને CRPFના જવાનોએ લાઠીચાર્જ કરીને ભગાડ્યાં હતાં
હાવડાના ઉદયનારાયણપુર વિસ્તારમાં અહીં કેટલાંક મતદાનકેન્દ્રો પર EVMમાં ખામી સર્જાતાં લોકોએ લાંબો સમય ઊભા રહેવું પડ્યું હતું. એવામાં કેટલાંક તોફાની તત્ત્વોએ હોબાળો મચાવતાં પોલીસે લાઠીચાર્જ કરીને મામલો શાંત કરવો પડ્યો હતો. TMCના સેક્રેટરી અભિષેક બૅનરજીએ આરોપ કર્યો હતો કે કેન્દ્રીય સુરક્ષાબળોના જવાનોએ મત આપવા આવેલા એક વૃદ્ધ પર લાઠીચાર્જ કરતાં તેમનું મૃત્યુ થયું હતું.
મતદારોને ખુલ્લી ધમકી આપતાં TMCના અભિષેક બૅનરજીએ કહ્યું… જોઉં છું ચોથી મે પછી દિલ્હીથી કોનો બાપ બચાવવા આવે છે

પશ્ચિમ બંગાળના નૉર્થ ૨૪ પરગણાની બેઠક માટેના ૧૨૦ નંબરના મતદાન કેન્દ્રની બહાર TMC અને BJPના કાર્યકર્તાઓ વચ્ચે ગઈ કાલે હાથાપાઈ થઈ હતી
૨૭ એપ્રિલે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર થંભ્યો એ પહેલાં TMCના સેક્રેટરી અભિષેક બૅનરજીએ જનતાને સંબોધનમાં મત મેળવવા માટે ખુલ્લમખુલ્લી ધમકી જ આપી હતી. આ ઘટનાનો વિડિયો થોડા સમય પછી વાઇરલ થયો હતો. જનસભામાં અભિષેક બૅનરજી કહે છે, ‘ગયા વખતે આરામબાગ, ગોઘાટ, ખાનકુલ, પુરસુરામાં હાર મળી હતી; પરંતુ અમે તમને દયા ખાઈને છોડી દીધા હતા. આ વખતે હું જાતે જવાબદારી લેવાનો છું. જોઉં છું ૪ મે પછી દિલ્હીથી કોનો બાપ તમને બચાવવા માટે આવે છે.’
