સમન્થા રુથ પ્રભુએ કહ્યું કે ભલે હું કોઈ મોટા પરિવારમાંથી આવી નથી પણ મારા માટે પૈસા નિર્ણય લેવામાં સૌથી મહત્ત્વનું પરિબળ રહ્યું નથી
હું પૈસાથી માંડીને કરીઅર સુધીના તમામ નિર્ણયો મારા પતિને પૂછીને લઉં છું
દક્ષિણ ભારતીય ફિલ્મોની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાં સમન્થા રુથ પ્રભુનું પણ નામ સામેલ છે. સમન્થાએ ૬ મહિના પહેલાં ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યાં હતાં અને હાલમાં તે પ્રેગ્નન્ટ છે. હાલમાં સમન્થાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને મૅટરનિટી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. આ સમયે પોતાની કરીઅરની ચર્ચા કરતી વખતે સમન્થાએ કહ્યું હતું કે કોઈ પણ પ્રોજેક્ટ પસંદ કરતી વખતે તેની પ્રથમ પ્રાથમિકતા ક્યારેય પૈસા રહી નથી અને તે પૈસાથી માંડીને કરીઅર સુધીના તમામ નિર્ણયો પતિ રાજને પૂછીને લે છે.
સમન્થાએ પ્રોજેક્ટ પસંદ કરવાના માપદંડ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ભલે હું કોઈ મોટા પરિવારમાંથી આવી નથી પણ મારા માટે પૈસા ક્યારેય કોઈ નિર્ણય લેવામાં સૌથી મહત્ત્વનું પરિબળ રહ્યું નથી. મારા નિર્ણયો પર તો પૈસાની ક્યારેય અસર થઈ નથી. હા, પૈસા જીવનને વધુ સરળ જરૂર બનાવે છે પણ એનાથી આગળ મેં ક્યારેય એના વિશે ખાસ વિચાર્યું નથી. મને મારા પતિ રાજના નિર્ણયમાં બહુ વિશ્વાસ છે અને અમે દરેક બાબતમાં સાથે મળીને નિર્ણય લઈએ છીએ. રાજ આ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષોથી કામ કરી રહ્યો છે અને તે દરેક બાબતને ખૂબ જ વાસ્તવિક દૃષ્ટિકોણથી જુએ છે. મારી તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મા ઇન્ટિ બંગારમ’ની શરૂઆતથી અંત સુધીની દરેક પ્રક્રિયામાં તે સક્રિય હતો.’
